શરમજનક:રાજકોટમાં ‘દીકરીને જન્મ આપ્યો, દિકરાને કેમ ન આપ્યો’ કહી પરિણીતાને સાસરિયાનો ત્રાસ, પતિ દારૂ પી મારકૂટ કરતો, ફરિયાદ નોંધાઇ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે.
  • પતિ ચારિત્ર્ય પર શંકા કરતો હોવાથી સગા-વ્હાલાના ઘરે પણ જવા દેતો નહીં

રાજકોટમાં સાસરીયાના ત્રાસના કિસ્સા દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે ગાંધીગ્રામમાં કષ્ટભંજન સોસાયટીમાં રહેતા આરતીબેન વિજયભાઇ સોલંકીએ ફરિયાદમાં પતિ વિજયભાઇ ધીરુભાઇ સોલંકી, સસરા ધીરુભાઇ ભીમાભાઇ સોલંકી, સાસુ લક્ષ્મીબેન ધીરુભાઇ સોલંકી, દીયર પ્રકાશભાઇ ધીરુભાઇ સોલંકી અને નણંદ રસીલાબેન ધીરુભાઇ સોલંકી સામે ત્રાસ અને મારકૂટ અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, દીકરીને જન્મ આપતા સાસરીયાવાળાઓએ કહ્યું હતું કે, ‘દીકરીને જન્મ આપ્યો, દિકરાને કેમ ન આપ્યો’ તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. તેમજ પતિ દારૂ પીને મારકૂટ કરતો હતો.

સંતાનમાં એક દીકરી અને એક દિકરો
આરતીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્નને આશરે 14 વર્ષ અને 4 માસ જેવો સમય થયો છે. મારા લગ્ન વિજય સોલંકી સાથે અમારી જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા છે. લગ્ન બાદ હાલમાં મારે સંતાનમાં એક દીકરી અને દિકરો છે. હાલ બંને બાળકો મારી પાસે છે. હું છેલ્લા પાંચ વર્ષથી મારા પિતા તથા ભાઇઓની સાથે રહું છું. મારા પતિએ મારા માતા-પિતાએ મને આપેલા દાગીના ગીરવે મુકી દીધા છે અને હું મારા પતિ પાસે મારા માતા-પિતાએ આપેલા દાગીનાની માગણી કરું છું.

પતિ દારૂ પીવાની ટેવ ધરાવે છે
દાગીનાની માગણી કરૂ છું તો મારા પતિ મને કહેવા લાગ્યા કે તારે દાગીના પહેરીને ક્યાં જાઉં છે? બાદમાં મારા પતિ મારા ચારિત્ર્ય પર શંકા-કુશંકા કરવા લાગ્યા અને મને ક્યાંય મારા સગા વહાલાને ત્યા પણ જવા-આવવા ન દેતા. મારા પતિ દારૂ પીવાની ટેવવાળા હોય જેથી અવાર-નવાર મારી સાથે ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો બોલી મારી સાથે મારકૂટ કરતા હતા. ત્યારબાદ હું શ્રીમંત કરીને મારા પિયરમાં ગઇ હતી અને ત્યાં મે દીકરીનો જન્મ આપ્યો હતો.

દીકરી આવતા સાસરીયાવાળાને ન ગમ્યું
દીકરી આવતા મારા પતિ અને સાસરીયાવાળાઓને નહિં ગમતા તેઓએ મને કહ્યું કે તને છોકરી કેમ આવી? છોકરો કેમ ન આવ્યો તેમ કહી જેમ-તેમ મેણાટોણા બોલતા હતા. ત્યારબાદ બે વર્ષ સુધી મને મારા પતિ કે સાસરીયા પક્ષના કોઇ સભ્યો મને તેડવા આવ્યા નહીં અને તે વખતે હું બે વર્ષ સુધી મારા પિતાના ઘરે રિસામણે બેઠી હતી. ત્યારબાદ મારા સાસુ-સસરા તથા મારા ફઇજી સાસુનો દિકરો અને જમાઇ સમાધાન કરી તેડી ગયા હતા.

થોડા દિવસ મને સારી રીતે રાખી
​​​​​​​ત્યારબાદ થોડા દિવસ મને સારી રીતે રાખી. ત્યારબાદ મારા પતિ ફરીથી જેમ કરતા હતા તેમ કરવા લાગ્યા અને ફરી મારી ઉપર શંકાઓ કરવા લાગ્યા. હું કંઇ બોલુ તો મને મારકૂટ કરતા હતા. જેથી હું માવતરે આવ્યા બાદ મારા સાસરિયા સમાધાન કરવા માગતા ન હોય જેથી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.