તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજવિવાદ વકર્યો:મિલકતના હિસ્સા માટે રાજવી પરિવારના સભ્યો આખરે સામસામે આવી ગયા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વ.પ્રહલાદસિંહજીને પ્રદ્યુમનસિંહજીએ હિસ્સો આપી દીધો હતો: માંધાતાસિંહ
  • જો હિસ્સો આપ્યો હોય તો તે મિલકતોના નામ સાથે પુરાવા આપો: રણશૂરવીરસિંહ
  • ભત્રીજાએ મિલકતને લઈને કરેલા દાવાઓને કાકાએ પાયાવિહોણા ગણાવ્યા, અધિકારીઓ પર થયેલા આક્ષેપ અશોભનીય કહ્યા

રાજકોટના રાજવી પરિવારમાં મિલકતનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં હાલના ઠાકોર માંધાતાસિંહના બહેન અંબાલિકાદેવી બાદ હવે તેમના કૌટુંબિક ભત્રીજા રણશૂરવીરસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાએ પણ દાવો માંડ્યો છે. તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ મિલકતોમાં તેમનો પણ હક હોવાનો દાવો કર્યો હતો તેમજ અધિકારીઓ પર પણ આક્ષેપ કર્યા હતા.

અત્યાર સુધી મિલકતના વિવાદ મુદ્દે માંધાતાસિંહે કોઇ નિવેદન આપ્યું ન હતું પણ હવે તેઓ વિવાદમાં બોલવા આગળ આવ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રણશૂરવીરસિંહના પિતા અને દાદાને તેમનો હિસ્સો મળી ચૂક્યો છે. હવે આ મિલકત પર કોઇનો હક નથી. જ્યારે રણશૂરવીરસિંહે આ મામલે કહ્યું છે કે, જો હિસ્સો આપ્યો હોય તો તેના પુરાવા જાહેર કરવામાં આવે. આ રીતે પ્રથમ વખત રાજપરિવારમાં જાહેરમાં સામસામે નિવેદનો થયા છે અને મિલકતનો વિવાદ વધુ ઘેરો બન્યો છે.

‘બધી મિલકતો સ્વ.પ્રદ્યુમનસિંહજીની સ્વપાર્જિત છે, હવે કોઇનો હિસ્સો નથી’
માંધાતાસિંહે જણાવ્યું હતું કે, ‘અમારા જ કુટુંબી રણશૂરવીરસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં અમારા પૂર્વજ પૂર્વ ઠાકોર સાહેબ સ્વ.પ્રદ્યુમનસિંહજી જાડેજાની મિલકતના તેઓ સીધી લીટીના વારસદાર હોવાની વાત કરી છે અને કેટલીક મિલકતો પર પોતાનો હક છે એવું જણાવ્યું છે પણ આ વાતમાં કોઇ વજૂદ નથી. મારા પિતા સ્વ. ઠાકોર સાહેબ મનોહરસિંહજીના નાના ભાઈ સ્વ.પ્રહલાદસિંહજી જાડેજા એટલે કે રણશૂરવીરસિંહના દાદાબાપુને એમના હિસ્સાની મિલકત સ્વ.ઠાકોર સાહેબ પ્રદ્યુમનસિંહજી જાડેજાએ પોતે જ આપી દીધી હતી.

એમના પુત્ર અનિરૂધ્ધસિંહને પણ આપી દીધી છે જે તેઓએ જ કોર્ટમાં વાત કબૂલ કરી છે. આ માટે હવે સ્વ.પ્રહલાદસિંહજીનો કોઇ હિસ્સો રાજપરિવારની મિલકત પર નથી. તમામ વાતો પાયાવિહોણી છે અને અધિકારીઓ પર જે આક્ષેપ થયા છે તે અશોભનીય છે.’ મિલકત અને વીલ વિશે તેઓએ કહ્યું હતું કે, ‘આ તમામ મિલકત સ્વ. પ્રદ્યુમનસિંહજીની સ્વપાર્જિત છે, વડીલોપાર્જિત નથી. જ્યારે વીલની વાત છે તો સિવિલ કોર્ટમાં દાવો દાખલ થયો છે એટલે વીલ તેમજ પ્રોબેટ સહિતના પુરાવા કોર્ટમા રજૂ કરાશે.’

‘રણજિતવિલાસ પેલેસ છે તે પણ લાખાજીરાજ બાપુના વખતથી છે’
રણશૂરવીરસિંહે મિલકત મામલે માંધાતાસિંહે જાહેર કરેલા નિવેદન બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જણાવી રહ્યા છે કે મારા દાદાબાપુ સ્વ.પ્રહલાદસિંહજી અને મારા સ્વ. પિતા અનિરૂધ્ધસિંહજીને રાજપરિવારની મિલકતમાંથી હિસ્સો આપી દેવાયો છે તો તેઓ તેના પુરાવા રજૂ કરે. હિસ્સામાં કઇ મિલકત આપી હતી કે બીજું કઇ આપ્યું હતું તે પણ જાહેર કરે. પહેલાથી અત્યાર સુધીમાં કેટલી પ્રોપર્ટી હતી અને તેના કેટલા ભાગ પડ્યા કોને શું આપ્યું તે પણ માહિતી આપે.

તેઓએ એમ પણ કહ્યું છે કે, આ તમામ મિલકતો સ્વ. પ્રદ્યુમનસિંહજીની સ્વપાર્જિત, એબ્સોલ્યૂટ છે વડીલોપાર્જિત નથી. તો શું રાજકોટ સ્ટેટ પાસે તેની પહેલા કશું હતું જ નહિ? સ્વ.પ્રદ્યુમનસિંહજીને જૂનો દરબારગઢ, પેલેસ, રાંદરડા તળાવનું લેક હાઉસ, વીડી તમામ મિલકતો વડીલો તરફથી જ મળી હતી. હાલ જે રાજકોટનો રણજિતવિલાસ પેલેસ છે તે પણ લાખાજીરાજ બાપુના વખતથી છે. જે વડીલોપાર્જિત છે તેમાં જ હક હિસ્સો માગી રહ્યા છીએ’.

રાજપરિવારમાં તિરાડ : રાજકોટના છેલ્લા રાજવી સ્વ. પ્રદ્યુમ્નસિંહજીની અંદાજે 20 હજાર કરોડની મિલકતના મુદ્ે કૌટુંબિક કાકા માંધાતાસિંહ અને ભત્રીજા રણશૂરવીરસિંહ વચ્ચે કાનૂની જંગ મંડાયો છે.

અન્ય સમાચારો પણ છે...