ગાજવીજ સાથે મેઘો મુશળધાર:રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ,અડધો કલાકમાં દોઢ ઈંચ, માર્ગો જળમગ્ન થયા

રાજકોટ17 દિવસ પહેલા
રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે પણ ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી રીતે વરસાદે એન્ટ્રી કરી હતી. મોડી સાંજના વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં માત્ર અડધો કલાકની અંદર જ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વીજળીના પ્રચંડ કડાકાથી ઊંચી બિલ્ડીંગો પણ ધ્રુજી ઉઠી છે.

શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ.
શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ.

અડધો કલાકની અંદર જ એક ઇંચ વરસાદ વરસ્યો
રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી રાજકોટમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળતું હતું અને દિવસ દરમિયાન અસહ્ય બફારા બાદ અચાનક સાંજના સમયે વરસાદી વાતાવરણ છવાયું હતું અને 7 વાગ્યા થી ગાજવીજ સાથે સતત ત્રીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થવા પામી હતી જેમાં માત્ર અડધો કલાકની અંદર જ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા.

રસ્તા પર પાણી વહ્યા.
રસ્તા પર પાણી વહ્યા.

વાહનચાલકો પરેશાન થયા
શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાતા ચાલુ વાહનો બંધ થતા ચાલકો પરેશાન થયા છે. મોટેભાગે ટુ-વ્હિલર બંધ થતા ચાલકોને દોરીને લઈ જવાની ફરજ પડી હતી. અનેક જગ્યાએ ચાલુ કારો પણ રસ્તામાં પાણી ભરાયા હોવાથી બંધ થઈ ગઈ હતી. એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે.

શહેરના કાલાવડ રોડમાં ધોધમાર વરસાદ.
શહેરના કાલાવડ રોડમાં ધોધમાર વરસાદ.

ભાદર-2 ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસેના ભાદર-2 ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 12540 ક્યુસેક પાણી ની આવક ચાલુ છે. ડેમની હેઠવાસમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી ઉપલેટા તાલુકાના ડુંમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા સહિતના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.

માર્ગો પાણી... પાણી... થઈ ગયા
માર્ગો પાણી... પાણી... થઈ ગયા

6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
રાજકોટમાં શનિવારે પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યા બાદ રવિવારે વધુ એક ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજકોટમાં સિઝનનો કુલ વરસાદ 37 ઈંચ થયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. હાલ દિવસ દરમિયાન ઊંચું તાપમાન જોવા મળે છે. જેને હાઈ ટેમ્પરેચર કહી શકાય. દિવસ દરમિયાન હવા ગરમ થઈને ઉપર જાય છે અને સીબી ક્લાઉડ એટલે કે, વાદળો બંધાઈ છે. આ વાદળો સાંજના સમયે કે રાત્રિના સમયે વરસે છે.જેને કારણે સામાન્ય રીતે છેલ્લા બે દિવસથી સાંજના સમયે વરસાદ આવી રહ્યો છે. હજુ 14 સપ્ટેમ્બર સુધી વરસાદ માટે સપોર્ટેડ સિસ્ટમ છે. જોકે આ દિવસોમાં બપોર બાદ જ વરસાદનું જોર વધારે રહેશે.

આજે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા
આજે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા