મેઘરાજાની તોફાની બેટિંગ:રાજકોટમાં એક કલાકમાં દોઢ અને ઉપલેટા પંથકમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું

રાજકોટ3 મહિનો પહેલા
શહેરના મુખ્ય માર્ગો નદી બન્યા.   - Divya Bhaskar
શહેરના મુખ્ય માર્ગો નદી બન્યા.  
  • શહેરમાં NDRFની ટીમ તહેનાત, રસ્તાઓ નદી બન્યા
  • વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી

રાજકોટ શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ બપોર બાદ વીજળીના કડાકાભડાકા સાથે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના જામનગર રોડ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, રૈયા રોડ, કિશાનપરા ચોક, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ અને મોરબી રોડ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, આથી શહેરના મુખ્ય માર્ગો પર એકથી બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે. બીજી તરફ, ભારે માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાતાં બાઇક, રિક્ષા બંધ પડી જતાં ચાલકો પરેશાન થઈ રહ્યા છે. જ્યારે ઉપલેટા પંથકમાં 3 કલાકમાં 4થી 5 ઇંચ વરસાદ પડતા લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. લાઠ ગામમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

ભારે વરસાદથી લાઠ ગામ વચ્ચે આવેલા બેઠા પુલ પરથી પાણી વહ્યું.
ભારે વરસાદથી લાઠ ગામ વચ્ચે આવેલા બેઠા પુલ પરથી પાણી વહ્યું.

બેઠા પુલને કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું
લાઠ ગામના સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણથી ચાર દિવસથી ઝરમઝર વરસાદ વરસી રહ્યો હતો. આજે સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો હતો. પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવતા બે કલાકની અંદર સાડા ચારથી પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. ગામના અગ્રણી સુભાષભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં દર વર્ષે પાણીનો પ્રશ્ન રહે છે. ઉપલેટા જવા માટેના એકમાત્ર રસ્તા પર બેઠો પુલ આવેલો છે. આજે ભારે વરસાદને કારણે આ પુલ પરથી ભયજનક સપાટીએ પાણી વહી રહ્યું છે. આથી સામાકાંઠેથી ગામમાં અને ગામમાંથી ઉપલેટા જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. આ અંગે અનેકવાર રજુઆત કરી પણ નિરાકરણ આવ્યું નથી.

વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ.
વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ.
રેસકોર્સ રિંગ રોડ.
રેસકોર્સ રિંગ રોડ.
વાતાવરણમાં ઠંડક જોવા મળી.
વાતાવરણમાં ઠંડક જોવા મળી.

આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે NDRFની ટીમ રાજકોટ જિલ્લામાં ઉતારીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેમાં NDRF ટીમ દ્વારા બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ,રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાનાં કટિંગ મશીનો સહિતનાં સાધનો સાથે સજ્જ રાખવામાં આવ્યાં છે. આ NDRFની ટીમ જે જગ્યા પર વધારે વરસાદ અને બચાવની કામગીરીની જરૂર હશે એ તરફ જઇને કામગીરી કરશે.

આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના.
આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના.

રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. જસદણના આટકોટ, જંગવડ, પાચવડા, ગુંદાળા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, આથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. શહેરની માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયાં છે, આથી BRTS બસમાં જતા મુસાફરોને મુશ્કેલી પડી છે.

વાતાવરણમાં અચાનક પલટો આવ્યો.
વાતાવરણમાં અચાનક પલટો આવ્યો.

ગઈકાલે એક કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો
શુક્રવારે રાજકોટમાં 2 ઇંચ વરસાદ બાદ શનિવારે વરસાદે વિરામ લીધો હતો. રવિવારે સાંજે વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. દિવસભર બફારો અને આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને 7 કલાકે વરસાદ શરૂ થયો હતો. વરસાદ બાદ સાંજના સમયે ઠંડો પવન રહેવાને કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. સેન્ટ્રલ ઝોનમાં 1 મીમી, ઇસ્ટ ઝોનમાં 9 અને વેસ્ટ ઝોનમાં 2 મિમી વરસાદ પડ્યો હતો.

વાહનો પાણીમાં ડૂબ્યાં.
વાહનો પાણીમાં ડૂબ્યાં.
મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.

આજી-3, ફોફળ સહિત 7 ડેમમાં નવાં નીર આવ્યાં
છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટના 3, જામનગરના 1 અને મોરબીના 1 અને દેવભૂમિ દ્વારકાના 2 સહિત 7 જળસ્રોતમાં સામાન્યથી લઇને 14.11 ફૂટ સુધીની નવાં નીરની આવક નોંધાઇ છે. સૌથી વધુ દ્વારકાના શેઢાભાડથરીમાં 14.11 ફૂટની આવક થઇ છે. દરમિયાન 84 પૈકી 43 જળાશય ઉપર સામાન્યથી લઇને ચાર ઇંચ સુધીનો વરસાદ થયો છે. દરમિયાન ડેમ સાઇટ પર વરસાદને પગલે ધીમી ધારે નવાં પાણીની આવકનું પ્રમાણ જારી છે.

કોઠારીયા વિસ્તારના લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું.
કોઠારીયા વિસ્તારના લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું.

વરસાદથી રસ્તો ખરાબ થતા લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું
રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન છૂટો છવાયો લગભગ 3થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે અને માત્ર છૂટા છવાયા વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. કોઠારીયા વિસ્તારમાં ભૂગર્ભ ગટર, રસ્તા, પાણી સહિતની સુવિધાઓ માટે અવારનવાર લોકો રજૂઆત કરતા રહે છે. પરંતુ હજુ પ્રાથમિક સુવિધાથી બાકાત છે ત્યારે આજે વેપારીઓએ રોડ પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે તુરંત પોલીસ દોડી ગઇ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે, કોઠારીયા વિસ્તાર રાજકોટ મહાપાલિકામાં ભળી ગયાને સાત વર્ષ થઇ ગયા છે. પરંતુ હજુ પ્રાથમિક સુવિધાઓ પહોંચતી નથી. વરસાદ શરૂ થઇ જતા હવે આ માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે. દર વર્ષે થીંગડા મારીને ગાડુ ગબડાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...