મેઘ મહેર:અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ગોંડલમાં 5 ઈંચ વરસાદ, 2 ઇંચ વરસાદમાં અડધું રાજકોટ પાણીમાં

રાજકોટ6 મહિનો પહેલા
ભારે વરસાદથી રસ્તા પાણી પાણી.
 • વડોદરા, બોટાદ, અમરેલી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ
 • અમદાવાદના બોપલ, વસ્ત્રાપુર, ગોતા, રાણીપ, ઘાટલોડિયામાં વરસાદ
 • રાજકોટના યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઈન્દિરા સર્કલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ચોમાસું ફરી જામી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી હતી. ત્યારે આજે(શનિવાર) રાજકોટ, અમદાવાદ, વડોદરા, બોટાદ અને અમરેલી સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

રાજકોટમાં 1 કલાકમાં 1 ઈંચ તો ગોંડલમાં 5 ઈંચ વરસાદ
રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં મોરબી હાઇવે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઈન્દિરા સર્કલ અને રૈયા રોડ સહિતના વિસ્તારોમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ગોંડલ પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યાં 4 કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયાં હતાં. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.

ગોંડલ પંથકમાં ભારે વરસાદ પડતા ભાદર ડેમ-1(લીલાખા)માં 2083 ક્યુસેક પાણીની આવક થઈ હતી. જેને પગલે ડેમની સપાટી વધીને 17 ફૂટને કુદાવી ગઈ હતી.

અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ
આ ઉપરાંત અમદાવાદના વસ્ત્રાપુર, બોપલ, એસજી હાઇવે, રાણીપ, ઘાટલોડિયા, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, ગોતા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બોડકદેવ અને વસ્ત્રાપુરમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

અમરેલી જિલ્લા અને શહેરના અનેક વિસ્તારમાં વરસાદ
સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના અકાળા, લુવારીયા,અંટાળીયા, જેવા આસપાસના ગામડામા વરસાદ પડ્યો હતો. જ્યારે અમરેલી શહેરમા 1 કલાક સુધી વરસાદ ખાબકતા સુખનાથ પરાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તેમજ વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તાર મોરવાડા, અરજણસુખ, સહિત વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જ્યારે દરિયાકાંઠાના વિસ્તાર રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સવારના સમયે વરસાદી ઝાપટા પડ્યા હતા.

ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર ખોરવાયો
ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર ખોરવાયો
ગોંડલ પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ.
ગોંડલ પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ.
રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યું છે.
રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યું છે.

ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજથી 3 દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ બપોરે 12 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. શહેરના જંક્શન, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો શહેરના અનેક વિસ્તારો એવા છે, જ્યાં હજુ તડકો જોવા મળી રહ્યો છે. જોકે અહીં પણ સાંજ સુધીમાં મેઘરાજા મંડાય જાય તેવી આશા સૌ રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના આંકડા

 • રાજકોટ શહેરમાં 2 ઇંચ
 • રાજકોટ સેન્ટ્રલ ઝોનમાં 1.92 ઇંચ
 • રાજકોટ વેસ્ટ ઝોનમાં 1.56 ઇંચ
 • રાજકોટ ઇસ્ટ ઝોનમાં 2.08 ઇંચ
 • ગોંડલ તાલુકામાં 5 ઇંચ
 • કોટડા સાંગાણી - 2 ઇંચ
 • લોધિકા - 2 ઇંચ
 • જસદણ, જેતપુર, પડધરી તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા.
અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી.
અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી.

રસ્તાઓ પર પાણી ફરી વળ્યું
રાજકોટમાં હજુ ઘણા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. એ વિસ્તારના સ્થાનિકો હજી પણ ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે. 3 દિવસની આગાહીને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે. રાજકોટ જિલ્લામાં વાવણી બાદ વરસાદ ખેંચાતાં કપાસ, મગફળી, મગ, અડદ, મકાઈ સહિતના પાકો સુકાવા લાગ્યા છે. ત્યારે વરસાદની આગાહીને લઇને ખેડૂતોમાં પાક બચી જશે તેવી આશા જાગી છે.

વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ.
વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ.
વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો.
વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો.
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી.
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી.

( તસ્વીર : પિન્ટુ ભોજાણી, ગોંડલ )

અન્ય સમાચારો પણ છે...