સૌરાષ્ટ્રમાં શ્રીકાર વરસાદ:મેઘરાજાએ મન મૂકીને આપ્યું પાણી, હવે વાડી-ખેતરમાં લહેરાશે મોલાત: સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક 1થી 10 ઈંચ વરસાદ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના પાનેલીમાં બે યુવાન વોંકળામાં તણાતા રેસ્ક્યૂ કરાયું, સચરાચર વરસાદથી મોલાતને નવજીવન
  • ધોરાજીમાં 4, જેતપુરમાં 3ાા, કોટડાસાંગાણી, ટંકારામાં 3 ઈંચ: પાનેલી નજીક વીજળી પડતાં બકરીનું મોત, આધેડને ઇજા
  • ઓઝત, સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર
  • ઘેટાંનું ઊન ઉતારવાનું હોય તળાવમાં નવરાવવા ગયા હતા

સતત બીજા દિવસે રાજકોટ જિલ્લા પર વરસાદ ઓળઘોળ બનીને વરસ્યો હતો અને સચરાચર એકથી ચાર ઇંચ પાણી પડી ગયું હતુ. રાજકોટના ધોરાજીમાં ચાર ઇંચ, ટંકારામાં ત્રણ, ગોંડલમાં બે, કોટડા સાંગાણીમા 3 ઇંચ, ઉપલેટામાં પણ ત્રણ ઇંચ પાણી પડી ગયું હતું. મોટીપાનેલીમાં અઢી ઇંચ પાણી પડી ગયું હતું.જામજોઘપુર તાલુકાના નરમાણા ગામે બપોર બાદ આભ ફાટતા 3 કલાકમાં 10 ઇંચ વરસાદ પડ્યો હતો.

કાલાવડમાં ભારે વરસાદ પડતાં અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.
કાલાવડમાં ભારે વરસાદ પડતાં અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.

જિલ્લાના ગોંડલમાં સતત બીજા દિવસે ધોધમાર બે ઇંચ વરસાદ પડ્યો હતો. ધોરાજીમાં અને ચાર ઇંચ હેત વરસાવી વિરામ લીધો હતો. પંથકના મોટીમારડ, પાટણવાવ, સુપેડીના ચેકડેમો અોવરફલો થયા છે. જયારે ગોંડલ તાલુકાનો મોતીસર ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોને સાવચેત રહેવા સુચના અપાઈ છે. પાનેલી પાસે વીજળી પડતાં એક બકરીનું મોત થયું છે. જયારે આધેડ કાનાભાઈ વાઘેલાને ઈજા થઈ હતી.

ઉપલેટામાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો અને તાલુકાના ગામડાઓમાં સરેરાશ ત્રણ થી ચાર જ તેમજ તાલુકાના લાઠ ગામે પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ પર્વત પર ચારે બાજુથી વરસાદી પાણીના ધોધ ચાલુ થઈ ગયા હતા.

કોટડા સાંગાણી શહેરમાં સાડા ત્રણ ઇંચ તેમજ પંથકના રાજપરા સોળિયા, માણેકવાડા નારણકા , મોટામાંડવા , રામોદ , ભાડવા, અરડોઈ , ખરેડા ,રાજગઢ, ભાડુઈ, પાંચતલાવડા , સતાપર , ખોખરી વગેરે પંથકમાં વરસાદ પડતા ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. જેતપુર પંથક્મા 24 કલાકમા 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જસદણ પંથકમાં પણ વરસાદ થતા લીલાખા નજીક આવેલા ભાદર ડેમ 1 માં પાણીની આવક થતા સપાટી 17.45 ફુટે પહોંચી છે.જયારે જામનગર શહેરમાં સવારથી બપોર સુધી ધીમી ધારે 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે કાલાવડમાં પણ બપોરે 2 થી 6 એટલે કે 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકયો હતો.

કયાં તાલુકામાં કેટલો વરસાદ પડ્યો

માણાવદર5 ઇંચ
જૂનાગઢ4 ઇંચ
વંથલી4.50 ઇંચ
કુતિયાણા4 ઇંચ
વિસાવદર3 ઇંચ
વેરાવળ3 ઇંચ
કેશોદ2.50 ઇંચ
સુત્રાપાડા2.5 ઇંચ
મેંદરડા2.50 ઇંચ
તાલાલા1.50 ઇંચ
માળિયા1.72 ઇંચ
માંગરોળ1.72 ઇંચ

​​​​​​​

સોરઠમાં મેઘમહેર : માણાવદરમાં 5, જૂનાગઢ અને વંથલીમાં 4 ઇંચ
માણાવદર પંથકમાં સાંજ સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતાં. જૂનાગઢ શહેર અને વંથલી,વડાલમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. કેશોદ,મેંદરડામાં અઢી ઇંચ વરસાદ થયો હતો. માંગરોળ અને માળિયમાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો.

ભેંસાણમાં એક ઇંચ વરસાદ થયો હતો. ગીરનાર જંગલમાં ભારે વરસાદનાં પગલે સોનરખ, કાળવા અને ઓઝત નદીમાં પુર આવ્યું હતું. ગીરનારનાં પગથિયા ઉપર નદી વહેતી હોય તેવા દ્રષ્યો સામે આવ્યાં હતાં. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુત્રાપાડામાં અઢી, તાલાલામાં દોઢ, કોડીનારમાં એક ઇંચ વરસાદ થયો હતો. કુતિયાણામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ધારી, સાવરકુંડલા, રાજુલા, બગસરામાં અડધો ઇંચ સુધી વરસાદ થયો હતો.

ધોરાજીની સફૂરા નદીમાં પૂર
શહેરમાં અનરાધાર વરસાદના પગલે સફૂરા નદીમાં ભારે પુર આવ્યા હતા અને બે કાંઠે વહેતી નદીને જોવા લોકો જીવના જોખમે કાંઠે પહોંચી ગયા હતા અને કુદરતનું નિરાળું સ્વરૂપ જોઇ આનંદિત બન્યા હતા.

મોરબીના પાનેલીના વોંકળામાં બે યુવાન તણાયા, બચાવ થયો
મોરબી તાલુકાના પાનેલી અને ગિડચ ગામે દર ચોમાસે વોકળામાં બે કાંઠે પાણી વહેતુ હતું. રવિવારે પણ ઉપરવાસમા વધુ વરસાદના કારણે મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. પાણીનો પ્રવાહ ધસમસતો જઈ રહ્યો હતો. આ દરમિયાન વાંકાનેરના ઓળ ગામે રહેતા બે યુવાનોએ પાનેલીના વોકળો પાર કરવા જતાં બન્ને યુવાન ડૂબવા લાગ્યા હતા. વોંકળો બે કાંઠે જઈ રહ્યો હોય અને તેમાં બન્ને યુવાનને ડૂબતા બચાવી લીધા હતા.

સિલોજ પાસે પિતાને બચાવવા જતા બન્ને પુત્ર પણ પાણીમાં ડૂબી ગયા
ઊના - વેરાવળ રોડ ઉપર સીલોજ ગામની નજીકમાં બાયપાસના ઠિકરિયા ખારાના તળાવમાં બપોરે એક વાગ્યાની આસપાસના ઊનાના મોટા ડેશર ગામનાં માલધારી ભોપાભાઈ જેઠાભાઈ ગળચર (ઉ.વ 60 )તેનાં બે પુત્ર પાલાભાઈ ભોપાભાઈ, ભીમાભાઈ ભોપાભાઈ પોતાનાં ઘેટાંનું ઊન ઉતારવાનું હોય તે માટે ઘેટાંને નવરાવવા માટે તળાવે લઇ ગયા હતાં.

અચાનક ભોપાભાઈનો પગ પાણીમાં લપસતા ઊંડા પાણીમાં ડુબવા લાગ્યાં હતાં. આ દ્રશ્ય જોઇ તેના બન્ને પુત્ર પિતાને બચાવવા તળાવમાં કુદી પડ્યાં હતાં. તળાવ વચ્ચે રહેલાં ઊંડા ઘુનામાં બન્ને પુત્ર પણ ડુબવા લાગ્યા હતાં. આજુબાજુના લોકો તળાવ પાસે દોડી ગયા હતાં, પરંતુ ત્રણેય લોકો પાણીમાં ગરક થઇ ગયા હતાં. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહ બહાર કાઢ્યાં હતાં.

પુત્રની નજર સામે પિતા, કાકા, દાદા ડૂબી ગયા
​​​​​​​ભોપાભાઇ તથા તેમના પુત્ર પાલાભાઇ અને ભીમાભાઇ સાથે પાલાભાઇનો પુત્ર પણ સાથે ગયો હતો. તેની નજર સમક્ષ પિતા, કાકા અને દાદા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. અને ત્રણેયનો મૃતદેહ બહાર કાઢતા માલધારી પરીવારમાં શોકમગ્ન બની ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...