• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Mega Rangoli Competition In Rajkot From Today Till November 5, The First Place Winner Will Get 21 Thousand In Individual Rangoli And 31 Thousand In Group Rangoli.

રંગોનો ઉત્સવ:રાજકોટમાં આજથી 5 નવેમ્બર સુધી મેગા રંગોળી સ્પર્ધા, પ્રથમ નંબરે આવનારને વ્યક્તિગત રંગોળીમાં 21 હજાર અને ગ્રુપ રંગોળીમાં 31 હજારનું ઇનામ

રાજકોટએક મહિનો પહેલા
  • રંગોળી સ્પર્ધામાં જજ નહીં લોકો જ વોટ કરી ઓનલાઇન પરિણામ આપશે

રાજકોટ મનપા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વોકલ ફોર લોકલ અનુસંધાને આર્ટિસ્ટને પ્રોત્સાહીત કરવા રેસકોર્સ ખાતે મેગા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા આજથી 5 નવેમ્બર સુધી યોજાશે. જેમાં સ્પર્ધામાં બે ભાગ પાડવામાં આવ્યા છે. એક વ્યક્તિગત રંગોળી અને બીજી ગ્રુપ રંગોળી. વ્યક્તિગત રંગોળીમાં પ્રથમ નંબરને 21 હજાર અને ગ્રુપ રંગોળીમાં પ્રથમ નંબરને 31 હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે.

લોકો ક્યુઆર કોડ સ્કેન કરી રંગોળીને વોટ આપશે
આ રંગોળી સ્પર્ધા સામાન્ય રીતે યોજાતી રહેતી રંગોળી સ્પર્ધાથી કંઇક વિશેષ છે. કદાચ પ્રથમ વખત રાજકોટમાં આ નવો પ્રયોગ થવા જઈ રહ્યો છે. જેમાં દોરવામાં આવેલી રંગોળીઓમાંથી કઈ રંગોળી શ્રેષ્ઠ છે તે નક્કી કરવા માટે કોઈ નિષ્ણાંત કે જજને રોકવામાં આવશે નહી. શ્રેષ્ઠ રંગોળી લોકો જાતે જ નક્કી કરી શકશે. લોકોએ તેમને જે રંગોળી ગમે તેને વોટિંગ કરવાનું રહેશે. લોકો ક્યુઆર કોડ સ્કેન કરી અથવા રાજકોટ મહાનગરપાલિકાની એપમાં પસંદગીની રંગોળી સિલેક્ટ કરે અથવા વેબસાઈટ પર જઈને તેમાં પોતાને ગમતી રંગોળી પસંદ કરી શકશે.

રંગોળી બનાવવા માટે ત્રણ થીમ આપવામાં આવી
1. આઝાદીનો અમૃત મહોત્સવ- મેરે સાપનો કા ભારત
2. સ્વચ્છ ભારત મિશન- એક જનઆંદોલન
3. વેક્સિનેશન મહાભિયાન- જન સમુદાયનું સુરક્ષા કવચ

લોકો જ જજ બની વોટિંગ કરશે
જનતા જનાર્દનને માન આપી શ્રેષ્ઠ રંગોળી લોકો જ જાતે પસંદ કરવાના છે ત્યારે આ આયોજન નિ:શંકપણે પારદર્શક બની રહેશે અને શ્રેષ્ઠ કલા કૃતિઓને યોગ્ય રીતે ન્યાય પણ પ્રાપ્ત થાય તે પ્રકારની ઉમદા નવતર પહેલ રાજકોટ મહાનગરપાલિકાએ અપનાવી છે. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ રંગોળી નક્કી કરવાનું જજમેન્ટ લોકોના હાથમાં રહેશે. રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને QR કોડ આપવામાં આવશે. જેના માધ્યમથી ઓનલાઈન વોટિંગ પણ થઇ શકશે. આ સ્પર્ધામાં ચિત્રકારો વ્યક્તિગત રીતે અને સમૂહમાં (ગ્રુપમાં) ભાગ લઈ શકશે. કલાકારોએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

અહીં ઓનલાઇન અને ઓફલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે
પ્રિ-રજિસ્ટ્રેશન માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ rmc.gov.in પર અથવા ફોન નંબર 0281-2220600 ઉપર અથવા રૂબરૂ સિવિક સેન્ટર ખાતે સંપર્ક કરી શકાશે. રજિસ્ટ્રેશન ફી માટે વ્યક્તિગત રજિસ્ટ્રેશન માટે રૂ.50 અને ગ્રુપનાં રજિસ્ટ્રેશન માટે રૂ.100 એન્ટ્રી ફી નક્કી કરવામાં આવી છે.

વિજેતા કૃતિઓ માટેનાં પુરસ્કાર

વ્યક્તિગત સ્પર્ધક કેટેગરીગ્રુપ સ્પર્ધક કેટેગરી
પ્રથમ ઇનામ-રૂ. 21,000પ્રથમ ઇનામ- રૂ.31,000
બીજું ઇનામ- રૂ.15,000બીજું ઇનામ- રૂ.25,000
ત્રીજું ઇનામ- રૂ.11,000ત્રીજું ઇનામ- રૂ.21,000
ચોથું ઇનામ- રૂ.5100ચોથું ઇનામ- રૂ.15,000
પાંચમું ઇનામ- રૂ.3100પાંચમું ઇનામ- રૂ.11,000

હેલ્પ ડેસ્ક: સ્પર્ધકોને મદદરૂપ થવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ પર જુદા જુદા સ્થળોએ આવશ્યકતા અનુસાર હેલ્પ ડેસ્ક પણ કાર્યરત્ત રહેશે.

કોફી ટેબલ બૂક: આ રંગોળી સ્પર્ધાનાં આયોજન બાદ એક સમગ્રલક્ષી અહેવાલ અને આકર્ષક રંગોળીની તસવીરો સાથેની એક કોફી ટેબલ બૂક બનાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં કલાકારોના પરિચય અને તેઓની કલા કૃતિઓ પ્રદર્શિત કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.

સ્પર્ધા માટેના સૂચિત ટાઈટલ
1. કલા અને સંસ્કૃતિના રંગ; "રંગીલા રાજકોટ"ને સંગ
2. રાજકોટના રંગ, કલાને સંગ
3. સિટી ઓફ કલર્સ એન્ડ આર્ટસ
4. કલર્સ ઓફ રંગીલું રાજકોટ
5. રંગોથી ચમકશે રંગીલું રાજકોટ
6. રાજકોટનાં વિવિધ રંગ; દીપાવલી અને નવા વર્ષને સંગ