આજે રાજકોટ કલેક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના અધિકારીઓ વચ્ચે કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી, જેમાં ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, RTOના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવે, રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઇવેના નિર્માણકાર્યને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ-અમદાવાદ હાઇવેનું સિક્સલેન બનીને તૈયાર પણ થયો નથી ત્યાં અવર-જવર માટે ટોલ ઉઘરાવવાની NHAIએ કવાયત શરૂ કરી છે. આગામી સમયમાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર નવું ટોલનાકું શરૂ થાય તેવી પૂરી શક્યતા છે. જ્યારે રાજકોટ-ઉપલેટા વચ્ચે ત્રણ ટોલપ્લાઝા આવેલા છે, જેમાંથી એક રદ થઈ શકે છે.
ડુમિયાણી ટોલનાકાને લઈ બેઠકમાં ચર્ચા થઈ
ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે બેઠકમાં ઉપલેટા નજીક આવેલા ડુમિયાણી ટોલનાકા અંગે ચર્ચા થઈ હતી. આ ટોલનાકામાં લોકલ વાહનો માટે 10 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે અથવા ફ્રી કરવામાં આવે, એ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ડુમિયાણી ટોલનાકા પર ચાર્જ ઉઘરાવવામાં આવે છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ આવે તો રાજકોટ જિલ્લામાંથી એક ટોલનાકું રદ થઈ શકે છે, કારણ કે રાજકોટ-ઉપલેટા વચ્ચે 105 કિલોમીટરના અંતર વચ્ચે 3 ટોલનાકા આવેલાં છે, જ્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે 60 કિમીના અંતરે એક ટોલનાકું હોવું જોઈએ, આથી એક રદ થઈ શકે છે.
60 કિમીના અંતરમાં જ 3 ટોલનાકા
રિબડાથી ડુમીયાણી સુધીથી 3 ટોલનાકા આવે છે અને આ ટોલનાકા પૈકી રીબડા ટોલનાકે રૂ.45 પીઠડિયા ટોલનાકે રૂ.45 અને ડુમિયાણી ટોલનાકે રૂ.110 ભરવા પડે છે. આ ત્રણેય ટોલનાકા વચ્ચે 60 કિમી જેટલું અંતર છે, છતા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટેક્સ ઉઘરાવાય છે. માટે આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તે જરૂરી છે. આ અંગે ધોરાજી પ્રાંત અધિકારીને સપ્તાહમાં રિપોર્ટ આપવા અરૂણ મહેશ બાબુએ સુચના આપી છે. પ્રાંતના રિપોર્ટ બાદ કલેક્ટર નિર્ણય લેશે.
ડુમિયાણી ટોલનાકે વધુ ટોલ ટેક્સ લેવાતો હોવાની ફરિયાદ
કલેક્ટર સાથે નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમની બેઠક યોજાઈ હતી, જેમાં ઉપલેટા ડુમિયાણી ટોલ પ્લાઝાના વિવાદ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ ટોલ પ્લાઝાને લઈ સ્થાનિકો પાસેથી વધુ ટોલટેક્સ લેવાતો હોવાની ફરિયાદ ઊઠી છે. ભાજપના ધારાસભ્ય અને સાંસદે ડુમિયાણી ટોલપ્લાઝાને લઈ નારાજગી વ્યક્ત કરી છે. રાજકોટ-જૂનાગઢ સુધી કેટલાક ટોલપ્લાઝાનું અંતર નજીક હોવાની ચર્ચા બેઠકમાં થઈ હતી.
ડુમિયાણી ટોલપ્લાઝા અંગે સચોટ નિર્ણય લેવા ખાતરી અપાઈ
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં ઉપલેટા તાલુકાના ડુમિયાણા ટોલનાકા અંગે બેઠક યોજાઇ હતી. જેમાં જનતા પાસેથી કોઈ પણ પ્રકારના અન્યાય વિના ડુમિયાણા ટોલનાકા ટોલટેક્સ વસૂલ કરવો કે નહીં તેમજ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જનતા પાસેથી ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે કે નહીં તે અંગે જરૂરી ચર્ચાઓ કરીને નેશનલ હાઈવે ઓફ ઓથોરીટીને જરૂરી સૂચનો કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત નાગરિકો ટોલટેક્સ અંગે કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન અનુભવે તેવો સચોટ નિર્ણય લેવામાં આવશે તેની ખાતરી આપી હતી. આ બેઠકમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ટોલનાકા અંગે આસપાસના રહેવાસીઓને અનુભવાતી હાલાકી અંગે રજૂઆત કરી હતી. જે અંગે કલેક્ટરે યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું.
નિર્માણધીન બ્રિજો ઝડપી પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ
ટ્રાફિક અંગે લોકોમાં જાગૃતતા આવે અને ટ્રાફિક નિયમોના પાલન સાથે અકસ્માતોને નિવારી શકાય તે અંગે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરીમાં રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે રાજકોટ જિલ્લા ખાતે નેશનલ હાઈવે ઓફ ઓથોરિટીની ચાલુ મહિનાની કામગીરી અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. તેમજ રાજકોટમાં પ્રગતિ હેઠળના બ્રિજોની કામગીરી, બોર્ડ સાઈનેજીસ સહિતની કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, આર એન્ડ બી પંચાયત, રોડ એજન્સીઓને તાકીદ કરી હતી. તેમજ સંતોષપૂર્વક કામગીરી ન કરનાર એજન્સીઓ સામે દંડાત્મક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.
અકસ્માતો નિવારવા સૂચન કરવામાં આવ્યું
જનતામાં ટ્રાફિક અંગે જાગૃતતા આવે તે માટે રોડ સેફ્ટીના કાર્યક્રમો કરવા તેમજ જે સ્થળે અકસ્માત થવાની સંભાવનાઓ વધુ છે ત્યાં આર.ટી.ઓ. અધિકારી, માર્ગ અને મકાન, સ્ટેટ પંચાયત, નેશનલ હાઈવે અને પોલીસ વિભાગને સાથે મળીને સ્થળ મુલાકાત કરવાનું સૂચન આપ્યું હતું. તેમજ જે સ્થળે અકસ્માત થવાની સંભાવનાઓ વધુ છે ત્યાં 108ની ટીમનો રિસ્પોન્સ સમય વધારવા અને એમ્બ્યુલન્સની સંખ્યા વધારવા જણાવ્યું હતું.
એક મહિના પહેલાં ટોલનાકામાં ભાવ વધતાં બેઠક મળી હતી
પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર ઉપલેટા નજીક આવેલા ડુમિયાણી ટોલપ્લાઝા દ્વારા ભાવવધારો કરવામાં આવ્યો હોવાનું વાહનચાલકોએ એક મહિના પહેલાં જણાવ્યું હતું. ત્યારે ટોલપ્લાઝામાં થયેલા ભાવવધારાને લઈને ભાવ ઘટાડવા અને સ્થાનિક વાહનોને રાહત તેમજ ઓછો ટોલ ચૂકવવા માટેની માગણીઓ-રજૂઆતો અંગેની બેઠક ટોલપ્લાઝા ખાતે યોજવામાં આવી હતી. એમાં આ બેઠકની અંદર ટોલપ્લાઝાના કર્મચારીઓ-સંચાલકો, ઉપલેટા તેમજ ધોરાજી વિસ્તારના આગેવાનો, અગ્રણીઓ, વેપારીઓ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે એક બેઠક યોજાઈ હતી. એમાં સ્થાનિકોને રાહત આપવા અને ભાવઘટાડા અંગેની માગ-રજૂઆત કરવામાં આવી હતી.
નિયમ અનુસાર ટોલ ઉઘરાવવામાં આવે છે
બેઠકમાં ડુમિયાણી ટોલપ્લાઝા પર અગાઉ દાદાગીરીથી અને ગેરકાયદે રીતે વાહનો કાઢીને ટોલ ન ચૂકવી સરકારી તિજોરીને અને સરકારી આવકને નુકસાન કરવામાં આવતું હતું, જે બંધ કરવામાં આવ્યું છે અને નિયમ અનુસાર ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો હોવાનું ટોલપ્લાઝાના સંચાલક મયૂર સોલંકીએ જણાવ્યું હતું. અહીં ગેરરીતિ ચાલતી હતી, દાદાગીરીથી ટોલ ન ચૂકવવો જેવી બાબતો હતી, એ બંધ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હોવાનું ટોલપ્લાઝાના સંચાલકે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.