સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું:AAPના યુવરાજસિંહ અને ખોડલધામના ચેરમેન વચ્ચે બેઠક, યુવાનેતાએ કહ્યું- યુવાનોને ન્યાય અપાવવા નરેશ પટેલ સરકારને રજુઆત કરે

રાજકોટ4 મહિનો પહેલા
રાજકોટમાં યુવરાજસિંહે નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. - Divya Bhaskar
રાજકોટમાં યુવરાજસિંહે નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી.
  • નરેશ પટેલને પત્ર આપી યુવાનોના હિતમાં ઊર્જા વિભાગની ભરતીમાં CBI તપાસની માગ કરવા રજુઆત કરી

રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં યુવરાજસિંહે નરેશ પટેલને કહ્યું હતું કે, યુવાનોને ન્યાય અપાવવા માટે નરેશ પટેલ સરકારમાં રજૂઆત કરે તેવું જાણવા મળ્યું છે. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા યુવરાજસિંહ ચર્ચામાં આવ્યા હતા. જોકે અચાનક નરેશ પટેલ સાથે બેઠક કરી યુવાનોને ન્યાય મળે તે માટે નરેશ પટેલની રજુઆત સરકાર સાંભળે તેવી આશા રાખી રહ્યા છે.

યુવરાજસિંહ સોશિયલ મીડિયાના માધ્યમથી બેઠકની જાણ કરી
નરેશ પટેલ સાથેની બેઠક અંગે યુવરાજસિંહ ગઈકાલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી જાણ કરી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે, પાટીદાર આગેવાન અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ સાથે મલાકાત કરી. નરેશ પટેલ સાથે સિસ્ટમમાં રહેલા દૂષણો દૂર કરવા અને શિક્ષિત યુવાનો સાથે થતા અન્યાય બાબતે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્યું અને આગળની રણનીતિ તૈયાર કરી.

યુવરાજસિંહે નરેશ પટેલને પત્ર આપ્યો
યુવરાજસિંહે નરેશ પટેલને સરકારમાં રજુઆત કરવા માટે લેખિતમાં પત્ર આપ્યો હતો. જેમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણાં સમયથી ચાલી આવતી ભરતી પ્રક્રિયામાં પેપર ફૂટવા અને ગેરરિતી થવાના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં આપના સમાજના આપના વિસ્તારના નબળા અને મધ્યમ વર્ગના શિક્ષિત બેરોજગાર યુવાનોને અન્યાય થઈ રહ્યો છે. તમે અથવા તમારી સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સમાજના નબળા અને મધ્યમ વર્ગના પરિવારના ઉત્સાહી યુવાનોને નજીવા ટોકન અથવા મફત શિક્ષણ આપી તેને પગભર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો.

ભરતી પ્રક્રિયામાં યુવાનોના ભાવિ સાથે ચેડા
વધુમાં જણાવ્યું છે કે, પરંતુ હાલની પરિસ્થિતિમાં સરકારની ભરતી પ્રક્રિયામાં યુવાનોના ભાવિ સાથે ચેડાં થઈ રહ્યા છે અને સમાજનો નીચો વર્ગ હજુ પણ આ પરિસ્થિતિના કારણે નીચો જાય તો નવાઈ નહીં. પરંતુ સમાજના જાગરૂત આગેવાન તરીકે તમારી અને તમારા સમાજની ફરજ છે કે આ યુવાનોને થતા અન્યાય રોકવા અને તેઓને ન્યાય મળે તે માટે આપે આગળ આવવું પડશે. દરેક સરકારે રાજ્યમાં રહેલા સમાજોના વિકાસ અને ઉત્થાન માટે કાર્ય કરવાનું હોય છે.

નરેશ પટેલને સરકારમાં રજૂઆત કરવા માટેનો પત્ર પણ આપ્યો.
નરેશ પટેલને સરકારમાં રજૂઆત કરવા માટેનો પત્ર પણ આપ્યો.

ઊર્જા ભરતીમાં થયેલી ગેરરિતીની તપાસ CBI કરે તેવી માગ
પત્રમાં વધુમાં જણાવ્યું છે. આ પ્રકારના ભરતી કૌભાંડોના કારણે સમાજના નબળા અને મધ્યમ વર્ગને ખૂબ નુકસાન થાય છે. તમને અને તમારા સમાજને વિનંતી છે કે ,રાષ્ટ્રહિતમાં, યુવા હિતમાં આગળ આવી સરકાર સમક્ષ રજૂઆત કરી ઊર્જા ભરતીમાં થયેલી ગેરરિતીની તપાસ CBI દ્વારા થાય તેવી માગણી કરવા તમને વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે...