તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર્સ ડે સ્પેશિયલ:કોરોના સામે બાથ ભીડનાર આ છે રાજકોટની સુપર મોમ, કોઈ નારીમાંથી નારાયણી બની તો કોઈએ મોભી બની ઘર સંભાળ્યું

રાજકોટ4 મહિનો પહેલા
  • 14 સભ્યના પરિવારમાંથી બે પુત્ર અને બે મોભીની અર્થી ઉઠતા અન્ય સભ્યો આર્થિક અને માનસિક રીતે પડી ભાંગ્યા
  • વહુઓએ આવી પડેલી આપત્તિ સામે અડીખમ ઉભા રહી ઘરની જવાબદારી સંભાળી સંતાનોનો ઉછેર કરવા લાગી

ચલતી ફિરતી આંખો સે અઝાન દેખી હૈ,મૈંને જન્નત તો નહીં દેખી હૈ મા દેખી હૈ. મુનવ્વર રાણા લખેલી આ પંક્તિ માતાનું મહત્વ સમજવા માટે પૂરતી તો નથી પરંતુ તેની સુંદરતા વ્યક્ત કરવામાં યોગ્ય સાબિત થાય છે. આજે મધર્સ ડે છે. ત્યારે આપણે કોરોના સામે બાથ ભીડનાર રાજકોટની સુપર મોમને મળીશું. જેમાં કોઈએ માતા-પિતા ગુમાવ્યા તો અન્યના મા-બાપને બચવાની જીદ પકડી, કોઈ નારીમાંથી નારાયણી બની. આ નારી રત્નોએ ખરા અર્થમાં તેમના કાર્યોથી મધર્સ ડે ની ઉજવણી કરી છે.

ક્યારેય ઉંબરો નહીં ઓળંગેલી વહુઓએ ઘર સાચવ્યું
કોરોનાને કારણે રાજકોટમાં ઉપલાકાંઠે રહેતા પાનસુરિયા પરિવારમાં હવે ખુશી માત્ર એક સંભારણું બની રહી છે અને ચહેરા પરનું સ્મિત એક લગ્નપ્રસંગમાં પાડેલા ફેમિલી ફોટો પૂરતું જ સીમિત રહી ગયું છે. સપ્ટેમ્બર 2020માં આ પરિવારના એક સભ્યને કોરોના પોઝિટિવ આવ્યો અને જોતજોતામાં તો કાળમુખા કોરોનાએ એક પછી એક એમ ચાર સભ્યોનો ભોગ લઇ લીધો. જેમાં 3 પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. સંયુક્ત કુટુંબમાં રહેતા 14 સભ્યના પરિવારમાંથી 22 દિવસમાં એક મોભી, બે પુત્ર અને ઘરના એક વડીલ મહિલાની અર્થી ઉઠતા અન્ય સભ્યો આર્થિક અને માનસિક રીતે પડી ભાંગ્યા. આ પરિવારની બે પુત્રવધૂ હિંમત દાખવીને કુળદીપક બની છે.

કોરોના પહેલા ઘરનું સંચાલન 70 વર્ષના મોભી કરતા હતા અને હવે ઘરની મોભી તરીકે 49 વર્ષના નયનાબહેન અને 38 વર્ષના સપનાબેન જવાબદારી સંભાળી રહ્યા છે. નયનાબેન રાજેશભાઇ પાનસુરિયાએ ચાંદીકામ કરવાનું શરૂ કર્યું છે. જ્યારે સભ્યોની યાદ આવે છે ત્યારે તે આંખના ખૂણે આાવેલા આંસુ પાલવથી લૂછીને ફરી પાછા કામમાં પોતાનું મન પરોવી લે છે. હાલ બાળકોનું ભવિષ્ય, માથે પરિવારની જવાબદારી આવી પડતા દૂધની ડેરીમાં એકાઉન્ટન્ટની નોકરી શરૂ કરી છે.

સાસુ-વહુની જોડીની દાતારી
રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાની બીજી ઘાતક લહેરે અનેક પરિવારના માળા વીંખી નાખ્યા છે. ઓક્સિજન, રેમડેસિવર ઇન્જેક્શન અને દાખલ થવા માટે લોકોએ રઝળપાટ કરવી પડે છે. ત્યારે રાજકીય નેતાઓને પણ શરમાવે તેવું કાર્ય રાજકોટની સાસુ-વહુની જોડીએ કરી બતાવ્યું છે. 35 વર્ષથી સાસુ નિર્મળાબહેન અને 5 વર્ષથી વહુ ખૂશ્બુબહેન સિલાઇકામ કરી રહ્યાં છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં સાસુ-વહુએ પોતાની જીવનભરની કમાણી કોરોનામાં હેરાન-પરેશાન થતા લોકોને આપવા નક્કી કર્યું.

સાસુ-વહુ બંને કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને કલેક્ટર રેમ્યા મોહનને કોરો ચેક આપી કહ્યું કે આમાં તમારે જેટલા રૂપિયા ભરવા હોય તેટલા ભરી દ્યો. આ સાંભળી કલેક્ટર પણ સ્તબ્ધ થઇ ગયા હતા. ત્યારે જિલ્લા કલેક્ટરે સાસુ-વહુની કામગીરીને બિરદાવી અને નારી સન્માન કર્યું. આ રકમ જરૂરિયાતવાળા લોકોને કરીયાણું અને દવા માટે વાપરવા કલેક્ટરે જણાવ્યું હતું.રાજકોટની સાસુ-વહુની આ જોડીને ધન્ય છે. મધ્યમ વર્ગના સાસુ-વહુની અનોખી કમાલ કપરા કાળમાં જોવા મળી છે. ભરત ગુંથણ કામ, સિલાઈ કામના ભેગા કરેલા રૂપિયામાંથી જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન પૂરા પાડ્યા છે.

ઓક્સિજન સપ્લાયર પતિ બિમાર પડતા પત્નીએ કમાન સંભાળી
ધોરાજીમાં ઓક્સિજન સપ્લાયર્સની કામગીરી કરતો યુવાન બિમાર પડતાં કોરોના મહામારીમા દર્દીઓને ઓક્સિજન ખૂટે નહીં તે માટે પત્નીએ બિમાર પતિનો ધંધો સંભાળી લીધો હતો. હોસ્પિટલો તથા મેડિકલને ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડીને સેવાનું ઉમદા ઉદાહરણ સાથે નારી નારાયણી બની છે. ધોરાજીમાં ઓક્સિજન સપ્લાયર તરીકે કામ કરતાં અનુભાઈ ટીલાળાની તબિયત ખરાબ થઈ જતાં સારવારમાં ખસેડાયા હતા. આ સમયે ધોરાજી તથા આજુબાજુના વિસ્તારમાં સરકારી, ખાનગી હોસ્પિટલો કે ઘરે સારવાર લેતા કોરોના પોઝિટિવ દર્દીઓને ઓક્સિજન ખૂટે નહી તે માટે ઓક્સિજન સપ્લાયરનો ધંધો પત્ની પ્રિતીબેને સંભાળીને મહામારીમાં લોકોના આરોગ્ય માટે ઓક્સિજનની જરૂરીયાત પુરી પાડવા મહેનત શરૂ કરી છે.

આ અંગે પ્રિતીબહેન ટીલાળાએ જણાવ્યું હતું કે, મારાં પતિનો વ્યવસાય ઓક્સિજન સપ્લાય કરવાનો છે. મારા પતિ બિમાર પડતાં સારવારમાં હોસ્પિટલ ખસેડાયા છે. ત્યારે હાલ કોરોના મહામારીમાં બિમાર પડેલાં લોકોને ઓક્સિજનની ઘટ ન પડે અને હેરાનગતિ ન થાય તે માટે લોકોના આરોગ્ય માટે હોસ્પિટલો કે જરૂરીયાતમંદ કોરોના દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે પતિનો ધંધો સંભાળીને માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદેશ સાથે કામગીરી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...