એક્સક્લૂઝિવ:ગુજરાતમાં કોરોનાના 1લા પેશન્ટ નદીમે કહ્યું, 'આ તો જેને થાય તેને જ ખબર પડે, 3 મહિના ઘરની ચાર દિવાલમાં રહ્યો, સાજો થતાં જ પુત્રને પેટ પર બેસાડ્યો'

રાજકોટએક વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • રાજકોટના નદીમ સેવિંગિયાની DivyaBhaskar સાથે ખાસ વાતચીત
  • મારા ઘરના એકપણ સભ્યને આજ સુધી કોરોના થયો નથી: નદીમ
  • નદીમને મુખ્યમંત્રીએ પૂછ્યું હતું, "તબિયત બરાબર છે ને? ધ્યાન રાખજો"

સમગ્ર વિશ્વને હચમચાવનારી કોરોના મહામારીએ 19 માર્ચના રોજ ગુજરાતમાં એન્ટ્રી કરી હતી. આમ કોરોનાને 19 માર્ચે એક વર્ષ થઈ રહ્યું છે, ત્યારે રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા નદીમ કાસમભાઈ સેવિંગિયાનો નોંધાયો હતો. નદીમ નામના આ યુવાનને 17 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને ત્યારથી સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ સિવિલના તબીબો અને નર્સિંગ સ્ટાફની રાત-દિવસના અથાક પરિશ્રમના પરિણામે યુવાન 2 એપ્રિલના રોજ કોરોનામુક્ત બન્યો હતો. 2 એપ્રિલની સવારે તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ ત્યારે તેને ઘર સુધી પહોંચાડવા માટે ખાસ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાકાળને એક વર્ષ પૂર્ણ થવા પર DivyaBhaskarએ ગુજરાતના પહેલા કોવિડ પોઝિટિવ એવા નદીમ સેવિંગિયા સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી છે.

નદીમે કોરોનાગ્રસ્ત થવાથી લઈ અત્યારસુધીની તેની સફર કેવી રહી એ અંગેનો અનુભવો DivyaBhaskar સાથે શેર કરતાં કહ્યું હતું કે મને કોરોના આવ્યો ત્યારે ખબર પણ નહોતી કે આની શી ગંભીરતા છે. મક્કા-મદીનાથી આવ્યો અને આ રોગ લાગુ પડ્યો. 19 માર્ચના રોજ રાજકોટ એક અલગ ડરમાં જીવી રહ્યું હતું. કોરોના આવ્યો પછી મેં 3 મહિના સુધી આરામ કર્યો. મારા ઘરના એકપણ સભ્યને કોરોના થયો નથી. હાલ એકદમ સ્વસ્થ છું, મારે રસીની કોઈ જરૂર નથી. કોરોનામુક્ત થતાં જ ઘરે આવીને પહેલા મારા 3 વર્ષના પુત્રને પેટ પર બેસાડીને રમાડ્યો હતો.

ઘરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે પરિવાર જીવતો
નદીમે વધુમાં જણાવ્યું હતું કે ‘કોરોના હતો ત્યારે મને કંઈ થતું નહોતું અને 3 મહિના સાવચેત હતો. ઘરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે પરિવાર જીવતો હતો. બાળકોનું ધ્યાન રાખવું પડતું. 3 મહિના ઘરની દીવાલ વચ્ચે જ હતો. ડરી ગયા હતા, પરંતુ પાડોશીએ ઘણી જ મદદ કરી હતી. અમુક લોકો મને કોરોના આવ્યો એટલે ડરી ગયા હતા અને અમારી શેરીમાં આવવાનું ટાળતા હતા. મારે કારખાનું છે અને 12થી 13 માણસનો સ્ટાફ છે. ઘરે જઇને પહેલા નાહવાનું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું હજી પણ પાળીએ છે. બધાએ હજી સાવચેતી રાખવાની જરૂર છે. જેને થાય તેને ખબર પડે કે કોરોના શું છે. માસ્ક પહેરવું જરૂરી છે, પરંતુ એક વર્ષ થઇ ગયું હોવાથી લોકોને માસ્ક પહેરવામાં તકલીફ થાય છે.’

ટેસ્ટ કરાવવા ગયો ત્યારે કંઈ નથી એમ કહી ઘરે મોકલી દીધો
રંગીલા રાજકોટને દિન-પ્રતિદિન કોરોનાથી મુક્ત કરવા માટેના પ્રયાસોમાં જોડાયેલા કોરોના યોદ્ધાઓની મહેનત રંગ લાવી રહી છે. આશરે 18 લાખની વસતિ ધરાવતું આ શહેર કોરોના સામેનો જંગ જીતવામાં આગળ વધી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલો કોરોના પોઝિટિવ કેસ રાજકોટ શહેરમાં સામે આવ્યો હતો. મક્કા-મદીનાથી પરત ફરેલા અને જંગલેશ્વરની લેઉવા પટેલ સોસાયટી શેરી નં-2માં રહેતા નદીમ કાસમભાઈ સેવિંગિયા (ઉં.વ.33)ને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ચાર દિવસ સુધી તંત્ર તેને ટ્રેસ કરી શક્યું ન હતું. નદીમ સામેથી ટેસ્ટ કરાવવા ગયો ત્યારે તમને કંઈ જ નથી એવું કહીને ઘરે જવા દેવામાં આવ્યો હતો. બાદમાં રિપોર્ટ પોઝિટિવ નીકળતાં સંપર્કમાં આવેલા તબીબ સહિત અનેક લોકોને ક્વોરન્ટીન કર્યા હતા.

કોરોનામુક્ત બન્યા બાદ બાળકો સાથે સમય પસાર કરી રહેલો નદીમ.
કોરોનામુક્ત બન્યા બાદ બાળકો સાથે સમય પસાર કરી રહેલો નદીમ.

રજા આપી એ દિવસે લોકોએ વધાવ્યો, મમ્મીએ ભેટી વહાલ કર્યું
નદીમે આગળ જણાવ્યું હતું કે સારવાર લઇને હું ઘરે પરત ફર્યો ત્યારે મારા જંગલેશ્વર વિસ્તારમાં ઉત્સવ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ મને આવકાર આપ્યો હતો અને હોસ્પિટલ તંત્ર દ્વારા પણ ફૂલનો હાર પહેરાવી અને તાળીઓના ગડગડાટ સાથે મને વધાવ્યો હતો. મારી મમ્મી મને જોઇને ભેટી પડ્યાં હતાં અને વહાલ કર્યું હતું.

નદીમના કેસ પછી જંગલેશ્વરને કોરોનાએ બાનમાં લીધું
નદીમ પછી જંગલેશ્વરમાં કોરોનાએ ફૂંફાડો માર્યો અને એક પછી એક કેસ સામે આવવા લાગ્યા હતા. નદીમ તા.2 એપ્રિલ 2020ના રોજ તેમજ મયૂરધ્વજસિંહ 10 એપ્રિલના રોજ કોરોનામુક્ત થઈને ઘરે પરત ફર્યા હતા. કોરોનાના સંક્રમણે પોતાનો ભરડો જારી રાખ્યો હતો. નદીમના કેસ પછી કોરોનાએ જંગલેશ્વરને બાનમાં લીધું હતું. જંગલેશ્વર બાદ જાગનાથમાં કોરોના કેસની સંખ્યાએ રફ્તાર પકડી હતી. જંગલેશ્વરમાં કોરોનાવાયરસે ફૂંફાડો માર્યો ત્યારે સમગ્ર શહેરમાં ડરનો માહોલ છવાઈ ગયો.

વિજય રૂપાણીએ વાત કરી હતી, પ્લાઝમા ડોનેટ કર્યું
ગુજરાતના પ્રથમ કોરોના દર્દી નદીમ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં હતો ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ તેમની સાથે વીડિયો-કોન્ફરન્સથી વાત કરી હતી. નદીમને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તબિયત બરાબર છે ને? ધ્યાન રાખજો. હોસ્પિટલમાં સુવિધા અંગે પણ સવાલો કર્યા હતા. નદીમ કોરોનામુક્ત થતાં થોડા સમય બાદ પ્લાઝમા ડોનેટ પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...