આ જનનીની જોડ નહીં જ મળે:મળો લોધિકાના 62 વર્ષીય દિવાળીબેનને જેમણે પુત્રને બે વખત જન્મ આપ્યો, એક વાર કૂખે ને બીજી વાર કિડની આપીને!

રાજકોટ13 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • 42 વર્ષીય પુત્રની બંને કિડની ફેલ થયાનું સાંભળતાં જ જનેતાએ એક કિડની આપવાનું મન મનાવી લીધું
  • આજે બંને માતા-પુત્ર સ્વસ્થ, સાથે મળીને જ ખેતીકામ કરે છે અને જીવનના સુખ-દુખને પણ વહેંચે છે

મા તે મા બીજા બધા વગડાના વા... જનનીની જોડ સખી નહીં જડે રે લોલ... વગેરે... વગેરે... કહેવતો, ગીતો તો આપણે બહુ સાંભળ્યા છે. હવે વાત કરીએ આ કહેવતો-ગીતોને સાર્થક કરતા રિયલ લાઈફના કિસ્સાની. વાત છે રાજકોટ જિલ્લાના લોધિકાના રાવકી ગામની.... દિવાળીબેન પાનસુરિયા આમ તો 62 વર્ષના બીજા કોઈ પણ વૃદ્ધા જેવા જેઓ ખેતીકામ કરે, પરિવાર સાથે રહે. પરંતુ દિવાળીબેનની ખાસિયત એ છે કે તેમણે પોતાના પુત્ર કલ્પેશભાઈને એક નહીં પણ બે વખત જન્મ આપ્યો છે. પહેલીવાર 42 વર્ષ પહેલાં કલ્પેશને પોતાની કૂખે જન્મ આપ્યો ત્યારે અને બીજીવાર 3 વર્ષ પહેલાં તેમને પોતાની એક કિડની ડોનેટ કરીને!

પરિવાર ખચકાયો, પણ માતાએ પળનો વિચાર ન કર્યો
બન્યું એવું કે, ત્રણેક વર્ષ પહેલાં કલ્પેશભાઈ પાનસુરિયા ખેતીકામ કરતા હતા ત્યારે અચાનક પેટમાં દર્દ ઉપડ્યો. તપાસ કરાવી તો બંને કિડની ફેલ હોવાનું આવ્યું. ચાર બહેનોનાં એકનાં એક ભાઈને કિડની દેવા પરિવારમાંથી કોઈ તૈયાર ન થતાં 62 વર્ષના માતા દિવાળીબેને વિના ખચકાયે એક કિડની આપી દીધી. આમ કલ્પેશભાઈને તેમની માતા દિવાળીબેને બીજી વખત જન્મ આપ્યો. આમ, માતાના મનોબળથી ધરતીપુત્ર પરિવારની જીત થઈ છે અને પુત્રની કારમી બિમારીની હાર થઈ.

બંને કિડની ફેલ થતા પરિવાર ચિંતામાં મુકાયો
ત્રણ વર્ષ પહેલાની આ વાત અંગે ગળગળા થઈને કિડની લેનાર 42 વર્ષીય પુત્ર કલ્પેશભાઈ પાનસુરીયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમારો પરિવાર ખેતીકામ કરે છે. ત્રણેક વર્ષ પહેલાં મને શરદી-ઉધરસ અને હાથ-પગમાં સોજા ચડવા સહિતના પ્રશ્નો શરૂ થઈ ગયા હતા. આ અંગે સ્થાનિક ડોક્ટરને બતાવતા તેમણે રિપોર્ટ કરાવવાની સલાહ આપી હતી. આ રિપોર્ટ કરાવતા કિડનીનો પ્રોબ્લેમ હોવાનું સાંભળીને જ મને ધ્રાસકો પડ્યો હતો. મારા સહિત અમારો પરિવાર પણ ચિંતામાં મુકાઈ ગયો હતો.

3 દિવસ હોસ્પિટલમાં રહી ડાયાલિસિસ કરાવ્યું
બાદમાં અમે રાજકોટ બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં ફરજ પરના ડોક્ટરે ફરીથી તમામ રિપોર્ટ કરાવી બંને કિડની ફેલ હોવાનું કહ્યું હતું. સાથે જ ડાયાલિસિસ કરાવવાની સલાહ આપી હતી. જેને પગલે 3 દિવસ હોસ્પિટલમાં રહી મેં ડાયાલિસિસ કરાવ્યું હતું. જોકે અંતે ડોક્ટરો દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જણાવાયું હતું. જોકે આ માટે કોઈ કિડની આપવા તૈયાર થતું નહોતું.

દિવાળીબેને કહ્યું, કિડની શું એના માટે જીવ આપી દઇશ!
કલ્પેશભાઈ આગળ વાત કરતા જણાવે છે કે, બરાબર મારા આ કપરા સમયમાં મારા 62 વર્ષીય માતા દિવાળીબેન મારી વ્હારે આવ્યા હતા. તેમણે મને કિડની આપવાની તૈયારી દર્શાવી હતી. આ અંગે ડોક્ટરો દ્વારા તેનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. જેમાં તેમણે મારો જીવ બચાવવા પોતે જીવ આપવા માટે પણ તૈયાર હોવાનું જણાવતા ડોક્ટરો પણ ચકિત થઈ ઉઠ્યા હતા. ત્યારબાદ ડોક્ટરો દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

કલ્પેશભાઈને નવજીવન મળતા પરિવાર ખુશખુશાલ.
કલ્પેશભાઈને નવજીવન મળતા પરિવાર ખુશખુશાલ.

આજે પણ માતા-પુત્રની તબિયત એકદમ સ્વસ્થ
વધુમાં કલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, હું ચાર-ચાર બહેનોનો એકનો એક ભાઈ છું. હું અને મારો પરિવાર લોધિકા તાલુકાનાં રાવકી ગામે ખેતી કરી ગુજરાન ચલાવે છે. આજે ઓપરેશન થયાને અઢી વર્ષ થઈ ચૂક્યા છે. જોકે ઓપરેશન બાદ આજસુધી તેમની અને માતાની તબિયત બિલકુલ સ્વસ્થ છે. એટલું જ નહીં માતા-પુત્ર બંને અતિ મહેનતવાળું ગણાતું ખેતીનું કામ પણ કરે છે. કોઈપણ કામ કરવામાં બંનેને આજદિન સુધી કોઈ મુશ્કેલી પડી નથી. જોકે માતાએ આપેલા એક જન્મનું ઋણ ચૂકવવું મુશ્કેલ ગણાય છે, ત્યારે તેમને તો માતાએ બીજીવાર જીવન આપ્યું હોય આ માટે તેઓ સદાય તેમના આભારી રહેશે, તેવું પણ તેમણે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...