જાજરમાન લગ્નની રજવાડી કંકોત્રી:રાજકોટના ઉદ્યોગપતિએ પુત્રના લગ્નની બનાવી 4 કિલો 280 ગ્રામની કંકોત્રી, 7 કાર્ડમાં 3 દિવસના લગ્નના ફંક્શનની ઝાંખી

રાજકોટ2 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • 14-15 અને 16 નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે લગ્ન યોજાશે
  • રજવાડી કંકોત્રીમાં 7 પાનાંમાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમની ઝાંખી દર્શાવવામાં આવી

રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ અને સોનલબેન પટેલના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.14-15-16 નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાવાના છે. ત્યારે આ શાહી લગ્નની કંકોત્રી પણ રજવાડી સ્ટાઈલથી બનાવવામાં આવી છે. આ કંકોત્રીનું વજન 4 કિલો 280 ગ્રામ છે.

કંકોત્રી સાથે ડ્રાયફ્રૂટ પણ રાખવામાં આવ્યું
આ એક કંકોત્રી બનાવવા પાછળ મૌલેશભાઇએ 7 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેમાં 7 પાનાંમાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમની ઝાંખી દર્શાવવામાં આવી છે. કંકોત્રીની સાથોસાથ કાજુ, બદામ, કિસમિસ અને ચોકલેટ પણ રાખવામાં આવી છે. કંકોત્રી ખોલો એ પહેલાં રજવાડી પટારા પર શ્રીનાથજીનાં દર્શન થાય છે. બાદમાં એક બાદ એક લગ્નના કાર્યક્રમો સાથેનાં પાનાં રાખવામાં આવ્યાં છે. કંકોત્રીમાં કાપડ અને ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યા છે.

આ એક ડેસ્ટિનેશન વેડિંગ છે
આ લગ્ન સમારંભની ખાસ બાબત એ છે કે એ એક ડેસ્ટિનેશન વેડિંગ છે અને એનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે થયું છે. જોધપુરના ઉમેદભવન પેલેસ ખાતે યોજાનારા આ જાજરમાન લગ્ન સમારોહમાં ત્રણ દિવસના ફંક્શન દરમિયાન અનેક કાર્યક્રમો યોજાવાના છે, જેમાં તારીખ 14, 15, 16 નવેમ્બર માટે આખી હોટલ ઉમેદભવન પેલેસ અને હોટલ અજિતભવન પેલેસ આખા બુક કરવામાં આવ્યા છે.

કંકોત્રીના પહેલા પાને જય અને હિમાંશીના લગ્નનું આમંત્રણ આપતી વિગત.
કંકોત્રીના પહેલા પાને જય અને હિમાંશીના લગ્નનું આમંત્રણ આપતી વિગત.

રાજકોટથી ત્રણ ચાર્ટર ફ્લાઈટ સીધી જોધપુર જશે
રાજકોટથી ત્રણ ચાર્ટર ફ્લાઈટ સીધી જોધપુર જશે અને ત્રણેય દિવસ વિવિધ કાર્યક્રમ યોજાશે. એમાં 14મી નવેમ્બરે મહેંદી રસમ, ભગવાન દ્વારકાધીશજીની આરતી યોજાશે તેમજ રાત્રિના સમયે જાણીતા કલાકાર ઐશ્વર્યા મજમુદાર પર્ફોર્મન્સ આપવાના છે. 15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિના બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવશે. જ્યારે 16મીએ જાજરમાન લગ્ન યોજાશે. મુખ્ય લગ્ન સમારંભ અહીંના જાણીતા કિલ્લા મહેરાનગઢ ફોર્ટમાં યોજાવાનો છે.

બીજા પાને 14 નવેમ્બરના કાર્યક્રમોની વિગત.
બીજા પાને 14 નવેમ્બરના કાર્યક્રમોની વિગત.

આખી હોટલના તમામ 70 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે
તારીખ 16 નવેમ્બરના દિવસે જોધપુર ખાતે યોજાનારા આ લગ્ન માટે તારીખ 13 નવેમ્બરથી જ આખી હોટલના તમામ 70 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંની એવી જ રજવાડી ગણાતા અજિતભવન પેલેસના તમામ 67 રૂમ પણ ચાર દિવસ માટે બુક કરી દેવામાં આવ્યા છે. લક્ઝરીથી લથબથ એવા આ લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે થઈ રહ્યા છે, આથી આ લગ્ન માટે રાજકોટથી સીધી જોધપુર માટે ત્રણ ચાર્ટર ફ્લાઈટ જશે.

ત્રીજા પાને 14 નવેમ્બરના રોજ સાંજના અને રાતના કાર્યક્રમોની વિગત.
ત્રીજા પાને 14 નવેમ્બરના રોજ સાંજના અને રાતના કાર્યક્રમોની વિગત.

કુલ 300 લોકોને આમંત્રણ અપાયું છે
લગ્નમાં કન્યા-વર પક્ષના 150-150 લોકો મળીને કુલ 300 લોકોને આમંત્રણ અપાયું છે, કારણ કે રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો છે. આવા શાહી લગ્ન ઉદ્યોગપતિના પુત્રના થવાના છે. ઉમેદભવન પેલેસમાં લંચ કે ડિનર લેવું એ સ્વયં એક અનુભવ છે અને ત્યાંનું ફૂડ મોંઘુંદાટ છે. આ લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે એનો ચાર્જ 18 હજાર રૂપિયા છે.

ચોથા પાને 15 નવેમ્બરના રોજ યોજાનારા કાર્યક્રમોની વિગત.
ચોથા પાને 15 નવેમ્બરના રોજ યોજાનારા કાર્યક્રમોની વિગત.

હનિમૂન સ્યૂટનું એક રાતનું ભાડું સાડાસાત લાખ
જોધપુરના ઉમેદભવન પેલેસને ભારતની સૌથી મોંઘી હોટલ ગણવામાં આવે છે. અહીં 50 હજાર રૂપિયા પ્રતિ રાતથી નીચે રૂમ મળવો મુશ્કેલ છે. કેટલીક કેટેગરીના રૂમનું ભાડું બે-ત્રણ લાખ છે. તો અહીંના હનિમૂન સ્યૂટનું ભાડું સાડાસાત લાખ પ્રતિ નાઈટ છે. ઉમેદભવન પેલેસ રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલું વિશ્વનું એક સૌથી મોટા નિજી નિવાસોમાંનું એક છે. આ મહેલનો અમુક ભાગ તાજ હોટલ્સને સંચાલન માટે આપવામાં આવ્યો છે.

પાંચમા પાને 16 નવેમ્બરે જય અને હિમાંશીના લગ્ન યોજાશે એવી વિગત.
પાંચમા પાને 16 નવેમ્બરે જય અને હિમાંશીના લગ્ન યોજાશે એવી વિગત.
છઠ્ઠા પાને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
છઠ્ઠા પાને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.