• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Mathematics Spoiled: Every Year In Std. 10, An Average Of Two And A Half Lakh Students Fail In Mathematics, 2 Lakh Fail Despite Being Given Two Math Options!

ભાસ્કર એનાલિસિસ:ગણિત બગડ્યું : દર વર્ષે ધો.10માં એવરેજ અઢી લાખ વિદ્યાર્થી ગણિતમાં ફેલ થાય છે, બે ગણિતના વિકલ્પ અપાયા છતાં 2 લાખ નાપાસ!

રાજકોટ20 દિવસ પહેલાલેખક: નિહિર પટેલ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શિક્ષકોએ કહ્યું, માસ પ્રમોશન, ઓનલાઈન શિક્ષણ અને વિદ્યાર્થીઓની ગંભીરતા ઘટી હોવાને લીધે ગણિતનું પરિણામ બગડ્યું છે
  • 2021માં બોર્ડે સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત વિકલ્પ તરીકે આપ્યા છતાં નાપાસ થનારની સંખ્યામાં માત્ર નજીવો ઘટાડો થયો

નિહિર પટેલ રાજ્યમાં ધોરણ 10માં દર વર્ષે સૌથી વધુ ગણિત વિષયમાં વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે ત્યારે નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વર્ષ 2021-22ના વર્ષથી ગણિતમાં વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપ્યા.

એક બેઝિક ગણિત (સરળ ગણિત) અને બીજું સ્ટાન્ડર્ડ ગણિત (અઘરું ગણિત). બોર્ડે સરળ અને અઘરું ગણિતના વિકલ્પ આપતા જ ધોરણ 10ના મોટાભાગના વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત જ રાખ્યું પરંતુ છતાં તાજેતરમાં જ જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં 30% એટલે કે 2,01,548 વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં પણ ફેલ થયા.

એસએસસીમાં સામાન્ય રીતે દર વર્ષે એવરેજ અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓ ફેલ થાય છે ત્યારે 2021માં શિક્ષણબોર્ડે ફોર્મ્યુલા બદલી હોવા છતાં આ સંખ્યામાં માત્ર નજીવો ઘટાડો થયો અને 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં ફેલ થયા.

1,10,797 વિદ્યાર્થીએ અઘરું ગણિત પસંદ કર્યું જે કુલ વિદ્યાર્થીના 14% છે 13,259 વિદ્યાર્થીને સ્ટાન્ડર્ડ ગણિતમાં 40થી ઓછા માર્ક આવ્યા 2,80,000 વિદ્યાર્થીને બેઝિક ગણિતમાં 40થી ઓછા માર્ક મળ્યા છે 6,70,355 વિદ્યાર્થીએ બેઝિક (સરળ) ગણિત પસંદ કર્યું હતું 36213 વિદ્યાર્થી છેલ્લા 5 વર્ષમાં ગણિતની પરીક્ષામાં ગેરહાજર રહ્યા છે.

એક્સપર્ટે જણાવ્યા ગણિતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફેલ થવાનાં કારણો

  • ​​​​​​ ધો. 9માં માસ પ્રમોશન મળ્યું તેથી પાયો કાચો રહ્યો હોય.
  • ગણિત ઓનલાઈન શિક્ષણથી ભણવું અઘરું છે તે પણ મહત્ત્વનું કારણ છે.
  • માસ પ્રમોશન બાદ ઘણા વિદ્યાર્થી બેફિકર થઇ ગયા હતા, પ્રેક્ટિસ છોડી દીધી હતી
  • બેઝિક ગણિત પસંદ કર્યા બાદ વિદ્યાર્થી તે વિષયને એકદમ સરળ માનતા
  • બેઝિક ગણિત સરળ છે પરંતુ વિદ્યાર્થીઓએ તેમાં પણ ગંભીરતા ન દાખવી
  • 2021-22માં માત્ર 51 દિવસ શાળાઓ ઓફલાઈન ચાલુ રહી
  • વિદ્યાર્થીમાં ગણિત પ્રત્યેનો માનસિક અભિગમ હજુ ડરામણો
  • બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનું પુસ્તક એક જ છે, અમુક ચેપ્ટર દૂર કરવામાં આવે તો પરિણામ સુધારી શકાય
  • 100% ઓફલાઇન શિક્ષણ આપી ન શકાયું, પરંતુ અભ્યાસક્રમ 100% પૂછ્યો.
ધો.10નું છેલ્લા 5 વર્ષનું ગણિતનું પરિણામ
વર્ષબોર્ડનું પરિણામગણિતનું પરિણામનાપાસ વિદ્યાર્થીઓ
201768.24%69.26%2,38,135
201868%68.26%2,50,573
201966.97%69.65%2,49,509
202060.64%60.76%3,10,833
2021માસ પ્રમોશનમાસ પ્રમોશનમાસ પ્રમોશન
202265.18%69.53%(બેઝિક)2,10,548

400 વિદ્યાર્થીએ પરીક્ષાના 5 દી’ પહેલા વિષય બદલ્યો!
વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી ત્યારે જાણ થઇ કે પોતાને બેઝિક ગણિત રાખવું હતું પરંતુ ફોર્મ ભરવામાં ભૂલ થઇ હોવાને લીધે સ્ટાન્ડર્ડ ગણિત પસંદ થઇ ગયું છે. જેથી પરીક્ષાના 5 દિવસ પહેલા રાજકોટના 92 સહિત રાજ્યના 400 વિદ્યાર્થીએ વિષય બદલ્યો હતો.

ગણિતમાં 5 વર્ષમાં 5.68 લાખને 20થી પણ ઓછા માર્ક!
ગણિત વિષયમાં છેલ્લા 5 વર્ષમાં 5,68,650 વિદ્યાર્થીને માત્ર 20 કે તેથી પણ ઓછા માર્ક મળ્યા છે. જેમાં 2017માં 70924 વિદ્યાર્થી, 2018માં 78297 વિદ્યાર્થી, 2019માં 1,10,010 વિદ્યાર્થી, 2020માં 2,16,942 વિદ્યાર્થી અને 2022માં 92,477 વિદ્યાર્થી એવા છે જેમને ગણિતમાં માત્ર 20 કે તેથી પણ ઓછા માર્ક મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...