કોરોના મહામારી દરમિયાન ધો.1થી 12ના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી પાસ કરી દેવાયા પરંતુ હાયર એજ્યુકેશનમાં પણ નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. હજારો દર્દીઓની પ્રાથમિક સારવાર કરતા નર્સિંગ સ્ટાફની કામગીરી પણ જોખમી હોય છે, નાની ભૂલ દર્દીના જીવનું જોખમ બની શકે છે એવામાં કોરોના મહામારી દરમિયાન સતત બે વર્ષ સુધી ગુજરાતભરના નર્સિંગના જુદા જુદા કોર્સના 38 હજારથી વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું.
માસ પ્રમોશનના લીધે વિદ્યાર્થીઓને પ્રેક્ટિલ તાલીમ ન મળી
નર્સિંગના કોર્સ જેવા કે ANM (Auxiliary nurse Midwifery), GNM (General Nursing Midwifery), બીએસસી નર્સિંગ, પોસ્ટ બેઝિક નર્સિંગના બે વર્ષના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું જેના લીધે અભ્યાસ બાદ જે કામગીરી નર્સિંગ સ્ટાફે કરવાની હોય છે તેની જ પ્રેક્ટિલ તાલીમ વિદ્યાર્થીઓને ન મળી. નર્સિંગના વિદ્યાર્થીઓને દર્દીને જે-જે સારવાર આપવાની હોય છે તે પ્રથમ અને બીજા વર્ષમાં જ અપાય છે.
ટ્રેનિંગ પર કોરોનાની અસર જોવા મળી
કોરોનાને લીધે કોઇપણ પ્રકારની ટ્રેનિંગ ન મળી, હવે જ્યારે આ વિદ્યાર્થીઓ કોર્સ પૂરો કરીને બહાર નીકળ્યા છે ત્યારે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફે કરવાની કામગીરી જેવી કે દર્દીને ઇન્જેક્શન આપવા, ડ્રેસિંગ કરવું, ટાંકા લેવા, પ્રાથમિક અને ઈમર્જન્સી સહિતની સારવાર જ આવડતી નથી! હોસ્પિટલના તબીબોએ પણ સ્વીકાર્યું કે માસ પ્રમોશનવાળા વિદ્યાર્થીઓને સીધા જ જોબ ઉપર નહીં રખાય. 3-4 મહિના હોસ્પિટલના સિનિયર નર્સિંગ સ્ટાફ પાસે ટ્રેનિંગ લેવી પડશે, પછી યોગ્ય જણાશે તો જ રાખીશું.
નર્સિંગમાં ક્યાં કોર્સ થાય છે અને ક્યાં કોર્સના વિદ્યાર્થીને માસ પ્રમોશન અપાયું
01 ANM (Auxiliary nurse Midwifery)
નર્સિંગનો આ કોર્સ બે વર્ષનો હોય છે જેમાં 2019-20 અને 2020-21 બંને વર્ષના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું હતું. નર્સિંગમાં આવતી બેઝિક બાબતો વિદ્યાર્થીઓને આ બે વર્ષમાં જ ટ્રેનિંગ અપાય છે પરંતુ તે નહીં મળી હોવાથી આ કોર્સ પૂરો થઇ ગયો છતાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું પ્રેક્ટિકલનું જ્ઞાન નથી.
02 GNM (General Nursing Midwifery)
આ કોર્સ ત્રણ વર્ષનો હોય છે જેમાં પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું હાલ જે વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને પ્રથમ બે વર્ષમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળી નથી તેથી તેઓ પણ નર્સિંગની મુખ્ય કામગીરીથી વાકેફ નથી.
03 બીએસસી નર્સિંગ
બીએસસી નર્સિંગ ચાર વર્ષનો કોર્સ છે જેમાં અત્યારે જે વિદ્યાર્થીઓ ચોથા વર્ષમાં છે તેમની બીજા અને ત્રીજા વર્ષની પ્રેક્ટિકલની ટ્રેનિંગ મળી નથી, જે વિદ્યાર્થીઓ હાલ ત્રીજા વર્ષમાં છે તેની પ્રથમ અને બીજા વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનિંગ થઇ નથી. આ તમામ વિદ્યાર્થીઓને બે વર્ષ માસ પ્રમોશન અપાયું.
04 પોસ્ટ બેઝિક નર્સિંગ
આ બે વર્ષનો કોર્સ છે જેમાં બીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી જ્યારે પ્રથમ વર્ષ માસ પ્રમોશન અપાયું હતું. પ્રથમ વર્ષમાં જ મોટાભાગે નર્સિંગનું બેઝિક જ્ઞાન અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે. પ્રેક્ટિકલ તાલીમ વિના વિદ્યાર્થીને દર્દીને આપવાની સારવારનું કોઈ જ્ઞાન હોતું નથી.
અનુભવ વિના હોસ્પિટલમાં જવું મુશ્કેલ થઈ ગયું છે
મહામારીના બે વર્ષમાં બંને વર્ષ અમને માસ પ્રમોશન આપી દીધું. જેથી અમારા અભ્યાસક્રમનું જેટલું જ્ઞાન અમને હોવું જોઈએ તે મળી શક્યું નથી જે અમારા માટે ખૂબ જ નુકસાનકારક નીવડી રહ્યું છે. કોરોના દરમિયાન હોસ્પિટલમાં પ્રેક્ટિકલ જ્ઞાન મળવું જોઈએ એ પણ મળ્યું નથી જેના કારણે અત્યારે અમને કોઈપણ અનુભવ વિના હોસ્પિટલમાં જવું ખૂબ અઘરું થઈ ગયું છે.> તેજલ પરમાર, વિદ્યાર્થિની, GNM થર્ડ યર
વિદ્યાર્થીઓને આટલું નથી આવડતું
ઇન્જેક્શન આપવા, દર્દીને ડ્રેસિંગ કરી આપવા, ટાંકા લેવા, પ્રાથમિક સારવાર આપવી, ઈમર્જન્સી સારવાર આપવી, નર્સિંગ કેર, બેડ સેટ કરવા, બ્લડ સેમ્પલ લેવા, દર્દીને દવા આપવી, ઓપરેશન થિયેટરની કામગીરી, પ્રસૂતિ કરાવવી, સારવાર, ડાયાલિસીસ કરવું, વેન્ટિલેટર ઓપરેટ કરવું, દર્દીનું ઈસીજી કરી આપવું
સ્થિતિ વિકટ છે પરંતુ હવે ડોક્ટર્સ અને સિનિયર નર્સે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવી જોઈએ
કોરોના મહામારી દરમિયાન નર્સિંગના જે વિદ્યાર્થીઓને તાલીમ નથી મળી જેના કારણે હાલ તેઓને મુશ્કેલી પડી રહી છે. આ સ્થિતિ વિકટ છે, પરંતુ તેનો ઉકેલ એવો કરી શકાય કે હોસ્પિટલના ડોક્ટર્સ અને સિનિયર નર્સે આ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવી જોઈએ. કારણ કે, દરેક વ્યક્તિ તાલીમથી જ વધુમાં વધુ શીખી શકે છે. માસ પ્રમોશનનો નિર્ણય એ નર્સિંગ કાઉન્સિલનો નિર્ણય છે અને મહામારીમાં આ નિર્ણય યોગ્ય જ હોઈ શકે - ડૉ. વિજય પોપટ, વાઈસપ્રેસિડેન્ટ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (એક્સપર્ટ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.