16 વર્ષની તરૂણી પર સગા માસાનું કુકર્મ:રાજકોટમાં 50 વર્ષીય આધેડનું ભાણેજ પર દુષ્કર્મ, બોર્ડની પરીક્ષા હોવાથી પરિવારે મોડી ફરિયાદ કરી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઘરે આવી અગાઉ બે વખત છેડતી કરી બાદમાં અત્યાચાર કર્યો, મારી નાખવાની ધમકી આપી ડરાવતો’તો
  • ફેબ્રુઆરી મહિનામાં બનેલી ઘટનામાં ફરિયાદ નોંધાતા આરોપીને પકડવા પોલીસની કવાયત

શહેરમાં રહેતી 16 વર્ષની તરુણી પર તેના જ સગા માસાએ ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી. તરુણી પર ફેબ્રુઆરી માસમા શારીરિક અત્યાચાર થયો હતો, પરંતુ તરુણી ધોરણ 10માં અભ્યાસ કરતી હોવાથી બોર્ડની પરીક્ષામાં તેના માનસ પર ઘટનાના ઘેરા પડઘા પડે નહીં તે માટે પરિવારજનોએ તત્કાલીન સમયે ફરિયાદ નોંધાવી નહોતી અંતે ગુનો નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

આરોપી અવારનવાર સગીરાનાં ઘરે આવતો
શહેરના મહિલા પોલીસમથકમાં મંગળવારે સાંજે એક સગીરાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે આરોપી તરીકે તેના સગા માસા ધીરૂ (ઉ.વ.50)નું નામ આપ્યું હતું. સગીરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ધીરૂ તેના માસા થતા હોવાથી અવારનવાર તેના ઘરે આવતા હતા, એક વખત ઘરમાં એકાંત મળતા ધીરૂએ સગીરાનો હાથ પકડી છેડતી કરી હતી, સગીરાએ પ્રતિકાર કરતા માસા ધીરૂ ઉશ્કેરાયો હતો અને જો આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી દેતા સગીરાએ કોઇને વાત કરી નહોતી, ધમકીથી ગભરાયેલી સગીરાનો ધીરૂએ ગેરલાભ ઉઠાવ્યો હતો અને થોડા દિવસો બાદ ફરીથી બીભત્સ હરકતો કરી હતી.

સગીરાએ માતાને સમગ્ર ઘટના જણાવી
બે વખત છેડતી કર્યા બાદ માસા ધીરૂ બેફામ બન્યો હતો અને ગત ફેબ્રુઆરી મહિનાના અંતમાં સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે ધીરૂ તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને બળજબરી કરી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જઘન્ય કૃત્ય આચરી ધીરૂ નાસી ગયો હતો. ઘટનાથી સગીરા ભાંગી પડી હતી અને તેની માતા ઘરે આવી ત્યારે સગીરાએ માતાના ખોળામાં માથું નાખી રડીને સમગ્ર ઘટના વર્ણવી હતી.

બોર્ડની પરીક્ષાના કારણે ફરિયાદ નોંધાવી નહી
પુત્રી સાથે થયેલા અત્યાચારથી તેની માતા પણ સ્તબ્ધ થઇ ગઇ હતી. જેતે સમયે સગીરા અને તેની માતા સહિતના પરિવારજનો મહિલા પોલીસમથકે પહોંચ્યા હતા અને ધીરૂના કરતૂતોની જાણ કરી હતી, પરંતુ ફરિયાદ નોંધાવી નહોતી. સગીરા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને માર્ચ મહિનામાં તેની બોર્ડની પરીક્ષા હતી, તે સમયે ફરિયાદ નોંધાવે તો કાનૂની અને તબીબી પ્રક્રિયા સહિતના કામોમાં સગીરાને વારંવાર પોલીસમથકે જવું પડે અને તેના માનસ પર તેની વિપરીત અસર થાય તો પરીક્ષામાં પણ તેની વિપરીત અસર પડે તેવા કારણોસર ત્યારે ફરિયાદ કરી નહોતી, અંતે આજે મંગળવારે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ધીરૂ સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...