ચેતવણીરૂપ કિસ્સો:રાજકોટમાં ઢોલ વગાડતો એકતરફી પરિણીત પ્રેમી સિંગર યુવતીને લગ્ન માટે બિભત્સ મેસજ મોકલી ધમકી આપતો, ધરપકડ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અઢી વર્ષ પહેલા યુવાનના અન્ય યુવતી સાથે લગ્ન થતા યુવતીએ સંબંધ તોડી નાખ્યા હતા

રાજકોટ શહેરના રૈયાધાર પાસે રહેતી યુવતીને સગાઇ તોડી નાખવા પરિણીત એકતરફી પ્રેમીએ મોબાઈલમાં ધમકી ભર્યા મેસેજ કર્યા હતા. આથી યુવતીએ યુનિવર્સિટી પોલીસમાં એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ધમકી આપનાર એકતરફી પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઓરકેસ્ટ્રામાં સિંગર યુવતીને કાસમ નામના શખ્સ સાથે પરિચય થયો હતો
આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PSI એ.બી.વોરાએ જણાવ્યું હતું કે, રૈયાધાર વિસ્તારમાં રહેતી અને ઓરકેસ્ટ્રામાં સિંગર તરીકે કામ કરતી યુવતીને તેની સાથે ઢોલી તરીકે કામ કરતો અને જામખંભાળિયા ગામે રહેતો કાસમ ઇકબાલભાઈ ધુંઢીયા સાથે પરિચય થયો હતો. અઢી વર્ષ પહેલા કાસમના અન્ય યુવતી સાથે લગ્ન થયા હતા. આથી યુવતીએ તેની સાથે સંબંધો તોડી નાખ્યા હતા. બાદમાં કાસમ યુવતીને મોબાઈલમાં બિભત્સ મેસેજ કરતો હતો. યુવતીએ મોબાઈલ બંધ કરી દેતા તેના ઘરે પહોચી યુવતીની માતાને તેની પુત્રી સાથે લગ્ન કરવાનું કહી ઝઘડો કર્યો હતો.

કાસમે યુવતીના મંગેતરને પણ ધમકીભર્યા મેસેજ કર્યા હતા
દરમિયાન યુવતીની અમદાવાદ સગાઈ થઈ જતા કાસમને જાણ થઇ જતા તેનો મોબાઈલ નંબર મેળવી યુવતી સાથે સગાઇ તોડી નાખવા અમદાવાદ તેના મંગતેરને મેસેજ કરતો હતો. તેમજ યુવતીનો મોબાઈલ બંધ હોય તેની ભાભીને ધમકીભર્યા મેસેજ કરી ઘર પાસે આવી ઝઘડો કરતા યુનિવર્સિટી પોલીસે પહોંચી કાસમની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવી પ્રેમનું ભૂત ઉતાર્યુ હતું.

યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે (ફાઇલ તસવીર).
યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે (ફાઇલ તસવીર).

આઠ દિવસ પહેલા રાજકોટમાં આવો જ એક કિસ્સો બન્યો હતો
રાજકોટમાં ત્યક્તાએ આઠ દિવસ પહેલા પ્રેમી વિરૂદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોઁધાવી હતી. જેમાં વિગત એવી છે કે, રાજકોટ શહેરમાં એકલી રહેતી 27 વર્ષની ત્યક્તાને કોરોનાકાળમાં એક વૃદ્ધાની સેવા ચાકરી કરવાની નોકરી મળી હતી. દરમિયાન સાથે નોકરી કરતાં મૂળ સાવરકુંડલાના સંજય ઉર્ફે બિપીન નાનજીભાઇ ધમલ સાથે ઓળખાણ થયા બાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો. સંજયે પોતાની પાસે પૈસા ભેગા થશે એટલે લગ્ન કરી લેશે તેવી લાલચ આપી શરીરસંબંધ બાંધી લીધો હતો. ત્યક્તા સગર્ભા થઇ જતાં તેને તરછોડીને સંજય ભાગી જતાં યુનિવર્સિટી પોલીસે છેતરપિંડી અને બળાત્કારનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.