ક્રાઇમ:છૂટાછેડા બાદ પ્રેમી સાથે લગ્ન કર્યા, આડા સંબંધનો વિરોધ કરતા ચોથા માળેથી ફેંકી દેવાની ધમકી દીધી

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

રેલનગર-2માં છેલ્લા દસ મહિનાથી પિયરમાં રહેતી પારૂલ નામની પરિણીતાએ મોરબીના ત્રાજપર રોડ પર રોયલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં રહેતા પતિ ડેનિશ અશોકભાઇ ભીમાણી સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પારૂલબેનની ફરિયાદ મુજબ, તેના પ્રથમ લગ્ન 2002માં દીપક સાથે મધ્યપ્રદેશમાં થયા હતા. જે લગ્ન જીવનમાં સંતાનમાં એક પુત્ર છે, તે હાલ 14 વર્ષનો છે. પતિ દીપકને દારૂ પીવાની ટેવ હોય તેના ત્રાસથી કંટાળી દીપક સાથે છૂટાછેડા લઇ પોતે પુત્રને લઇ પિયર આવી ગઇ હતી.

છૂટાછેડા બાદ મોરબી રહેતા ડેનિશ સાથે આંખ મળી જતા 2014માં આંગળિયાત પુત્રને સાથે રાખી આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રાજકોટમાં જ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ ડેનિશને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાની ખબર પડી હતી. જે અંગે પતિ ડેનિશ સાથે વાત કરતા તે ઉશ્કેરાય જઇ ઝઘડો કરતા હતા. જેને કારણે એક વખત પોતાને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. એટલું જ નહિ પોતાના નાના પુત્રને પણ ધક્કો મારી પછાડી દઇ પોતાને મધરાતે ઘરમાંથી નીકળી જવા દબાણ કરતા હતા.

મામલો વણસતા પતિ ડેનિશ તેનો મોબાઇલ ઘરે જ રાખી ક્યાંક ચાલ્યા ગયા હતા. પાંચ દિવસ બાદ પરત ઘરે આવ્યા પછી પોતાને યેનકેન પ્રકારે ફોસલાવી બંને સંતાન સાથે રાજકોટ પિયરમાં મૂકીને જતા રહ્યા હતા. લાંબો સમય વીતવા છતાં પતિ લેવા નહિ આવતા અનેક વખત સંપર્ક કર્યો હતો. જેથી પોતે સંતાનોને લઇ મોરબી પહોંચી હતી. પતિએ ઘરની ચાવી નહિ આપતા પોતે સંતાનો સાથે એકલી રહી હતી. ત્યારે પતિ ડેનિશ ઘરે આવી તું અહીંયા રહીશ તો હું તમને બધાને ચોથા માળેથી ઘા કરી ફેંકી દેવાની ધમકી આપી હતી. પતિની ધમકીથી ગભરાઇ પોતે સંતાનોને લઇ રાજકોટ આવી ગઇ હતી. દસ મહિના સુધી પોતાની કે સંતાનોની પતિ ડેનિશે કોઇ દરકાર નહિ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...