શહેરના નાણાવટી ચોક પાસે, ભરતવન સોસાયટી-3માં રહેતી ભાવિનીબેન રમેશભાઇ માકડિયા નામની મહિલા વકીલે વેરાવળ રહેતા નિકુંજ ભરત ચાંડેગરા સામે પોતાને અંધારામાં રાખી લગ્ન કર્યાની તેમજ પોતાની પાસેથી કટકે કટકે નાણાં મેળવી વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલા વકીલ ભાવિનીબેનની ફરિયાદ મુજબ, અગાઉ તેના 2019માં લગ્ન થયા હતા. મનમેળ નહિ થતા 2020માં છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ માતા-પિતા સાથે રહીને વકીલાતની પ્રેક્ટિસ કરે છે. દરમિયાન લગ્નવાંછુકની સાઇટ પર ગત નવેમ્બર મહિનામાં નિકુંજ સાથે ઓનલાઇન પરિચય થયો હતો.
બાદમાં બંનેએ મોબાઇલ નંબરની આપ-લે કર્યા બાદ વાતચીત કરતા હતા. ત્યાર બાદ તા.24-11ના રોજ નિકુંજને રાજકોટ મળવા માટે બોલાવ્યો હતો. બંને મળ્યા બાદ પોતાના વ્યવસાય સહિતની વિગત જણાવ્યા બાદ નિકુંજે તે ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટર લેબર સપ્લાયનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું.
નિકુંજ વ્યવસ્થિત લાગ્યા બાદ તેને ઘરે માતા-પિતાને મળવા માટે લઇ ગઇ હતી. ત્યારે પિતાએ વેરાવળ આવીએ ત્યારે બધું નક્કી કરીશુંની વાત કરી હતી. બીજા દિવસે નિકુંજે પોતાને સોશિયલ મીડિયામાં મેસેજ કરી મળવા બોલાવી આપણે કાલે જ લગ્ન કરી લેવાની વાત કરી હતી. જેથી પોતે થોડા દિવસ રાહ જોવાની વાત કરી છૂટા પડ્યા હતા.
તા.25-11ના નિકુંજે પોતાને સબ રજિસ્ટ્રાર કચેરીએ બોલાવી હતી. ત્યાં કાર્યવાહી કરતા સાંજ પડી જતા કચેરી બંધ થઇ ગઇ હતી. ત્યારે બંનેએ વેરાવળ જ લગ્ન કરી લેવાનું નક્કી કરી ટ્રેન મારફતે વેરાવળ જવા નીકળી ગયા હતા. આ સમયે માતા-પિતાને ફોન કરી પોતે નિકુંજ સાથે લગ્ન કરવા જઇ રહી હોવાની વાત કરી હતી.
બાદમાં વેરાવળને બદલે જૂનાગઢ ઉતરી ગયા હતા. ભવનાથ તળેટીમાં મંદિરે પહોંચી ભગવાનની સાક્ષીએ પૂજારી બહેનની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન કરી બંને પરત રાજકોટ આવતા હતા ત્યારે નિકુંજે પોતાનું એકાઉન્ટ ફ્રીઝ થઇ ગયાનું અને રૂ.10 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરવાની વાત કરતા દસ હજાર ટ્રાન્સફર કર્યા હતા.
લગ્ન સમયે ખર્ચ પણ પોતે જ કર્યો હતો. દરમિયાન રાજકોટ ઘરે પહોંચતા માતા-પિતાએ આ લગ્ન માન્ય ન હોવાની વાત કરી હતી. જેથી પોતે પોતાનો સામાન લઇ નિકુંજ સાથે જતી રહી હતી. થોડા દિવસ નાગપુર ગયા હતા. બાદમાં ભાડાના ફ્લેટમાં રહેવા ગયા હતા.
ત્યાર બાદ ફરી નિકુંજે નાગપુર જવાની વાત કરી પોતે પરિણીત છે અને સંતાનમાં એક દીકરી હોવાનું અને તે નાગપુર મળવા માટે જ જતો હોવાનું કહી જતો રહ્યો હતો. આ સમયગાળામાં નિકુંજે પોતાની પાસેથી કટકે કટકે ઓનલાઇન રૂ.2.41 લાખ જેટલી રકમ મેળવી હતી. તેમાંથી અમુક રકમ તેણે પરત પણ કરી છે. યુનિવર્સિટી પોલીસે ગુનો તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.