રાજ્યભરમાં ડિસેમ્બર સુધી ચૂંટણી અને લગ્ન સિઝન એકસાથે રહેતા ખુરશી માટે ખેંચતાણ શરૂ થઈ ગઇ છે. આ વખતે ખુરશીનો ઉપયોગ સત્તા અને સંસાર ચલાવવા માટે થશે. રાજકોટમાં લગ્ન અને ચૂંટણી સભાને કારણે ડિસેમ્બર સુધી રોજની 5 હજારથી વધુ ખુરશીની જરૂરિયાત પડશે. બે વર્ષ બાદ લગ્ન-પ્રસંગ કોઈ પાબંદી વગર થઈ રહ્યાં છે.
સંખ્યા પણ વધારે છે. લગ્ન માટે હોલ, મંડપ, ખુરશી, સ્ટેજ વગેરેનું બુકિંગ જન્માષ્ટમી પછી તરત જ થઈ ગયું છે. ચૂંટણી ગત સપ્તાહમાં જાહેર થઈ. આથી ખુરશી માટે વધુ જરૂરિયાત ઊભી થઈ છે. હાલમાં મંડપ સંચાલકોને ત્યાં સ્ટોક ખૂટી પડ્યો હોવાથી બહારગામથી તેઓ વ્યવસ્થા કરી રહ્યાં છે.
આ અંગે વધુ વિગત આપતા મંડપ સંચાલકો જણાવે છે કે, લગ્નમાં તો પહેલેથી તારીખ પ્રમાણે બુકિંગ હોય છે પરંતુ ચૂંટણીમાં કોઈ એડવાન્સથી જાણ કરવામાં આવતી નથી. સભા કે કાર્યક્રમના આગલા દિવસે જાણ કરે છે. આટલી સંખ્યામાં ખુરશી જોઇએ છે. હાલ કાર્યાલયનું ઉદઘાટન થઇ ગયું છે. કાર્યાલયમાં ઓછામાં ઓછી 50થી 100 ખુરશીની જરૂરિયાત રહેતી હોય છે.
જ્યારે સભા હોય ત્યારે આ જરૂરિયાત વધી જતી હોય છે. એક અંદાજ મુજબ રાજકીય સભા હોય ત્યારે રાજકોટમાં ઓછામાં ઓછી 2 હજાર ખુરશીની જરૂરિયાત રહેતી હોય છે. એક ખુરશીનું ભાડું ઓછામાં ઓછું રૂ.10 મળતું હોય છે. ચૂંટણીને કારણે ખુરશીની જરૂરિયાત 20થી 30 ટકા વધી જતી હોય છે. હાલમાં કોઈના બુકિંગ રદ કરી શકાય નહિ.
જેટલા પ્રમાણમાં જોઈતી હોય તેટલી ખુરશી મળવી મુશ્કેલ છે. બહારગામથી ખુરશી મગાવવી પડી રહી છે. ખુરશી માટેની ઈન્કવાયરી અત્યારથી જ શરૂ થઈ ગઇ છે. મંડપ, પંખા, કૂલર, ખુરશીમાં સૌથી વધુ જરૂરિયાત અને બુકિંગ ખુરશીનું થતું હોય છે.
મોંઘવારી અહીં પણ દેખાશે પણ નડશે નહિ- ચૂંટણીનો જમણવાર 50 ટકા મોંઘો થશે
બૂથ, કાર્યાલય શરૂ થયા બાદ હવે રોજેરોજ સવાર-સાંજ ગાંઠિયા, જલેબી, સંભારો, પાંઉભાજી, તાવા, ઈડલી, સાંભાર, ભજિયાં, ચાઈનીઝ સહિતનો નાસ્તો અને જમણવાર થાળીમાં પીરસાશે. પેટ્રોલથી લઇને દરેક ચીજવસ્તુના ભાવમાં વધારો થયો છે. જેથી જમણવાર 50 ટકા મોંઘો થયો છે. ભાવવધારાને કારણે સામાન્ય લોકોના બજેટ વિખેરાયા છે.
લોકો જરૂરિયાતની ચીજવસ્તુ માટે, મોજ- શોખ માટે કાપ મૂકી કરકસર કરી રહ્યાં છે. જોકે આ મોંઘવારી તો ચૂંટણીમાં પણ દેખાશે પરંતુ નડશે નહિ. તેમ મતદારોમાં ચર્ચા ચાલી રહી છે. ગાંઠિયાની સૌથી વધુ ડિમાન્ડ મતદાનના આગલા દિવસે, મતદાન અને મતગણતરી થયા બાદ વધારે રહેતી હોય છે. તેમ ગાંઠિયાના વેપારી જણાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.