તૈયારીના શ્રીગણેશ:યાર્ડની ચૂંટણીમાં વેઈટ એન્ડ વોચ બાદ મેરેથોન બેઠકો, હવે ઉમેદવારીપત્રક ભરાવવાનું શરૂ થશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નામ હવે જાહેર થશે, ચૂંટણીના સમીકરણો બદલાવાની સંભાવના

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીથી લઇને મંત્રીઓના ચહેરાઓ બદલાઇ ગયા છે. ગાંધીનગરની ગતિવિધિ બાદ યાર્ડની ચૂંટણીમાં બેઠકથી લઇને ઉમેદવારની પસંદગી કરવામાં બન્ને જૂથે વેઈટ અને વોચની નીતિ અપનાવી હતી. છ દિવસ સુધી રાહ જોયા બાદ હવે મેરથોન બૈઠકનો દોર શરૂ થયો છે. પાંચ દિવસ પછી ઉમેદવારીપત્રક ભરાવવાનું શરૂ થશે ત્યારે કોને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવા તેની મથામણ ચાલી રહી છે. હવે ચૂંટણીને આડે થોડા જ દિવસ બાકી હોય ચૂંટણી લડવા ઈચ્છુકે તૈયારીના શ્રીગણેશ શરૂ કરી દીધા છે.

ઉમેદવારીપત્રક ભરવાને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે એકાદ- બે દિવસમાં તેના નામની જાહેરાત થાય તેવી સંભાવના છે. હાલના સંજોગોને ધ્યાને લઈ હવે યાર્ડની ચૂંટણીના સમીકરણો બદલાય તેવી સંભાવના છે. આ અંગે સહકારી જગતના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ગાંધીનગરની રાજકીય ગતિવિધિની અસર સહકારી જગતમાં આવશે કે કેમ તે તરફ સૌ કોઇની મીટ મંડાઈ છે. શરૂઆતના તબકકામાં યાર્ડની ચૂંટણીમાં સમાધાન થવાની વાત ચાલતી હતી પરંતુ અત્યારના બન્ને જૂથ હવે લડી લેવાના મૂડમાં છે.

જો કે 10 દિવસ પૂર્વે બન્ને જૂથ ભાજપ પ્રદેશ પ્રમુખને પણ મળી આવ્યા હતા અને પોતપોતાની વાત રજૂ કરી હતી. હજુ આ વાત પર મનોમંથન થાય તે પૂર્વે જ રાજયકક્ષાએ જ રાજકારણનું આખું ગણિત બદલાઇ ગયું. પરિસ્થિતિને ધ્યાને રાખી બન્ને જૂથે વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી હતી. આખરે ગુરુવારથી મેરેથોન બેઠકનો દૌર શરૂ કરી દીધો છે. હાલમાં એક જૂથ પાસે સહકારી જગત પર પક્કડ મજબૂત છે તો બીજી તરફ એક જૂથના નેતાને મંત્રીપદમાં સ્થાન મળ્યું છે. આમ, બન્ને જૂથ વચ્ચે બળાબળના પારખાં થશે તેમ સહકારી જગતમાં ચર્ચાઈ રહ્યું છે. ઉમેદવારની પસંદગીમાં જ્ઞાતિના સમીકરણો, સહકારી જગતમાં વર્ચસ્વ વગેરે પાસાઓ મહત્વના બની રહેશે.

વેપારી બેઠક માટે લેઉવા- કડવા પાટીદાર અને લોહાણા સમાજના ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવે તેવી સંભાવના વધારે છે. જો કે સહકારી જગતમાં ચર્ચાતી વિગત મુજબ પક્ષના મેન્ડેટ પર ચૂંટણી લડવા માટે ઉમેદવારો નિરસ છે.

અન્ય સમાચારો પણ છે...