રજુઆત:દર્દીને માર મારતો વીડિયો બનાવનાર બેની અટકાયત, છાતી પર બેસી મારનારને શિરપાવ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સિવિલ હોસ્પિટલ સ્ટાફ દ્વારા માર મરાતા દર્દીનું મોત થયાના આક્ષેપ સાથે મરાઠી સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું - Divya Bhaskar
રાજકોટ સિવિલ હોસ્પિટલ સ્ટાફ દ્વારા માર મરાતા દર્દીનું મોત થયાના આક્ષેપ સાથે મરાઠી સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
  • સિવિલ હોસ્પિટલના વોર્ડમાં બનેલી ઘટનાને કેમેરામાં કેદ કરનાર મહિલા કર્મચારીનું નિવેદન નોંધ્યું
  • રાજકોટનું સરકારી તંત્ર ક્રાઈમની ઘટનામાં પણ એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવે છે

રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ પ્રભાકર પાટિલ નામના દર્દીને તા.9ના માનસિક બીમાર કહી હોસ્પિટલ સ્ટાફે તેને જમીન પર પછાડી દઇ મારકૂટ કરી હતી, તેમજ કેટલાક લોકો દર્દીની છાતી પર બેસી ગયા હતા. તા.12ના દર્દીનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં હોબાળો મચી ગયો હતો અને તપાસ કમિટીના ‘નાટક’ શરૂ થયા હતા. પોલીસે વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલની મહિલા કર્મચારી સહિત ત્રણ સામે કાર્યવાહી શરૂ કરી હતી, બે શખ્સોની અટકાયત કરવામાં આવી હતી, તો મહિલા કર્મચારીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જોકે દર્દી પર અત્યાચાર કરનાર હોસ્પિટલ સ્ટાફ અને સિક્યુરિટી સામે કોઇ કાર્યવાહી નહી કરી પોલીસે આશ્ચર્ય સર્જયું હતું.

વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો
સિવિલના કોરોના વોર્ડમાં દાખલ પ્રભાકર ભાઇદાસભાઇ પાટિલ (ઉ.વ.37) નામના દર્દીનું ગત તા.12ના કોરોના વોર્ડમાં મૃત્યુ થયું હતું અને એ રાત્રે જ તેમની અંતિમવિધિ કરવામાં આવીહતી. તા.17ને ગુરૂવારે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં પ્રભાકર પાટિલને કોરોના વોર્ડમાં જમીન પર પટકાવવામાં આવ્યા હતા તેમની છાતી પર પીપીઇ કીટ પહેરેલો હોસ્પિટલનો એક કર્મચારી બેસી ગયો હતો અને સિક્યુરિટી સ્ટાફ લાકડી અને લાતથી મારકૂટ કરતા જોવા મળ્યા હતા. વીડિયો જાહેર થતાં રાજ્યભરમાં દેકારો મચી ગયો હતો. સિવિલના અધિક તબીબી અધિક્ષક ડો.હેતલ ક્યાડાના નેજા હેઠળ એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, ડો.ક્યાડાએ આ અંગે એક લેખિત અરજી પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં કરી હતી. પ્ર.નગર પોલીસે વીડિયો વાયરલ કરવાના આરોપસર રાજુ ગોસ્વામી, નિતીન ગોહેલ અને હોસ્પિટલની સફાઇકામદાર મહિલા પ્રવિણા સામે કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસે બે શખ્સની અટકાયત કરી
પોલીસે ગુરૂવારે સાંજે રાજુ ગોસ્વામી અને નિતીન ગોહેલની અટકાયત કરી હતી, બંનેએ આખીરાત પોલીસલોકઅપમાં વિતાવવી પડી હતી, જ્યારે પ્રવિણાનું નિવેદન નોંધ્યું હતું. બંને આરોપીઓએ પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, પ્રવિણા પાસેથી વિડીયો મળ્યા બાદ તેને કેટલાક લોકોને મોકલ્યો હતો, જોકે આશ્ચર્યની વાત એછેકે, પોલીસે વિડીયો વાયરલ કરવાના આરોપસર મહિલા સહિત ત્રણ સામે કાર્યવાહી કરી હતી પરંતુ દર્દી સાથે જે લોકોએ મારકૂટ કરી તેને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો તે વીડિયોમાં સ્પષ્ટ દેખાતું હોવા છતાં એ લોકો સામે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નહોતી.

દર્દીનું વર્તન વોર્ડમાં અયોગ્ય હતુંઃ તપાસનીશ ડોક્ટર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને માર માર્યાનો વીડિયો મામલે તપાસનીશ ડોક્ટર હોતલ ક્યાડાએ જણાવ્યું હતું કે, દર્દીનું વર્તન વોર્ડમાં અયોગ્ય હતું. નર્સિંગ સ્ટાફ અને સિક્યુરિટી બીજાને હાનિ ન થાય તે માટે આ રીતે કર્યુ. વીડિયો અંગે ખોટી નેગેટીવિટી ફેલાવવામાં આવી રહી છે. હોસ્પિટલ સ્ટાફ દિવસ-રાત દર્દીઓની સારવાર કરે છે.

ઘટનાના ત્રીજા દિવસે દર્દીનું મોત નીપજ્યું હતું
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 9 તારીખે સવારે પ્રભાશંકર પાટીલ નામના 38 વર્ષના દર્દીને બેરહેમીથી પકડીને માર માર્યો હોવાનો વીડિયો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં દેખાય છે કે, હોસ્પિટલનો સ્ટાફ તેમજ સિક્યુરિટી ગાર્ડ તેની છાતી પર બેસી લાફા મારે છે અને ગાર્ડ તો ખભે બૂટ સાથેનો પગ રાખી દબાવી રહ્યો છે. આ ઘટનાના ત્રણ જ દિવસ બાદ દર્દીનું મોત નીપજ્યું હતું

નાના ભાઈએ આક્ષેપ કર્યો છે કે મારા મોટા ભાઈનું મોત ઢોર મારને કારણે થયું

દર્દીના નાના ભાઈ વિશાલ પાટીલે આક્ષેપ કરી રહ્યો છે કે, તેના ભાઈને કોઇ માનસિક બીમારી ન હતી તે નોકરી કરતો હતો. 6 તારીખે ગિરિરાજ હોસ્પિટલમાં કિડનીનું ઓપરેશન કર્યુ ત્યારબાદ પોઝિટિવ આવતા સિવિલમાં લઈ ગયા હતા. 12 તારીખે મોત થયું ત્યારે મોઢા પર ઈજાના નિશાન હતા. ‘મારા ભાઈનું મોત કોરોનાથી નહીં પણ સિવિલમાં ઢોર માર મારવાથી થયું છે’ તેવું વિશાલે અંતમાં જણાવ્યું હતું.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ તપાસના આદેશ આપ્યા
સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.પંકજ બૂચ તેમજ રાજકોટના નોડલ અધિકારી રાહુલ ગુપ્તા જણાવે છે કે, દર્દીની માનસિક સ્થિતિ ખરાબ હતી. ડિલિરીયમ કે જેને સરળ ભાષામાં ‘સનેપાત’ ઉપડ્યો હોવાનું માનસિક વિભાગે અભિપ્રાય આપ્યો હતો. દર્દીએ બાટલા ચઢાવવા માટેની સોય અને નળીઓ ફેંકી હતી અને કપડાં કાઢવા લાગ્યો હતો બીજા દર્દી તેમજ સ્ટાફ પર ઉગ્ર થઈ હુમલો કરે તે પહેલા કાબૂમાં કરી પકડી રાખીને હેલોપેરિડોલ(શાંત કરવાનું ઈન્જેક્શન) અપાયું હતું. માર ન માર્યાનું જ તંત્ર કહી રહ્યું છે પણ વીડિયોમાં સ્પષ્ટ થાય છે કે લાફા માર્યા હતા. આ અંગે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ તપાસના આદેશ આપ્યા છે.