રંગીલું રાજકોટ ગોકુળ બન્યું:કાળિયા ઠાકરના જન્મના વધામણાનો લોકોમાં અનેરો થનગનાટ, ચોકે ચોકે કૃષ્ણ લીલાની ઝાંખી કરાવતા ફ્લોટ્સ, ગોકુળિયા જેવા માહોલ

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટીયન્સ કૃષ્ણ લીલાના રંગે રંગાયા.
  • મહિલા કોલેજ અંડરબ્રિજ ખાતે 20 ફૂટ ઊંચાઈ પર ઝૂલા પર બેસી ઝૂલતો કાનુડો આકર્ષણનું કેન્દ્ર બન્યો

રાજકોટ એ આમ તો રંગીલું અને ઉત્સવપ્રિય શહેર છે. તેમાં પણ સાતમ-આઠમનો તહેવાર એટલે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે પ્રિય તહેવાર માનવામાં આવે છે. આવતીકાલે સોમવારને આઠમની રાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણાં કરવા સમગ્ર શહેર આતુરતાથી રાહ જોઈ રહ્યો છે ત્યારે કૃષ્ણ જન્મ પહેલા રાજકોટના ચોકે ચોક ગોકુળ અને મથુરા બની વ્હાલાના વધામણાં આગમન માટે થનગની રહ્યાં છે. ચોકે ચોકે કૃષ્ણ લીલાના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

‘કૃષ્ણ કનૈયા લાલ કી જય’ના જયનાદ સાથે શહેર ગુંજ્યું
કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન કોવિડ ગાઇડલાઇન સાથે આવતીકાલે સમગ્ર રાજકોટ શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણાં કરવામાં આવનાર છે. તે પૂર્વે સમગ્ર રાજકોટ શહેર ગોકુળિયું ગામ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર રાજકોટમાં ઠેર ઠેર ભગવાન શ્રીકૃષ્ણના અલગ અલગ સ્વરૂપ સાથે જુદા જુદા ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે અને સમગ્ર ગોકુળિયા શહેરમાં ‘કૃષ્ણ કનૈયા લાલ કી જય’ના જયનાદ ગુંજી રહ્યાં છે.

સમગ્ર શહેર કૃષ્ણ જન્મને વધાવવા આતુર.
સમગ્ર શહેર કૃષ્ણ જન્મને વધાવવા આતુર.

સમગ્ર શહેરમાં શ્રીકૃષ્ણના અલગ અલગ સ્વરૂપના દર્શન
મહામારીના સમયમાં આવતીકાલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી અને પૂરા ઉત્સાહ અને જોશથી ઉજવવા માટે લોકો આતુર બન્યા છે. સમગ્ર રાજકોટ શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રીકૃષ્ણના અલગ અલગ સ્વરૂપના દર્શન કરાવતા ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ભગવાનનું બાળસ્વરૂપ અને મહિલા કોલેજ અંડરબ્રિજ ખાતે 20 ફૂટ ઊંચાઈ પર ઝૂલા પર બેસી ઝૂલતો કાનુડો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ઠેર ઠેર આકર્ષક ફ્લોટ્સ.
ઠેર ઠેર આકર્ષક ફ્લોટ્સ.

લોકો ભગવાન કૃષ્ણના દર્શન કરવા ઉમટ્યા
આમ તો હાલ કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવવાની શક્યતા સેવવામાં આવી રહી છે. ત્યારે અલગ અલગ જગ્યા પર તૈયાર કરવામાં આવેલા આ ફ્લોટ્સમાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી રહ્યાં છે અને કોરોના નામના કાળાનાગને ભગવાન કૃષ્ણ નાથીને આ મહામારીથી લોકોની રક્ષા કરે તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

લોકો ભગવાનના દર્શન કરવા ઉમટ્યા.
લોકો ભગવાનના દર્શન કરવા ઉમટ્યા.

200 લોકો સાથે કાલે શોભાયાત્રા નીકળશે
છેલ્લા 35થી વધુ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના દિવસે રાજકોટના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળે છે. ગત વર્ષે કોરોનાના કારણે શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી નહોતી. પરંતુ આ વર્ષે પોલીસ પાસે મંજૂરી માગતા રાજકોટ પોલીસ કમિશનરે જન્માષ્ટમીની શોભાયાત્રાને લઇને જાહેરનામું બહાર પાડી મંજૂરી આપી છે. જેમાં 200 લોકો સાથે શોભાયાત્રા નીકળશે અને મુખ્ય રથની સાથે માત્ર 4 વાહનને જ મંજૂરી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સની તકેદારી સાથે શોભાયાત્રા નીકળશે. શહેરના વિવિધ વિસ્તારોમાં કૃષ્ણ જન્મની ઉજવણીમાં મટકી ફોડ કાર્યક્રમ થઇ શકશે નહિ.

ધજા-પતાકાથી શહેરે શણગાર સજ્યો.
ધજા-પતાકાથી શહેરે શણગાર સજ્યો.

1237 પોલીસ જવાનો ખડેપગે રહેશે
શોભાયાત્રાને લઇને ડીસીપી 2, એસીપી 8, PI 15, PSI 42, મહિલા PSI 8, પોલીસ જવાનો 441, મહિલા પોલીસ 122, એસ.આર.પી. કંપની 1 કંપની 2 પ્લાટુન(77 જવાનો), બી.ડી.ડી.એસ.ની ટીમ-2(14), હોમગાર્ડ-162 અને ટીઆરબી 331 સાથે કુલ 1237 પોલીસ ફોર્સથી પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. સરકારની ગાઇડલાઇન મુજબ શોભાયાત્રામાં 200થી વધુ લોકો એકઠા થઇ શકશે નહીં. આથી આમ પ્રજાજનોએ શોભાયાત્રામાં જોડાવું નહીં અને બહારથી જ શોભાયાત્રાના દર્શન કરવાના રહેશે.

ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા.
ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા.

શોભાયાત્રાનો રૂટ
આ શોભાયાત્રા સવારે 8.30 વાગ્યે કિશાનપરા ચોક, જુની કેન્સર હોસ્પિટલની દિવાલ પાસેથી શરૂ થશે. અને જિલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, હરીહર ચોક, લીમડા ચોક, એસ.બી.એસ. ટી પોઇન્ટ, ત્રીકોણ બાગ, માલવીયા ચોક, લોધાવાડ ચોક, ભુતખાના ચોક, કેનાલ રોડ, બોમ્બે આર્યન ચોક, જિલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા જુની જેલ ચોક, ચુનારાવાડ ચોક, ડીલક્સ ચોક, કે.ડી. ચોક, બાલકદાસજી હનુમાન ચોકથી પારૂલ ગાર્ડન ખાતે 12 વાગ્યે પૂર્ણ થશે.

કૃષ્ણ લીલાની ઝાંખી કરાવતા ફ્લોટ્સ.
કૃષ્ણ લીલાની ઝાંખી કરાવતા ફ્લોટ્સ.
અન્ય સમાચારો પણ છે...