અનલોક-1:રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બજારો ખૂલ્યા, સિટી-BRTS બસ સેવા શરૂ, દુકાનો ખુલતા લોકોનું જીવન ધબકતું થયું

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોની અવર-જવરથી રસ્તાઓ ધબકતા થયા - Divya Bhaskar
લોકોની અવર-જવરથી રસ્તાઓ ધબકતા થયા
  • રાજકોટમાં ગાંઠિયા-ફાફડા-જલેબીની લારી-દુકાનો ખુલતાં લોકો બજારમાં ઊમટી પડ્યાં
  • રાજકોટ સિટી બસમાં 60 ટકા મુસાફરોને જ બેસાડવામાં આવી રહ્યા છે
  • અનલોક-1નો અમલ શરૂ થતાં લોકો ટુ વ્હીલર પર ડબલ સવારીમાં નીકળ્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર આજથી અનલોક-1 નિયમો સાથે ધબકતું થયું છે. રાજકોટમાં આજથી સિટી બસ સેવા શરૂ થઈ છે. સૌરાષ્ટ્રભરમાં બજારો અને દુકાનો ખુલી જતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે મોલ, હોટેલ-રેસ્ટોરન્ટ, ભોજનાલય અને ધાર્મિકસ્થળો 8મેથી ખુલી શકશે. દુકાનો ખુલતા જ લોકોનું જીવન ફરી ધબકતું થયું હોય તેવા દ્રશ્યો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે. રાજકોટમાં વહેલી સવારથી જ ગાંઠિયા, જલેબી, ફાફડાની લારીઓ અને દુકાનો ખુલતા લોકો ખરીદવા પહોંચી ગયા હતા. 

બસમાંથી મુસાફરને ઉતાર્યા બાદ સીટને સેનિટાઈઝ કરાઇ છે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટવાસીઓ નોકરી કે ધંધા પર જવા માટે આજથી સિટી બસ સેવાનો લાભ લઇ શકે છે. જો કે માસ્ક પહેર્યા વગર સિટી બસમાં બેસી શકાશે નહીં. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત છે. આ સિટી બસ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરશે. સિટી બસમાંથી મુસાફરને ઉતાર્યા બાદ સીટને સેનિટાઈઝ કરવામાં આવી રહી છે. સિટી બસ પ્રતિબંધિત વિસ્તોરમાં અવર-જવર કરી શકશે નહીં. સિટી બસ 60 ટકા સીટિંગ કેપેસિટી સાથે દોડી રહી છે. આ સાથે જ બસમાં ઉભા નહીં રહેવાની શરત સાથે આ સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટનાં 150 ફિટ રિંગ રોડના BRTS રૂટ પર પણ બસો દોડી રહી છે. સિટી બસના 90 રૂટમાંથી 46 રૂટ પર બસ શરૂ કરવામાં આવી છે.

ખાણી-પીણીની દુકાનો પર હજી લોકો આવતા નથી

લોકોના મનમાં એક પ્રકારનો કોરોનાને લઇને ભય બેસી ગયો છે. આથી આજે સવારે ખાણી-પીણીની દુકાનો ખુલી હતી. પરંતુ લોકોની સંખ્યા નહીંવત પ્રમાણમાં જોવા મળી હતી. લોકો હજી પણ બહારની વસ્તુઓ ખાવામાં ડરી રહ્યા છે. સવારે ભીડ જોવા મળ્યા બાદ ધીમે ધીમે દુકાનો અને લારીઓ પર લોકોની સંખ્યા ઘટવા લાગી હતી. 

ગોંડલમાં અનલોક-1નો અમલ શરૂ

ગોંડલમાં આજથી અનલોક-1નો અમલ શરૂ થતાં લોકો ટુ વ્હીલર પર ડબલ સવારીમાં નીકળતા જોવા મળ્યા હતા. સરકારે છૂટછાટ આપતા વહેલી સવારથી જ લોકો પોતાના કામ-ધંધે જતા જોવા મળ્યા હતા અને મહિનાઓ બાદ આજે બજારોમાં રોનક જોવા મળી રહી છે. મોટાભાગના લોકો ચહેરા પર માસ્ક લગાવીને પોતાના કા-ધંધા પર પહોંચ્યા હતા.

જામનગરમાં તમાકુના હોલસેલના ધંધાર્થીઓ પર GSTના દરોડા

જામનગરમાં આજે તમાકુના હોલસેલના ધંધાર્થીઓ પર GSTના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો છે. રાજકોટ GST ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.  

મોલ- હોટેલ 8મેથી ખોલી શકાશે

- મોલ, હોટેલ-રેસ્ટોરન્ટ, ભોજનાલય અને ધાર્મિક સ્થળો 8મીથી ખુલશે

- મહાપાલિકા દ્વારા નક્કી કરાયેલા વિસ્તારમાં 8મીથી ફેરિયા વેપાર કરી શકશે

- મોલ અને તેની અંદર આવતી તમામ દુકાનો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ખુલ્લી રહી શકશે.

- હોટેલ-ક્લબ SOP પ્રમાણે ખુલ્લા રહેશે.

- રેસ્ટોરન્ટ અને ભોજનાલયો ખુલશે પરંતુ તેમાં લોકોની બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેવી રાખવાની રહેશે.

- તમામ ધાર્મિક સ્થળો લોકો માટે સોશિયલ ડિસ્ટન્સિંગથી ચાલુ રહેશે અને તમામ ધાર્મિકસ્થળો ખાતે ધાર્મિક મેળાવડા-ધાર્મિક કાર્યક્રમો યોજવા અંગે SOP મુજબ પ્રતિબંધ રહેશે.

આટલા પ્રતિબંધ હજુ પણ રહેશે

- નાટ્યગૃહો, બાગ બગીચા, થિયેટર, જિમ, સ્વિમિંગ પૂલ, વોટરપાર્ક, પ્રાણી સંગ્રહાલય, પર્યટન સ્થળ, એમ્યુઝમેન્ટ પાર્ક, સિંગલ સ્ક્રીન અને મલ્ટિપલ સ્ક્રીન સિનેમા ઘરો અને મલ્ટિપ્લેક્સ બંધ રહેશે.

- દફનવિધી કે અંતિમ સંસ્કારમાં 20થી વધુ વ્યક્તિ એકઠા થઈ શકશે નહીં.

- લગ્નમાં બંને પક્ષના તેમજ વિધી કરનાર સહિત વધુમાં વધુ 50 લોકો જોડાઈ શકશે.

- રાત્રીન 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી અવર -જવર કરી શકાશે નહીં

- ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ

- કોઈ પણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ શકશે નહીં.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)