નિયમોનો ઉલાળ્યો:પડધરીમાં ‘ખેડૂત સંમેલન’ ઓછું અને ભાજપ સંમેલન વધુ, દરેક ભાજપનો ખેસ પહેરીને બેઠા, કોરોનામાં ભાજપે જ કાર્યક્રમો નહીં કરીએ તેવી જાહેરાત કરી'તી છતાં લોકોને એકઠા કર્યા

રાજકોટએક વર્ષ પહેલા
પડધરી ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત દરેક લોકોએ ભાજપનો ખેસ ધારણ કરી બેઠા હતા - Divya Bhaskar
પડધરી ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત દરેક લોકોએ ભાજપનો ખેસ ધારણ કરી બેઠા હતા
  • મોટી સંખ્યામાં જનમેદની ભેગી કરી, કોરોના સંક્રમણ ફેલાય તો જવાબદારી કોની?
  • સાવરકુંડલામાં ખેડૂત સંમેલનમાં કોંગ્રેસ શાસિત ખાંભા માર્કેટ યાર્ડના 10 ડાયરેક્ટ ભાજપમાં જોડાયા

કૃષિ બિલના વિરોધમાં દિલ્હીના સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આંદોલનનો રેલો સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા આજે ઠેર ઠેર ખેડૂત સંમેલન યોજી કૃષિ બબિલ વિશે ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટના પડધરીમાં આજે ગુરૂવારે ભાજપ દ્વારા ખેડૂત સંમેલન યોજાયું હતું. જેમાં ખેડૂત સંમેલન ઓછુ અને ભાજપ સંમેલન વધારે જોવા મળ્યું હતું. ખેડૂત સંમેલનમાં હાજર દરેક લોકોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. કોરોનામાં જ ભાજપે કોઈ કાર્યક્રમો નહીં યોજીએ તેવી જાહેરાત કરવામાં આવી હતી. છતાં ખેડૂત સંમેલનમાં લોકોને એકઠા કરી ભાજપે જ બનાવેલા નિયમનો ભંગ કર્યો છે.

ખેડૂત સંમેલનમાં ભાજપના નેતાઓનો જમાવડો
પડધરીમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં ખેડૂતો કરતા ભાજપના નેતાઓ અને કાર્યકરો વધુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખેડૂત સંમેલનમાં ખેડૂતોને બદલે નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, જામનગરના સાંસદ પુનમ માડમ, રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં છે. આ ખેડૂત સંમેલન સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાયું હતું. પરંતુ કોરોના કાળમાં આટલી મોટી સંખ્યામાં જનમેદની ભેગી કરવી કેટલું ઉચિત ગણાશે અને કોરોના સંક્રમણ ફેલાય તો જવાબદારી કોની? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે.

પડધરીમાં ખેડૂત સંમેલનમાં ભાજપના નેતાઓનો જમાવડો
પડધરીમાં ખેડૂત સંમેલનમાં ભાજપના નેતાઓનો જમાવડો

અગાઉ સી.આર. પાટીલની રેલીને કારણે કોરોના સંક્રમણ ફેલાયું હતું
ગત ઓગસ્ટ મહિનામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સૌરાષ્ટ્ર પ્રવાસ યોજ્યો હતો. જેમાં રાજકોટમાં તેમના સ્વાગત માટે રેલી યોજાઈ હતી. આ રેલીને કારણે ભાજપના જ ધારાસભ્યો અને નેતાઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. ખુદ સી.આર. પાટીલ પણ કોરોના સંક્રમિત થયા હતા. આ રેલીને કારણે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાથી નિધન થયું છે. છતાં ભાજપ દ્વારા આ રીતે ખેડૂત સંમેલનના નામે ભાજપ સંમેલન યોજી લોકોમાં કોરોના સંક્રમણ ફેલાવતું રહેશે તો શું તંત્ર કાર્યવાહી કરશે તેવો સવાલ પણ લોકોમાં ઉઠ્યો છે.

આ પણ વાંચોઃભાજપનું ઠેર ઠેર ખેડૂત સંમેલન, રાજકોટના પડધરીમાં પરષોત્તમ રૂપાલાએ સંમેલન કરી કહ્યું, બિલ સંબંધિત સાચી વાત આપવા સંમેલન યોજાયું

ખેડૂતોને કોઈ જાતની સમસ્યા નથીઃ ખેડૂત
પડધરી ખેડૂત સંમેલનમાં હાજર રહેલા એક ખેડૂતે જણાવ્યું હતું કે, અમને કોઈ જાતની સમસ્યા નથી. ખેડૂત આંદોલનની અસર ગુજરાતમાં જોવા મળતી નથી. બિલ અંગે ખેડૂતોને કોઈ સમસ્યા છે જ નહીં. આ બધું કોંગ્રેસ ઉપજાવી કાઢેલું છે. કોંગ્રેસ ખેડૂતોને ગુમરાહ કરી રહી છે. MSP બંધ કરી દેશુ તેવી વાતો કરે છે. બીજી એક અફવા એવી ફેલાવે છે કે માર્કેટિંગ યાર્ડ બંધ થઈ જશે. પરંતુ સરકારે જાહેરાત કરી છે કે, માર્કેટિંગ યાર્ડ ચાલુ રહેશે. કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો નથી એટલે આવા જુઠ્ઠાણા ફેલાવી રહી છે. આ બિલ ખેડૂતોના હિતમાં છે. ગુજરાતમાં બહુ સારૂ છે પણ અન્ય રાજ્યોમાં ખેડૂતોને જણસી વેચવામાં બહુ મુશ્કેલી પડે છે. આથી આ બિલ તેઓ માટે ફાયદાકારક છે.

ખેડૂત સંમેલનમાં મહિલાઓ પણ જોડાઈ
ખેડૂત સંમેલનમાં મહિલાઓ પણ જોડાઈ

સાવરકુંડલામાં ખેડૂત સંમેલનમાં કોંગ્રેસના 10 કાર્યકરો ભાજપમાં જોડાયા
સાવરકુંડલામાં પણ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે યોજાયું હતું. જેમાં કૃષિ મંત્રી આર.સી. ફળદુ, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ ખેડૂત સંમેલનમાં ખાંભાના માર્કેટ યાર્ડના કોંગ્રેસના 10 ડાયરેક્ટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે.