મહેનત પર પાણી ફરી વળ્યું:હેડ ક્લાર્કની પરીક્ષા આપવા અનેક ઉમેદવારોએે 200 કિ.મી. સુધી મુસાફરી કરી’તી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પેપર ફૂટી જતા બે-ચાર વર્ષથી તૈયારી કરતા વિદ્યાર્થીઓએ કહ્યું, હજારો વિદ્યાર્થીઓ સાથે અન્યાય, પરીક્ષા રદ થવી જોઈએ

કોરોના મહામારી બાદ લાંબા સમય બાદ સરકારી ભરતી પ્રક્રિયા શરૂ થઇ છે પરંતુ વિદ્યાર્થીઓ માટે ‘દુકાળમાં અધિક માસ’ જેવી સ્થિતિ થઇ છે. મહામારી બાદ માંડ પરીક્ષા લેવામાં આવી હતી એવામાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી છે. ગત રવિવારે 12 ડિસેમ્બરે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટતાં પરીક્ષા આપનારા 88 હજાર ઉમેદવારનું ભવિષ્ય અંધારામાં સપડાયું છે. સરકારી નોકરીનું સપનું જોનારા હજારો બેરોજગાર યુવાઓની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

રાજ્યમાં કેન્દ્રો ઓછા હોવાને કારણે ગામેગામથી વિદ્યાર્થીઓ જે-તે સેન્ટર પર પરીક્ષા આપવા પહોંચ્યા હતા. કોઈ વિદ્યાર્થી 60 તો કોઈ 200થી વધુ કિ.મી.નો પ્રવાસ ખેડી પરીક્ષા આપવા આવ્યા હતા, કોઈને ઊંઘ નો’તી થઇ તો કોઈ જમી શક્યા ન હતા, કોઈના વાલીઓએ પણ સાથે ધક્કો ખાવો પડ્યો હતો તો કોઈએ નોકરીમાંથી રજા લઈને પરીક્ષા આપી હતી, કોઈ 1 વર્ષ તો કોઈ 4 વર્ષથી પરીક્ષાની તૈયારી કઈ રહ્યા હતા. આવા અનેક વિદ્યાર્થીઓએ પોતાની સંઘર્ષની કહાની વર્ણવી હતી પરંતુ પેપર લીક થઇ જતા હજારો વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.

કિસ્સો 1 - રજા મળતી નો’તી છતાં પરીક્ષા માટે નોકરીમાં રજા રાખી હતી
મોરબીના પરીક્ષાર્થીએ કહ્યું કે, હેડ ક્લાર્કની પરીક્ષા માટેનું સેન્ટર રાજકોટ હોવાથી આખો દિવસની રજા લેવી પડે તેવું હતું. મોરબીથી વહેલી સવારે જ રાજકોટ જવા નીકળ્યો, આખો દિવસ રાજકોટ પરીક્ષા આપવામાં ગયો પરંતુ પેપર સારું ગયાનો આનંદ હતો એવામાં તાજેતરમાં જ અમારી પરીક્ષાનું પેપર અગાઉ ફૂટી ગયું હોવાનું જાણીને નિરાશા થઇ. નોકરીમાંથી રજા મળે એમ ન હોવા છતાં માંડ રજા લઇને પરીક્ષા આપી હતી.

કિસ્સો-2 - ચાર વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો’તો
પોરબંદરના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હેડ ક્લાર્કની પરીક્ષા આપવા માટે હું છેક પોરબંદરથી રાજકોટ 200 કિ.મી.નો પ્રવાસ ખેડીને પરીક્ષાના આગલા દિવસે જ આવી ગયો હતો. બે દિવસ રાજકોટમાં પ્રવાસ ખર્ચ, રહેવા-જમવા સહિત 3 હજારનો ખર્ચ થયો પરંતુ ખર્ચ કરતા પણ પેપર ફૂટી ગયાનો વધુ અફસોસ છે. ચાર વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો હતો.

કિસ્સો-3 - પેપર ફૂટી જતા માતા-પિતા પણ નિરાશ થયા!
માંગરોળની વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, હું રાજકોટ એકલી આવી હતી. પરીક્ષા આપવા માટે ખર્ચ તો થયો પરંતુ તે ગૌણ બાબત છે. મહત્ત્વનું એ છે કે મને અને મારા માતા-પિતાને આ પરીક્ષામાં પાસ થવાની ખૂબ આશા હતી હું છેલ્લા બે વર્ષથી પરીક્ષાની તૈયારી કરી રહી હતી પરંતુ પેપર ફૂટી જતા મારી સાથે મારા માતા-પિતા પણ નિરાશ થયા છે.

કિસ્સો-4 - પેપરના દિવસે જમી શક્યો ન હતો
રાજકોટના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, પેપર સારું ગયું હતું પરંતુ ત્યારબાદ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોવાનું બહાર આવતા ખૂબ નિરાશા થઇ કારણ કે આ પરીક્ષા માટે રાત-દિવસ, ક્યારેક ખાધા-પીધા વિના મહેનત કરી હતી એ જ પરીક્ષા કેટલાક લોકોના કારણે રદ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે અમારા જેવા અનેક મહેનતું વિદ્યાર્થીઓને અન્યાય થશે.

અન્ય સમાચારો પણ છે...