કપાસનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. હજુ આ ભાવ વધે તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. કપાસનો ભાવ વધતા રૂની ગાંસડીનો ભાવ પણ વધી રહ્યો છે. અત્યારે રૂની ગાંસડીનો ભાવ રૂ.1 લાખ ઉપર થયો છે. કપાસ- રૂના ભાવવધારાની અસરને કારણે કોટન વેર ઈન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદકો સ્ટોક કરવાનું ટાળી રહ્યા છે. કારણ કે, જો માર્કેટ તૂટી જાય તો તેને નુકસાની ભોગવવાની નોબત આવે. જ્યારે પણ માલ મળે ત્યારે કપડાંમાં નવો ભાવ લાગુ થાય છે. તેમ કાપડના વેપારી હિતેશભાઈ અનડકટ જણાવે છે.
જેતપુરમાં 8 લાખ નંગ સાડી બને છે.પણ હાલમાં કોટન- રૂ અને અન્ય જરૂરી રો-મટિરિયલ્સના ભાવવધારાને કારણે અત્યારે 4 લાખ નંગ સાડીનું ઉત્પાદન ઘટ્યું હોવાનું જેતપુર ટેક્સટાઈલ્સ એસોસિએશનના પ્રમુખ જંયતીભાઈ રામોલિયા જણાવે છે. બીજી તરફ યાર્નના ભાવ વધ્યા નથી. જેને કારણે સ્પિનર્સને કિલો દીઠ રૂ.20થી 40ની નુકસાની જાય છે. તેમ સ્પિનિંગ મિલ એસોસિએશનના ગૌતમભાઈ ધમસાણિયા જણાવે છે.
યાર્નમાં ભાવ નહિ મળવાને કારણે અત્યારે સ્પિનર્સ નુકસાની ભોગવીને કામકાજ કરી રહ્યા છે. એક અંદાજ મુજબ સૌરાષ્ટ્રની સ્પિનિંગ મિલમાં રૂ.3 કરોડનું નુકસાન જાય છે. તેમ પ્રભુદાસભાઇ તન્ના જણાવે છે. આ સિવાય ગુણવત્તા પણ નબળી જોવા મળે છે. ફાઇન્ડ અને કોર્ન કોમ્પેક્ટમાં 65થી 68 ટકાનો ઉતારો આવે છે. જ્યારે કાર્ટેડ કાઉન્ટમાં 88 ટકાનો ઉતારો આવે છે.
સૌરાષ્ટ્રના યાર્ડમાં કપાસની આવક અને તેનો ભાવ
યાર્ડ | કપાસની આવક | ભાવ |
બેડી | 1200 | 2070 થી 2787 |
ગોંડલ | 1272 | 1201 થી 2921 |
જેતપુર | 1036 | 2500 થી 2946 |
જસદણ | 600 | 2000 થી 2840 |
મોરબી | 36 | 1795 થી 2700 |
જામજોધપુર | 300 | 2100 થી 2800 |
બોટાદ | 1126 | 1830 થી 2891 |
ધ્રોલ | 13 | 2090 થી 2310 |
(નોંધ- આવક ક્વિન્ટલમાં છે અને ભાવ 20 કિલોમાં)
સૌરાષ્ટ્રના તમામ યાર્ડમાં 50 હજાર મણની આવક થઇ
સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં સૌથી વધુ થાય છે. સામાન્ય દિવસોમાં બોટાદમાં કપાસની આવક 50 હજાર મણ થતી હોય છે. તેના બદલે અત્યારે આખા સૌરાષ્ટ્રના તમામ યાર્ડની મળીને કપાસની આવક 50 હજાર મણ થઈ જાય છે. યાર્ડમાં કપાસની આવક થતાં જ વેચાઈ જાય છે.
આ કારણોસર કપાસનો ભાવ ઓલટાઇમ હાઈ
અત્યારે કપાસનો ભાવ ઐતિહાસિક સપાટીએ હોવા માટે સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળ ભાગ ભજવે છે. માલની આવક છે નહિ સામે સ્થાનિક અને ફોરેન માર્કેટમાં ડિમાન્ડ જોવા મળે છે. તેમ જીનિંગ મિલ એસોસિએશનના અરવિંદભાઈ પટેલ જણાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.