રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોક નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની જાણ થતા DCP, ACP કક્ષાના અધિકારીઓ તેમજ રાજકોટ બી ડિવિઝન પોલીસ અને SOG પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જેમાં મૃતકના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
મુસાફર મૃત હાલતમાં જોવા મળ્યો
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોક નજીક ક્રિષ્ના ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં એક પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક અંગે તપાસ હાથ ધરી હતી. બસ સુરતથી રાજકોટ તરફ આવતી હતી. એ દરમિયાન રાજકોટના ગ્રીન લેન્ડ ચોક નજીક ઉપરની સીટ પર બેસેલા મુસાફરે નીચે ઉતરતી વખતે લોહી નિહાળી બસના ડ્રાઈવર અને ક્લીનરને જાણ કરી હતી. જે બાદ F-3 માં સવાર મુસાફર મૃત હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
CCTV ફૂટેજ તપાસવા કાર્યવાહી
પોલીસ તપાસમાં બસ સુરતથી અમદાવાદ થઇ રાજકોટ તરફ આવતી હતી. સીટ નંબર F-3માં જામનગરના ભોજાબેડી ગામના વતની મૃતક પ્રવીણ વાઘેલા (ઉ.વ.34) સવાર હોવાનું સામે આવ્યું છે. જેને પગલે હવે પોલીસ દ્વારા અને બસમાં રહેલા CCTV ફૂટેજ તેમજ અન્ય જે જગ્યા પર બસ ઉભી રહી તે જગ્યા પરના CCTV ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત બસમાં સવાર મુસાફર, ડ્રાઇવર અને ક્લીનરના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે.પોલીસે FSL અને ડોગ સ્ક્વોડ બોલાવી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.
સુરતથી રવિવારે રાત્રે ઉપડેલી ખાનગી બસ સોમવારે સવારે રાજકોટની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી ત્યારે બસના ત્રીજા નંબરના સોફા પરથી યુવકની ગળું કપાયેલી હાલતમાં લોહીથી તરબોળ હાલતમાં લાશ મળી આવી હતી. યુવકની કોઇ અજાણ્યા શખ્સે હત્યા કર્યાનો પોલીસે ગુનો નોંધ્યો હતો પરંતુ પ્રેમિકાએ અન્ય યુવક સાથે લગ્ન કરી લેતા નાસીપાસ થઇ યુવકે જાતે જ ગળા પર છરી હુલાવી આપઘાત કરી લીધાની દૃઢ શંકા સેવાઇ રહી છે.
સુરતના વરાછા વિસ્તારથી ન્યૂ ક્રિષ્ના ટ્રાવેલ્સની સ્લિપર કોચ બસ રવિવારે રાત્રે 9 વાગ્યે ઉપડી હતી અને જામજોધપુરના શેઠવડાળા જવાની હતી, બસમાં 35 જેટલા મુસાફર હતા, બસ સોમવારે સવારે 8.30 વાગ્યે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક પહોંચી હતી ત્યારે બસના ક્લીનર નરેશભાઇ રાઠોડે ટકોર કરતાં સોફા નં.11-12ના મુસાફરો ઉતરવા માટે આગળ વધ્યા હતા અને 3 નંબરના સોફા પાસે પહોંચ્યા ત્યારે તે સોફામાં લોહીના ડાઘ દેખાતા તેમણે ક્લીનરને જાણ કરતાં ક્લીનરે તપાસ કરતાં મુસાફરનું ગળું કપાયેલી લાશ જોવા મળી હતી.
ઘટનાને પગલે સ્થળ પર જ ચાલક અશોકભાઇએ બસ ઊભી રાખી દીધી હતી અને પોલીસને જાણ કરાતા ડીસીપી પ્રવીણકુમાર મીણા, પીઆઇ વાળા અને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો, પોલીસે તપાસ કરતાં મૃતક જામનગરના ભોજાબેડીનો વતની પ્રવીણ રૂપાભાઇ વાઘેલા (ઉ.વ.34) હોવાનું ખુલ્યું હતું, ઘટનાની જાણ થતાં વાઘેલા પરિવાર રાજકોટ દોડી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.
બસ હોલ્ટ થઇ ત્યારે ભરૂચ પાસે યુવક ઉતર્યો’તો
પોલીસે બસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં સુરતના વરાછાથી બસ ઉપડ્યા બાદ રાત્રે સવાબાર વાગ્યાના અરસામાં ભરૂચના નબીપુર પાસે બસ હોલ્ટ થઇ હતી ત્યારે પ્રવીણ પોતાની કેબિનમાંથી નીકળીને બસની નીચે ઉતર્યો હતો અને હોલ્ટ પૂરો થતા તમામ મુસાફરોની સાથે પ્રવીણ બસમાં આવ્યો હતો અને પોતાની કેબિનમાં જતો રહ્યો હતો. પ્રવીણની કેબીનમાં અન્ય કોઇ વ્યક્તિની હિલચાલ થઇ હોય તેવો એક પણ પુરાવો પોલીસને મળ્યો ન હતો.
આપઘાત હોવાની શંકા પ્રેરતા મહત્ત્વના મુદ્દાઓ
બસની અંદર રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પ્રવીણના સોફામાં કોઇ અન્ય વ્યક્તિની અવર જવર દેખાતી નહોતી.
પ્રવાહી પીવાને કારણે પ્રવીણને ઊલટી થઇ હતી અને તે ઊલટીના ડાઘ બારી પર મળ્યા હતા.
યુવકની હત્યા કરવામાં આવી હોય તો પ્રતિકાર કરતી વખતે પ્રવીણે કાચની બારીની બહાર પણ હાથ પછાડ્યા હોય શકે પરંતુ તેની કેબિન સિવાય બહારની બાજુ લોહીનો ડાઘ જોવા મળ્યો નથી.
બસમાં 35 મુસાફર હતા, છ મુસાફર લીંબડી, ચોટીલા અને બામણબોર ઉતરી ગયા હતા તેની પૂછપરછમાં કોઇ શંકાસ્પદ વાત પોલીસને મળી નહોતી.
બાજુના કે ઉપરના સોફા વાળી વ્યક્તિને પણ પ્રવીણની કેબિનમાં કોઇ ધમાલ થઇ હોય તેવો અવાજ સાંભળવા મળ્યો નહોતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.