ફરતું પુસ્તકાલય:રાજકોટમાં મનપાનો અનોખો અભિગમ, 0281- 2228240 પર સંપર્ક કરતા 20 હજાર પુસ્તકો સાથેની મોબાઈલ લાયબ્રેરી ઘરે આવશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કોઈપણ સોસાયટીમાં માત્ર 10-15 સભ્યો બનતા જ આ લાયબ્રેરી જે-તે વિસ્તાર કે સોસાયટીમાં પહોંચી જશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાંચનપ્રેમીઓ માટે અનોખો અભિગમ અપનાવાયો છે. જેમાં બે મોબાઈલ લાયબ્રેરી યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. બંને યુનિટમાં 20 હજાર કરતા પણ વધુ પુસ્તકો રાખવામાં આવ્યા છે અને કોઈપણ સોસાયટીમાં માત્ર 10-15 સભ્યો બનતા જ આ લાયબ્રેરી જે-તે વિસ્તાર કે સોસાયટીમાં પહોંચી જશે. કોરોનાને કારણે દોઢેક વર્ષથી બંધ આ સુવિધાને ફરી શરૂ કરવામાં આવી છે. તેમજ આ સેવાનો લાભ લેવા અને આ અંગે વધુ માહિતી માટે ફોન નં. 0281- 2228240 પર સંપર્ક કરવા મનપાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

આ સેવા 1984થી શરૂ કરાઇ છે
મનપા દ્વારા જણાવાયા મુજબ, શહેરના બહેનો તથા બાળકોને પોતાના ઘરથી લાઈબ્રેરી દૂર થતી હોય, દૂરનાં વિસ્તારોમાં રહેતા આવા શહેરીજનોને પણ વાંચનનો લાભ મળી રહે તેવા હેતુથી આ સેવા 1984 થી શરૂ કરવામાં આવી હતી. જો કે છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને કારણે આ સેવા બંધ કરવામાં આવી હતી. પરંતુ કોરોના હળવો પડતા ફરી આ સેવા શરૂ કરાઇ છે. અને હજુ અવિરત આ સેવાનો લાભ શહેરના બહેનો તથા બાળકો મેળવી રહ્યા છે.

2 શહેરની 41 સોસાયટીમાં સેવા શરુ
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ બહેનો – બાળકો માટેના બે ફરતા પુસ્તકાલયથી સેવાઓ આપવામાં આવી રહી છે. જેમાં મોબાઈલ લાઈબ્રેરી યુનિટ નં. 1 શહેરના જુદા-જુદા 42 જેટલા સોસાયટી વિસ્તારમાં સેવાઓ આપી રહ્યું છે. જેમાં 23,351 પુસ્તકો તેમજ 4,242 સભ્યો છે. જયારે મોબાઈલ લાઈબ્રેરી યુનિટ 2 શહેરની 41 સોસાયટીમાં સેવાઓ આપે છે જેમાં પણ 20,384 પુસ્તકો તથા 3,448 સભ્યો છે. કોઈપણ સોસાયટી કે વિસ્તારમાં માત્ર 10-15 સભ્યો બનતા જ આ સેવાઓ આપવાનું શરૂ કરવામાં આવે છે. ત્યારે વધુમાં વધુ લોકોને આ સેવાનો લાભ લેવાની અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે.