રાજકોટ મહાનગરપાલિકાની 80 ટકા કામગીરી ઓનલાઈન થાય છે વેરા ભરવાથી માંડી હોલ બુકિંગ તેમજ બસની ટિકિટ અને ટ્રાફિક સિગ્નલ પણ ઓટોમેટિક છે. આ કારણે સેવાનો ઉપયોગ દિન પ્રતિદિન વધે છે તેવામાં પ્રથમ વખત મનપાનું સર્વર જામ થતા એક કલાક સેવાઓ ઠપ રહી હતી અને બાદમાં કામગીરી પૂર્વવત થઈ હતી.
મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓનલાઈન કામગીરી માટે મનપા પાસે 4 સર્વર છે આ ચારેય સર્વર લોડ બેલેન્સિંગ કરે છે. એટલે કે સેવા વાપરનારાઓની સંખ્યા વધે એટલે જે સર્વરમાં ઓછા યુઝર હોય ત્યાંથી કામ કરાય છે આ રીતે ચારેય સર્વર ઓટોમેટિક એકબીજા પરથી કામના ભારણની લેવડદેવડ કરે એટલા માટે જ હજારો મિલકતધારકો વેરો ઓનલાઈન ભરી શક્યા હતા પણ આ લોડ બેલેન્સિંગની સિસ્ટમ ગુરુવારે બંધ થઈ હતી.
આ કારણે તમામ યુઝરનું ભારણ એક જ સર્વર પર આવતા તે સર્વર ઠપ થયું હતું. આ ફોલ્ટની જાણ થતા કમ્પ્યૂટર વિભાગે શહેરના સિવિક સેન્ટરના કામને અલગ સર્વર પર શિફ્ટ કરી કામગીરી ચાલુ કરાવી હતી અને બાદમાં ફરીથી લોડ બેલેન્સિંગ શરૂ કરવા પ્રયત્ન કર્યા હતા અને બાદમાં મામલો થાળે પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.