રાજકોટ શહેરમાં અચાનકથી તાવ-શરદીના કેસ વધી ગયા છે. સિવિલ હોસ્પિટલ હોય કે ખાનગી બધે જ તાવ-શરદીના દર્દીઓ આવી રહ્યા છે. મનપાના ચોપડે માત્ર 14 દિવસમાં 1184 કેસ શરદીના નોંધાયા છે જ્યારે તેનાથી અનેકગણા વધુ દર્દીઓ નાના મોટા ક્લિનિકમાં દવાઓ લઈ રહ્યા છે. અચાનક વાઇરલ તાવમાં વધારો થવા મામલે દિવ્ય ભાસ્કરને સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડો. મેઘલ અનડકટે આ રોગચાળાના કારણો વિશે ઋતુ તેમજ વાઇરસ એમ બે પ્રકારના કારણ જણાવ્યા હતા.
ડો. અનડકટ જણાવે છે કે, હાલની સિઝનમાં તડકો પડતો નથી, ભેજવાળુ વાતાવરણ છે આ સ્થિતિ વાઇરસ અને બેક્ટેરિયા માટે અનુકૂળ હોય છે. ડ્રોપલેટથી ફેલાતા વાઇરસ તડકો ન હોવાથી વાતાવરણમાં વધુ આગળ વધી શકે છે આ કારણે ઋતુજન્ય રોગ વધે. આ ઋતુજન્ય સ્થિતિ કે જે દર વર્ષે હોય છે. આ વર્ષની વાત વિશેષ કરીએ તો જ્યારે પણ કોઇએક વાઇરસ વધુ સક્રિય હોય ત્યારે બીજા વાઇરસ નિષ્ક્રિય બની જાય છે. ગત વર્ષે આ સમયે કોરોનાના કેસ વધારે હતા તેથી બીજા વાઇરસ નિષ્ક્રિય હતા.
હવે કોરોના ઓછો થતા બીજા વાઇરસ જેમ કે, એડિનો વાઇરસ, ઈન્ફ્લુએન્ઝા કરતા એચએન સિરીઝના વાઇરસ તેમજ ઘણા સમયથી અલગ અલગ રીતે આવતા જૂના કોરોના વાઇરસ સક્રિય થતા રોગ વધ્યા છે જોકે તે ગંભીર હોતા નથી. 5 કે 7 દિવસમાં જ દર્દી સાજા થઈ જાય છે. વાઇરલ ફીવર વાઇરસથી ફેલાય છે તે માસ્કથી અટકી શકે છે પણ આ વર્ષે તેનું વધેલું પ્રમાણ એ દર્શાવે છે કે લોકો હવે માસ્કનો ઉપયોગ ઓછો કરી રહ્યા છે અથવા તો યોગ્ય રીતે પહેરતા નથી તેને કારણે પણ પાછલા વર્ષોની જેમ ઋતુજન્યરોગચાળો એટલે તાવ-શરદી વધારે ફેલાયો હોવાનું અંતમાં તબીબે જણાવ્યું હતું.
ડેન્ગ્યુ, મલેરિયાએ દસ્તક દીધી, સપ્ટેમ્બરમાં વધશે
રાજકોટમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ પણ આવી રહ્યા છે. આ પણ વાઇરલ રોગનો પ્રકાર છે જોકે તે ભેજને બદલે મચ્છરોથી ફેલાય છે. સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં 10 કેસ આવ્યા હતા જ્યારે મનપાના ચોપડે પણ 9 કેસ નોંધાયા હતા. ઓગસ્ટનું હજુ એક જ સપ્તાહ વિત્યું છે ત્યાં નવા 3 ડેન્ગ્યુના કેસ, મલેરિયાના 3 કેસ નોંધાયા છે. દર વર્ષે ઓગસ્ટમાં આ રીતે ધીમે ધીમે કેસ વધે છે અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં વધારો આવશે. તબીબોના જણાવ્યા અનુસાર જન્માષ્ટમી બાદ ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં ઉછાળો આવશે.
વિટામિન સી અને ભરપૂર પાણી પીવું હિતાવહ
વાઇરલ ફીવર અલગ અલગ લક્ષણો સાથે આવતા હોય છે. આ લક્ષણો મુજબ તબીબ દવા લખી આપે છે અને 5 કે 7 દિવસમાં છુટકારો મળી જાય છે. આ દરમિયાન દર્દીએ પૂરતો આરામ કરવો, વિટામિન સી મળે તેવા ખોરાક લેવા તેમજ શક્ય તેટલું વધુ પાણી પીવાથી ઋતુજન્ય રોગો સામે લડી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.