ભાસ્કર વિશેષ:સ્વચ્છતા માટે કચરાનું વ્યવસ્થાપન કરી જાગૃતિ ફેલાવતા શહેરીજનોને મનપા આપશે સન્માનપત્ર

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપાની વેબસાઈટ પર ફોર્મ ભરીને પોતાના પ્રયાસો અંગે બે ફોટો મોકલવાના રહેશે

રાજકોટ મનપાએ સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાને લઈને લોકજાગૃતિ ફેલાવવા માટે તેમજ લોકોને જોડવા માટે શહેરીજનોને સન્માનપત્ર આપવાની નવી પહેલ કરી છે. જેમાં સ્વચ્છતાની બાબતમાં મનપાને સહયોગ આપનાર તેમજ અન્ય લોકોને પ્રેરણા આપતા હોય તેઓના પ્રયાસની સરાહના કરાશે. આ માટે કોઇ વ્યક્તિ પોતાના પ્રયાસો તંત્ર સુધી પહોંચાડી શકશે અને અરજી કર્યાના બીજા જ દિવસે જે પણ લોકોએ ઓનલાઈન ફોર્મ ભર્યા હશે તે તમામમાંથી યોગ્ય અરજી પસંદ કરીને તેમને ઈ-સર્ટિફિકેટ અપાશે જેમાં તે વ્યક્તિ કે સંસ્થાનું નામ હશે અને સન્માનપત્ર લખેલું હશે. તમામ પ્રક્રિયા ઓનલાઈન જ કરાશે.

આ વિભાગમાં કામ કરનાર લોકોને અપાશે
1. ઉત્પન્ન થતા કચરામાં ઘટાડો કરવો
2. ઘરે ઉત્પન્ન થતા કચરાને ભીના અને સૂકા તરીકે અલગ કરવું
3. ઉત્પન્ન થયેલા ભીના કચરાનું પ્રોસેસિંગ કરી ખાતર બનાવવું
4. સૂકા કચરામાંથી ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવી પ્રોડક્ટ બનાવવી
5. લોકોને જાહેર સ્થળોએ કચરો ફેલાવતા અટકાવવા માટેની જનજાગૃતિ ફેલાવવી
6. અન્ય કોઈ કામગીરી કે જેના દ્વારા ટકાઉ વેસ્ટ મેનેજમેન્ટ થઈ શકે

આ રીતે કરી શકાશે ઓનલાઈન અરજી
સ્ટેપ- 1 : rmc.gov.in વેબસાઈટ પર મૂકેલ એક લિંક “Certificate of appreciation for citizens, following sustainable waste management practices” પર ક્લિક કરી,દર્શાવેલ ફોર્મ ખોલી કરીને તેમાં યોગ્ય વિગતો જેવી કે, નાગરિકનું નામ, મોબાઈલ નંબર, ઈ-મેલ આઈડી, વય જૂથ, વોર્ડ નંબર, લીધેલ પગલાંઓની વિગત તેમજ તેની સાથે મહત્તમ 2 ફોટો જોડવાના રહેશે.
સ્ટેપ- 2 : નાગરિકના ફોર્મનું OTP થકી ઑથેન્ટિકેશન કરવામાં આવશે.
સ્ટેપ – 3 : વિગતો સબમિટ થયા બાદ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચકાસણી કરવામાં આવશે, જરૂરી માહિતી અને યોગ્યતા ધરાવતા શહેરીજન માટે ઈ-સર્ટિફિકેટ બનાવાશે
સ્ટેપ-4 : વિગતો સબમિટ થયાના બીજા દિવસે અરજદાર પોતાનું ઈ-સર્ટિફિકેટ ફરીથી આ જ લિંક પરથી ડાઉનલોડ કરી શકશે. જે ભાષામાં ફોર્મ ભરાશે તે જ ભાષા સર્ટિફિકેટમાં વપરાશે.

અન્ય સમાચારો પણ છે...