રાજકોટ શહેરમાં પ્રથમ વખત મનપા સંચાલિત હોસ્પિટલ બનવા જઈ રહી છે જેમાં 3 કાયમી ડોક્ટર હશે તેમજ દર્દીઓ માટે ઈમર્જન્સી સેવા, દાખલ કરવા તેમજ સગર્ભાઓ માટે પ્રસૂતિની સુવિધા પણ અપાશે. આ માટે સરકારમાંથી મહેકમ મંજૂર થઈ ગયું છે અને બાંધકામ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં 1.42 કરોડ રૂપિયાના ટેન્ડરને પણ બહાલી મળી ગઈ છે.રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં શહેરી આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે પણ તેમાં ફક્ત ઓપીડીની સુવિધા છે. દાખલ કરવાની, ઈમર્જન્સી કેસ સંભાળવાની કે પછી પ્રસૂતિ માટે તેમજ સ્પેશિયાલિટીની કોઇ વ્યવસ્થા નથી.
જે જોઈને 24 કલાક ચાલે તેવી હોસ્પિટલની જરૂર લાગતા શહેરનું પ્રથમ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મહેકમ મંજૂર કરાયું છે અને હવે તે માટે મનપાએ બિલ્ડિંગ બનાવવાનું રહેશે જે માટે 1.42 કરોડ રૂપિયાનું ટેન્ડર પણ થઈ ગયું છે અને વર્કઓર્ડર પણ આપી દેવાશે.
આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર 551 ચોરસ મીટર જગ્યામા બે માળનું બનશે જેમાં 3 કાયમી ડોક્ટર હશે જેમાં એક બાળકોના નિષ્ણાત અને ગાયનેકોલોજિસ્ટ હશે જ્યારે એક એમબીબીએસ ડોક્ટર હશે. જ્યારે 5 સ્ટાફનર્સ, ફાર્માસિસ્ટથી માંડી ક્લાર્ક અને સફાઈ કામદાર સુધી 180નું કુલ મહેકમ ફરજ બજાવશે. હોસ્પિટલમાં ઈમર્જન્સી સારવાર અને પ્રસૂતિની વ્યવસ્થા તેમજ દર્દી દાખલ કરી શકાશે અને રેફરલ હોસ્પિટલની ગરજ સારી સિવિલ હોસ્પિટલનું ભારણ ઘટાડશે અને સાથે સાથે લોકોને વધુ સારી આરોગ્ય સેવા મળી રહેશે.
પડકાર; નિષ્ણાત તબીબોની ભરતી નથી થઈ
હોસ્પિટલમાં મહેકમ મંજૂર થઈ ગયું છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બની જશે પણ સૌથી મોટો પડકાર તબીબોની નિમણૂકનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહેકમ મંજૂર થયા બાદ ગાયનેકોલોજિસ્ટ અને પીડિયાટ્રિશિયન માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી પણ તેમાં કોઇ તબીબ નોકરી માટે ઈચ્છુક જણાયા ન હતા. આ બંને પદ પર જે કોઇપણ આવે તેને આખી હોસ્પિટલના અધિક્ષકની પણ જવાબદારી આપવાની છે તેથી ખૂબ મહત્ત્વનું પદ હોવા છતાં હાલ કોઇ તૈયાર થયું નથી. જો નિષ્ણાત તબીબોની ભરતી જ નહિ થાય તો આ કેન્દ્ર પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવું જ બની રહેશે અને પૂરો ફાયદો લોકોને મળી શકશે નહીં.
ગ્રાઉન્ડ ફ્લોર પર ઓપીડી, પહેલા માળે વોર્ડ
રાજકોટના કોઠારિયા રોડ પર 551 ચોરસ મીટર જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઓપીડી રૂમ, ડિલિવરી રૂમ, દવાબારી સહિતની વ્યવસ્થા હશે જ્યારે પ્રથમ માળે નર્સિંગ સ્ટેશન, મેલ-ફીમેલ વોર્ડ, ડોક્ટર રૂમ સહિતનું આયોજન કરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.