આ પડશે હો!:રાજકોટમાં 58 ભયજનક મકાનોને માત્ર નોટિસ આપી સંતોષ માનતી મનપા, કોઈનો જીવ ગયો તો જવાબદાર કોણ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બાંધકામ તોડવાની મનપાને પૂરી સતા છે - Divya Bhaskar
બાંધકામ તોડવાની મનપાને પૂરી સતા છે

રાજકોટ શહેરમાં 58 જેટલા મકાનો અતિ ભયગ્રસ્તની વ્યખ્યામાં મુકાયા છે. મહાપાલિકાના જ ચોપડે તેની સતાવાર નોંધ છે. પણ કમનસીબી એ છે કે, ચોમાસુ આવે એટલે મહાનગરપાલિકા પોતાની જવાબદારીમાંથી છટકી શકે એ માટે માત્રને માત્ર જે તે ભયગ્રસ્ત બાંધકામના ઉપભોકતા ભાડૂઆત અથવા તો મકાનમાલિકને નોટિસ આપવાનું નાટક ભજવી લે છે. અને એ પછી જેનુ જે થવુ હોય તે એમ માનીને ભગવાન ભરોસે મુકી દે છે.હમણાં જ આવેલા 11 ઈંચ વરસાદમાં એક મકાનની છત પડતા એક વૃદ્ધને ઇજા પહોંચી હતી.

વરસાદમાં એક મકાનની છત પડી
વરસાદમાં એક મકાનની છત પડી

રિપેરીંગ કરાવી લેવા નોટિસ ફટકારી
રાજકોટમાં દર વર્ષે વરસતા વરસાદમાં ખાસ કરીને જૂના રાજકોટમાં જે દહેશત રહે છે તેવી જ હાલત આ વર્ષે પણ છે. 58થી વધુ જર્જરિત મકાનો મોતના માચડાંની જેમ ઉભા છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવે એટલે આવા બાંધકામોનો નબળો ભાગ ગમે ત્યાંરે ધસી પડે તેવી ભીતિ છે. પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે મનપાએ ભયગ્રસ્ત બાંધકામોનો સર્વ કરીને તેની યાદી તૈયાર કરી છે અને આવા તમામ બાંધકામના વપરાશકર્તાઓને ચોમાસા પહેલા રિપેરીંગ કરાવી લેવા નોટિસ ફટકારી છે. જો કે ચોમાસુ આવે ત્યાંરે મનપાને ભયગ્રસ્ત બાંધકામો દેખાય અને પોતાની જવાબદારીમાંથી છટકવા માટે નોટિસ આપી માત્ર કાગળકીય કાર્યવાહી જ કરે છે. બાંધકામ રિપેર થાય તેવી ફરજ પાડતા કોઇ નક્કર અને કડક પગલાં લેવાતા નથી અને તેનો ભોગ નિર્દોષ રાહદારીઓને બનવુ પડે છે. ગત વર્ષે ચોમાસામાં સોનીબજાર અને લોહાણાપરામાં ત્રણ રાહદારીઓ ઉપર જર્જરિત મકાનનો રવેશ પડતા ગંભીર રીતે ઘવાયાની ઘટના મનપા માટે અત્યારથી જ લાલબતી સમાન છે.

મકાનની છત પડતા એક વૃદ્ધને ઇજા પહોંચી હતી
મકાનની છત પડતા એક વૃદ્ધને ઇજા પહોંચી હતી

2014માં સોનીબજારમાં 5 બંગાળી કારીગર કાટમાળ હેઠળ દટાયા હતા
2014માં 24 કલાકમાં જ 48 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો ત્યાંરે શહેરના સોનીબજારમાં એક જર્જરિત મકાન આખુ ધરાશાયી થઇ ગયુ અને અને તેમા બંગાળી કારીગર સહિત પાંચ વ્યક્તિ દટાઇ હતી. તેમાથી એકનું મૃત્યુ નિપજ્યુ હતું. જૂના રાજકોટમાં ખાસ કરીને સોનીબજાર વિસ્તારમાં તો એવી અનેક શેરી-ગલીઓ છે કે જ્યા ફાયર ફાયટર પણ જઇ શકે તેમ નથી. આવા વિસ્તારોમાં જ મોટાભાગના ભયગ્રસ્ત મકાનો છે.

2014માં 97 અતિ ભયગ્રસ્ત મકાનો હતા, 9 વર્ષ પછી હજુ પણ 58 મોતના માચડા છે
2014માં એક જ દિવસમાં 48 ઇંચ વરસાદ પડ્યો અને જે જનામાલને નુકસાન ગયુ હતુ ત્યાંરે સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને મહાપાલિકાએ સાથે મળીને ચોમાસામાં ધસી પડે તેવા ભયગ્રસ્ત બાંધકામોનો સર્વે કરીને ફોટા સાથે તેની યાદી તૈયાર કરી હતી. બાદમાં આ તમામ બાંધકામના વપરાશકર્તાઓને રિપેરિંગ કરાવી લેવા તાકીદ કરવામા આવી હતી. એ વખતે આવા ૯૭ જેટલા બાંધકામો હોવાની યાદી તૈયાર થઇ હતી. આજે 9 વર્ષ પછી પણ તેમા નોંધપાત્ર કોઇ ઘટાડો થયો નથી. હજુ પણ 58 જેટલા અતિભયગ્રસ્ત મકાનો છે. આ તમામ બાંધકામો વરસતા વરસાદમાં ગમે ત્યાંરે ધસી પડે તે હદે પતાના મહેલની માફક લટકી રહ્યા છે. આમછતા મનપાએ બાંધકામના વપરાશકર્તા પાસે યુધ્ધના ધોરણે રિપેરિંગ કરાવવાની ફરજ પાડતા ઠોંસ પગલાં લેવાના બદલે પોતાની જવાબદારીમાંથી છટકવા માત્ર કાગળ પરની જ કાર્યવાહી કરી છે.

આટલા વિસ્તારોમાં સૌથી વધુ ભયગ્રસ્ત બાંધકામો

 • લોહાણાપરા, રામજી મંદિર પાસે
 • ગઢની રાંગ પાસે
 • સોનીબજાર
 • દરબારગઢ
 • રામનાથપરા
 • ચુનારાવાડ
 • હાથીખાના
 • કરણપરા
 • બેડીનાકા
 • આજી નદી કાંઠે
 • કૈસરે હિન્દ પુલ પાસે
મોટાભાગના ભયગ્રસ્ત મકાનો છે
મોટાભાગના ભયગ્રસ્ત મકાનો છે

બાંધકામ તોડવાની મનપાને પૂરી સતા, તેનો ખર્ચ વેરામાં ચડાવીને વસુલી શકે છે
ભયગ્રસ્ત બાંધકામ જો તેના માલિક કે ભાડૂઆત જાતે રિપેર કરાવતા ન હોય તો મનપા પાસે બી.પી.એમ.સી એક્ટ મુજબ બાંધકામનો જર્જરિત હિસ્સો તોડી પાડવાની પુરી સતા છે. એટલુ જ નહીં બાંધકામ તોડવા થતો ખર્ચ મકાનમાલિક પાસેથી હાજરમાં અથવા તો મિલકત વેરામાં ચડાવીને વસુલ કરી શકે છે. મનપાની કાયદાની રૂએ આવી સતા મળી હોવા છતાં કોઇ ઠોંસ પગલાં લેતુ નથી. અને તંત્રની આવી ગુનાહિત બેદરકારીના પાપે વરસતા વરસાદમાં ભયગ્રસ્ત બાંધકામની આસપાસથી નીકળતા લોકોના જીવ સતત જોખમમાં રહે છે.

માલિક-ભાડૂઆત વચ્ચેના કાનૂની વિવાદમાં અન્યોના જીવ જોખમમાં
ભયગ્રસ્ત બાંધકામોના કિસ્સામાં મોટાભાગે વપરાશકર્તામાં ભાડૂઆત છે. કબજા અંગે કોર્ટમાં કેસ ચાલુ છે. ભાડૂઆત કબજો ખાલી કરતા નથી અને મકાનમાલિક એવુ ઇચ્છે છે કે, બાંધકામ પડી જાય તો કમસેકમ જમીનની માલિકી તો મળી જાય. બીજીબાજુ ભાડૂઆત એમ માને છે કે, કેસ હારી જાય તો રિપેરિંગ કરાવવાનો ખર્ચ માથે પડે. આમ મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચેના કાનૂની વિવાદમાં અન્યોના જીવ જોખમમાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...