કાર્યવાહી:મનપા સાથે ઢોર જેવું વર્તન કરનાર છને પાસા, ઢોર પકડ પાર્ટીના કર્મચારી પર મિર્ચી સ્પ્રે છાંટીને હુમલો કર્યો હતો

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાના કર્મચારી રાત્રે ઢોર પકડવા નીકળે ત્યારે તેનો પીછો કરી ડરાવતા હતા

શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોરને કારણે અકસ્માતના તેમજ અનેક માનવ જિંદગીનો આવા બનાવોમાં અગાઉ ભોગ લેવાયો છે. ત્યારે રાજમાર્ગો પર રખડતા ઢોરને પકડી ડબ્બે પૂરવા માટે મહાનગરપાલિકા તંત્રે એક ટીમ બનાવી શહેરભરમાં રાજમાર્ગો પર રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી. જે ઝુંબેશને મનપાએ વેગવંતી બનાવતા કેટલાક લોકોએ આ ઝુંબેશનો વિરોધ કરી ઢોર પકડ પાર્ટી સાથે માથાકૂટ કરી હતી. તે દરમિયાન મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી થોરાળા પોલીસ મથકના વિસ્તારમાં રખડતા ઢોર પકડવા જતા કેટલાક શખ્સોએ મનપાના કર્મચારીઓ સાથે ઝઘડો કરી તેમના પર મિર્ચી સ્પ્રે છાંટી હુમલો કરી ફરજમાં રુકાવટ કરી હતી. જે બનાવની થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાતા એક પછી એક આરોપીઓને પોલીસે ઝડપી લઇ ધરપકડ કરી હતી.

દરમિયાન હાલ ચૂંટણીનો માહોલ હોય પોલીસે મહાનગરપાલિકાના કર્મચારીઓ પર હુમલો કરનાર આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવા પોલીસ તંત્રે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી અભિષેક દિલીપ વાળા, હાર્મિશ વિનોદ ભૂવા, અરજણ ઉર્ફે અજય બાબુ ચાવડા, રાજેશ ઉર્ફે રાજુ નવઘણ સિંધવ, મશરૂ હીરા ધ્રાંગિયા, ગોપાલ જીણા બોળિયા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. પાસાની દરખાસ્ત પર પોલીસ કમિશનરે મંજૂરીની મહોર મારી હતી. તેના આધારે થોરાળા પોલીસ મથકના પીઆઇ ડો.એલ.કે.જેઠવાએ છએય આરોપીની અટકાયત કરી અભિષેક, અરજણ ઉર્ફે અજયને સુરત જેલ, હાર્મિશ, રાજેશ ઉર્ફે રાજુને વડોદરા જેલ, મશરૂ અને ગોપાલને અમદાવાદ જેલમાં પાસા હેઠળ ધકેલી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...