શિયાળામાં અડદિયા અને ખજૂર રોલને સ્વાસ્થ્યપ્રદ ગણવામાં આવે છે. આ કારણે ડેરીઓ અને મીઠાઈની દુકાનોમાં તેનું વેચાણ ખૂબ વધી જાય છે. આ વેચાણમાં ગુણવત્તા જળવાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ નમૂના લીધા છે જોકે તેના રિપોર્ટ આવતા આવતા ઉનાળો આવી જશે.
રાજકોટ મનપાની ફૂડ શાખાએ ગાંધીગ્રામ મેઈન રોડ પર એસ. કે. ચોકમાં આવેલી જય જલારામ ફરસાણ નામની દુકાનમાંથી અડદિયાના નમૂના લીધા હતા. જ્યારે આકાશવાણી ચોકમાં આવેલી શિવશક્તિ કોલોનીમાં આવેલી બહુચરાજી નમકીન એન્ડ સ્વીટમાંથી ખજૂર રોલના નમૂના લેવામાં આવ્યા હતા.
આ સેમ્પલને વડોદરા ખાતેની સરકારી લેબમાં મોકલાશે. આ લેબમાં પહેલાથી જ ઘણા નમૂનાઓનો ભરાવો થયો છે અને તે મુજબ ક્ષમતા વધારવામાં આવી નથી. આ કારણે રિપોર્ટ આવવામાં મહિનાઓ વીતી જાય છે. હાલ જે શિયાળાની શરૂઆતમાં નમૂના લેવાયા છે તેના રિપોર્ટ આવતા આવતા ઉનાળો આવી જશે.
કેરીનો રસ વેચાતો થઈ જશે ત્યારે ખબર પડશે કે શિયાળામાં જે જે નમૂના લેવાયા હતા તેમાંથી કેટલામાં ભેળસેળ હતી અને કેટલા શુદ્ધ હતા. ત્યાં સુધીમાં ભેળસેળિયાઓએ કમાણી કરી લીધી હશે. આ જ સિસ્ટમ વળી ઉનાળામાં જોવા મળશે કેરીના રસ અને પીણાના નમૂના લેવાશે તે ચાર મહિના પછી પરિણામ આવશે.
ફૂડ શાખાએ સેમ્પલ લીધા ઉપરાંત પાનના ગલ્લાઓ પર પણ તપાસ કરી હતી અને જ્યાં જ્યાં ‘18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધિત’ એવું બોર્ડ ન લગાવ્યા હોય તેમને સૂચના બોર્ડ લગાવવા સૂચના અપાઈ હતી જ્યારે જે ગલ્લાઓએ ફૂડ લાઇસન્સ નથી લીધા તેમને નોટિસ ફટકારાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.