થૂંકના સાંધા:રાજકોટમાં તૂટી ગયેલા રોડ પર મનપાએ થીંગડાં માર્યા, ભ્રષ્ટાચારના ગાબડાંમાં બુરવાનું શરૂ, નવા બ્રીજવાળા રોડ પર તત્કાલ પેચવર્ક

રાજકોટ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચેક દિવસમાં તમામ રસ્તા રીપેર થઇ જવાની મ્યુનિ.કમિશનરને આશા

રાજકોટમાં ભારે વરસાદે મનપાના કહેવાતા ગેરંટીવાળા રોડમાંથી પણ ભ્રષ્ટાચારના પોપડાં ઉખડી નાખ્યા છે. હજુ તો એક વર્ષ પહેલા જ બન્યા હોય તેવા નવાનકોર રોડ ધોવાઇ ગયા છે. ભ્રષ્ટાચારના આ ખાડા બુરવામાં પણ જોખમી એવા થૂંકના સાંધા લાગી રહ્યા છે. ત્યારે ગઇકાલે સાંજથી મહાપાલિકાએ ખાડા બુરવા પેચવર્કના કામ શરૂ કર્યા છે. લંબાયેલા ચોમાસાના કારણે આ કામ પણ મોડુ શરૂ થયું છે. પરંતુ પાંચેક દિવસમાં તમામ વિસ્તારમાં પેચવર્કના કામ પૂરા થઇ જશે તેવું આજે કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતું. તો સૌ પહેલા પાંચેય બ્રીજ સાઇટ પર સર્વિસ રોડ અને બ્રીજ નજીકના રોડ તુરંત રીપેર કરવામાં આવશે.

દરેક વોર્ડમાં ડામર-પેચ વર્ક શરૂ
શહેરના ત્રણેય ઝોનમાં તબક્કાવાર રસ્તાના ડામર પેચ વર્ક શરૂ કરાયા છે. ભારે વરસાદને પગલે રસ્તાઓને નુકસાન થયું હતું. તાજેતરનાં દિવસોમાં સતત વરસાદ ચાલુ રહયો હતો જેના કારણે ડામર પેચ વર્ક શક્યું બન્યું હતું. અલબત વરસાદ દરમ્યાન મેટલથી રસ્તા પરના ખાડા બુરવામાં આવતા હતાં. જોકે હવે વરસાદ રહી ગયો હોઈ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલથી ત્રણેય ઝોનમાં તબક્કાવાર દરેક વોર્ડમાં ડામર પેચ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં મુખ્ય રસ્તાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

તૈયારીની સમીક્ષા કરી
તાજેતરમાં જ મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાએ ખીરસરા ખાતે આવેલા, પેવર પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ સાઈટ વિઝિટ દરમ્યાન કમિશનરે પેવર પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવતા મટિરિયલ વિશે ઊંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત કરી હતી. સાથોસાથ આસ્ફાલ્ટ પેચ (ડામર પેચ) વર્ક માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી તૈયારીની સમીક્ષા પણ કરી હતી.

અમુક રોડ પર કાયમનો ત્રાસ
દરમિયાન ગઈકાલે સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નંબર 7 અને 14, તથા વેસ્ટ ઝોનમાં વોર્ડ નંબર 11 અને ઇસ્ટ ઝોનમાં 4 માં કામગીરી કરવામાં આવી હતી તેમજ આજે સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં. 2, 7, 13 અને 14 તેમજ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. 9, 10, 11 અને 12 અને ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં.4 માં રસ્તામાં ડામર પેચ વર્કની કામગીરી કરવામાં આવશે. જોકે આ વર્ષે રસ્તાઓને એટલું નુકસાન થયેલું દેખાય છે કે માત્ર થીગડાના બદલે પુરેપુરા ડામર કામ કરવામાં આવે ત્યારે જ અમુક રોડ પર ત્રાસ દુર થાય તેમ છે.