મેગા ડિમોલીશન:રાજકોટના અતિ સંવેદનશીલ વિસ્તાર જંગલેશ્વરમાં દબાણો દૂર કરવા મનપા તૈયાર, આશરે 500 મકાનો પર તંત્રનું બુલડોઝર ફરશે

રાજકોટ3 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસવીર
  • ચંપકભાઇ વોરા બ્રીજથી જમણી બાજુ જતા 50 ફુટના રસ્તે મોટા પાયે દબાણોને દૂર થશે
  • સર્વે પૂર્ણ થયા બાદ ડિમોલિશન કરવામાં આવશે: સ્ટે. કમિટીના ચેરમેન

રાજકોટના અતિ સંવેદનશીલ વિસ્તાર જંગલેશ્વરમાં વર્ષોથી ટીપીના 50 ફુટના રોડ પર રહેલા દબાણો હટાવીને માર્ગ ખુલ્લો કરવાની વિચારણા મનપા દ્વારા કરવામાં આવતી હતી. ત્યારે હવે ઘણા સમય બાદ શહેરના વોર્ડ નં.16ના સૌથી જુના વિસ્તાર એવા જંગલેશ્વરમાં સર્વે પૂરો થયા બાદ સ્થાનિકોને નોટીસ આપવાની કાર્યવાહી શરુ થશે. અને જંગલેશ્વરમાં દબાણો દૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સોરઠીયાવાડી ચોકથી સીધા ચંપકભાઇ વોરા બ્રીજ મારફત ભાવનગર રોડ તરફ જવાય છે. જ્યાં ડિમોલીશન થશે તો ટ્રાફિકની સમસ્યા હળવી થશે

સર્વે પૂર્ણ થયા બાદ ડિમોલિશન કરવામાં આવશે: સ્ટે. કમિટીના ચેરમેન
આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, હાલ આજી રીવરફ્રન્ટ પ્રોજેકટને પૂર્ણ કરવામાં માટે કેટલા દબાણ ખડકાયેલા છે એ અંગે શહેરમાં સર્વે કરવામાં આવી રહ્યો છે, સર્વે પૂર્ણ થયા બાદ ડિમોલિશન કરવામાં આવશે. હાલના તબક્કે અંદાજિત 300-400 જેટલા મકાનો હટાવવામાં આવશે પણ સર્વે બાદ જ ચોક્કસ તારણ આવશે કેટલા સ્થળો પર અને કેટલા મકાન પર ડિમોલિશન કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ

વર્ષો જુના 500 જેટલા મકાન આવેલા છે
જયારે મનપા સુત્રોના જણાવ્યા મુજબ જંગલેશ્વરના 15 મીટરના ટીપી રોડ પર વર્ષો જુના 500 જેટલા મકાન આવેલા છે. આ પૈકી મોટા ભાગના મકાનોના આગળના ભાગ રોડ પર ઉતરેલા છે તો અમુક મકાનો પુરેપુરા રોડ પર ખડકાયેલા છે. ભુતકાળમાં આ દબાણો હટાવવાના સર્વે થયા હતા તે બાદ તાજેતરમાં ટાઉન પ્લાનીંગ શાખાએ ફાઇનલ સર્વે શરૂ કર્યો હતો. ટીપી અધિકારીઓની ટીમ દ્વારા આ કાર્યવાહી કરીને કપાતમાં આવતા મકાનો પર માર્કિંગ પણ કરવામાં આવ્યા છે. આ રસ્તો દોઢ કિ.મી.ની લંબાઇનો છે. જે સીધો નિલકંઠ સિનેમા પાછળ મેહુલનગર ટચ થાય છે. ત્યાંથી આ માર્ગ સીધો કોઠારીયા રોડને જોડાઇ જશે.

જંગલેશ્વરની ફાઈલ તસવીર
જંગલેશ્વરની ફાઈલ તસવીર

વાહન વ્યવહાર માટેનો મોટો રસ્તો ખુલશે
આ દોઢ કિ.મી.ના રસ્તામાં લગભગ અર્ધો કિ.મી. પણ રસ્તો પુરેપુરો ખુલ્લો નથી. 50 ફુટનો આ માર્ગ ખુલ્લો થાય એટલે વાહન વ્યવહાર માટેનો મોટો રસ્તો ખુલશે. ભાવનગર રોડ તરફથી બ્રીજ વટીને ડાબી તરફ જંગલેશ્વર મારફત સીધા કોઠારીયા રોડ તરફ જઇ શકાય તેમ છે. આ ડિમોલીશન થાય એટલે સોરઠીયાવાડી ચોકનું આ તરફનું ટ્રાફિકનું ભારણ પણ હળવું થવાની આશા છે. હાલ ટીપીના રોડ પર 500 જેટલા મકાનો દેખાઇ રહ્યા છે. કેટલી કેટલી કપાત આવે તે સહિતનો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે.

આજી રીવરફ્રન્ટ પ્રોજેકટની ફાઈલ તસવીર
આજી રીવરફ્રન્ટ પ્રોજેકટની ફાઈલ તસવીર

15 મીટરનો રસ્તો સ્કીમમાં રહેલો છે
ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરના બીજી તરફના ભાગે જ વિશાળ આજી નદીનો પટ આવેલો છે. આજી રીવરફ્રન્ટ પ્રોજેકટ માટે આ નદી પટના દબાણો ધીમે ધીમે દુર કરવામાં આવી રહ્યા છે. યોજનાના મુખ્ય ભાગમાં નદી પટ વિસ્તારમાં જ 6 હજારથી વધુ કાચા પાકા મકાનો આવેલા છે. આ સૌથી મોટા ડિમોલીશન માટે પણ મનપાની ટીપી શાખાએ વહીવટી પ્રક્રિયા કરી છે. આ ડિમોલીશન જયારે થાય ત્યારે પરંતુ જંગલેશ્વરના વિસ્તારમાં પણ 500 જેટલા મકાનો હટાવવાની તૈયારી શરૂ થઇ છે. ટીપીઓ એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.16ના જંગલેશ્વર મેઇન રોડ પરથી ટીપીનો આ 15 મીટરનો રસ્તો સ્કીમમાં રહેલો છે. આથી વાહન વ્યવહાર માટે તે રોડ ખુલ્લો કરાવાનો છે. તે અંતર્ગત આજે સાંજ સુધીમાં સર્વે પુરો થાય એટલે આસામીઓને નોટીસ આપવાની કાર્યવાહી હાથ ધર લેવાશે.