તકનું મુહૂર્ત:મનપાએ કાળીચૌદશના દિવસે કર્યા ખાતમુહૂર્ત, ચૂંટણી પહેલા કામોની સંખ્યા વધારવા મથામણ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આચારસંહિતા લાગુ થયા બાદ પણ મનપા વહીવટી કામોમાં પૂરતું ધ્યાન આપી શકે તે માટે કાર્યક્રમોની પતાવટ ચાલુ

કાળીચૌદશના દિવસે કોઇપણ નવા કામો હાથ પર લેવાતા નથી. ઘણા લોકો ખરીદી માટે પણ આ દિવસને અશુભ માને છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ કાળીચૌદશના દિવસે અલગ અલગ કામોના ખાતમુહૂર્તો કરી નાખ્યા છે અને એવો બચાવ કર્યો છે કે, કાળીચૌદશે સવારે થોડા મુહૂર્ત ધનતેરસના હતા અને તે સમય પકડાયો છે જોકે હકીકતે દિવાળી બાદ ચૂંટણી હોઇ તે પહેલા જ કામો ધડાધડ શરૂ કરવાનો ઈરાદો છે. જે ફરી સાબિત કરે છે કે જ્યારે તક આવતી હોય તે જ સાચું મુહૂર્ત હોય છે કમુરતા નડતા નથી.

મનપામાં છેલ્લા 15 દિવસથી લોકાર્પણ અને ખાતમુહૂર્તો કરવાની સિઝન આવી છે. વડાપ્રધાનના હસ્તે કરોડો રૂપિયાના કામની જાહેરાત કરાવ્યા બાદ પણ દરરોજ બેથી ત્રણ કામની જાહેરાત કરાય છે અને તેમાં કાળીચૌદશનો દિવસ પણ બાકાત રાખવામાં આવ્યો ન હતો તે દિવસે સવારના સમયે ધનતેરસ હતી અને તે નજીવા સમયના લાભનું બહાનું કાઢી પણ ખાતમુહૂર્ત નક્કી કરાયા હતા અને જ્યાં સુધીમાં કાર્યક્રમ થયો ત્યાં કાળીચૌદશ થઈ ચૂકી હતી. શહેરના લક્ષ્મીનગરમાં બનેલા જનરલ બિપીન રાવત અન્ડરબ્રિજ પાસેથી ભક્તિનગર સ્ટેશન સુધીનો નવો રોડ મંજૂર થયો છે.

જેનું કામ ચાલુ કરવા માટે સ્ટેન્ડિંગમાં પણ દરખાસ્ત લઈ લેવાઈ હતી. આ રોડને 24 મીટર પહોળો કરવાનું કામ તેમજ બાકીની રેલવે અને મનપાની વચ્ચેની બાઉન્ડ્રી સહિતની જગ્યાએ કમ્પાઉન્ડ વોલ, યુટિલિટી ડક, ફૂટપાથ અને ડિવાઈડર સહિતના આશરે 2 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરી દેવાયું હતું. જેમાં સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, મેયર ડો. પ્રદીપ ડવ અને ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, દંડક સુરેન્દ્રસિંહ વાળા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

દિવાળી બાદ તુરંત જ ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે. મનપા પાસે ચૂંટણી વખતે જિલ્લા વહીવટી તંત્ર જેટલું કામ હોતું નથી અને પોતાના જ કાર્યક્ષેત્રમાં આવતી કામગીરી કરવાની હોય છે અને તંત્રને સામાન્ય કરતા વધુ સમય કામ કરવાનો મળી રહે છે કારણ કે અન્ય કોઇ કાર્યક્રમો હોતા નથી. આચારસંહિતા દરમિયાન વર્કઓર્ડર અપાઈ ગયા હોય તેવા દરેક કામો નવા શરૂ કરી શકાય છે પણ સમસ્યા એ હોય છે કે તે કામોના ખાતમુહૂર્તના કાર્યક્રમો થઈ શકે નહિ તેમજ તેની જાહેરાત થઈ શકે નહિ.

જે વાત પદાધિકારીઓને ગળે ન ઉતરે એટલે આ તમામ કામો આચારસંહિતા બાદ એટલે કે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી અટકી જાય છે. આ કારણે વહીવટી પાંખને ચૂંટણી પહેલા કામો ચાલુ કરીને આચારસંહિતા દરમિયાન શક્ય એટલા વહીવટી કામો પતાવવા માટે અત્યારથી કાર્યક્રમો કર્યા છે જ્યારે રાજકીય પાંખને અત્યારે જ કાર્યક્રમો કરીને લોકોના માનસમાં ચૂંટણી પહેલા કામ બતાવવાની ઘેલછા છે આ કારણે રજા કે પછી બીજા કોઇપણ ટાણા નડી રહ્યાં નથી.

BS-3 વાહનો પર પ્રતિબંધ લાગ્યા અને રેકોર્ડ વેચાણ થયું
જ્યારે તક મળતી હોય ત્યારે મુહૂર્ત જોવાતા નથી તેનું સૌથી મોટું ઉદાહરણ 2017માં જોવા મળ્યું હતું. સામાન્ય રીતે ગુજરાતમાં વાહનો છોડાવવા માટે રક્ષાબંધન, ધનતેરસ, લાભપાંચમ, દશેરા, અષાઢીબીજ, નવરાત્રી, જન્માષ્ટમી, ગણેશચતુર્થી જેવા તહેવારો શ્રેષ્ઠ મનાય છે અને તે દિવસોમાં સૌથી વધુ ખરીદી થાય છે પણ 2017ની 31મી માર્ચે સુપ્રીમ કોર્ટે તમામ બીએસથ્રી વાહનોના વેચાણ પર 1 એપ્રિલથી પ્રતિબંધ લગાવી દીધો હતો આ કારણે ડીલર્સ પાસે વાહનો વેચવા માટે એક જ દિવસ બચ્યો હતો અને ડિસ્કાઉન્ટ જાહેર કર્યા હતા. આ તક ઘણા બધા લોકોએ ઝડપી લીધી હતી અને તે દિવસે રાજકોટ શહેરના મોટાભાગના શો-રૂમમાંથી વાહનો ધડાધડ વેચાયા હતા અને તે દિવસે કોઇપણ અન્ય તહેવારો કરતા રેકોર્ડ વેચાણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...