નોટિસ:મનપાને મહિને રૂ. 92 લાખનો ખર્ચ પણ ગાર્ડનમાં ગાર્ડ ન મળ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડે.મેયર દર્શિતા શાહે એરપોર્ટ રોડ પર કરેલા ચેકિંંગમાં પોલ ખૂલી
  • વિજિલન્સને જાણ કરી ગેરરીતિ અંગે સિક્યુરિટી એજન્સીને નોટિસ

રાજકોટ મહાનગરપાલિકા પોતાની અલગ અલગ સંપત્તિ જેવી કે બગીચાઓ, મેદાનો અને હોલ માટે સિક્યુરિટી પાછળ મહિને 92 લાખ રૂપિયાની માતબર રકમ ખર્ચે છે. ત્યારે ખરેખર આ મિલકતોની જાળવણી થાય તે માટે એજન્સીઓ પોતાના ગાર્ડ મોકલે છે કે નહિ તેની ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહે ખાનગી રાહે તપાસ કરાવતા એરપોર્ટ રોડ પર બેદરકારી થતી હોવાની માહિતી મળી હતી. જેથી ડે. મેયરે એ.આર. સિંઘને સાથે રાખીને રાત્રીના 9 વાગ્યે બગીચાઓની તપાસ કરતા નરસિંહ મહેતા ઉદ્યાનમાં ગાર્ડની હાજરી નહોતી તેથી ત્યારે જ વિજિલન્સ શાખાને જાણ કરીને સિક્યુરિટી એજન્સી જય ભારત સિક્યુરિટી ઓર્ગેનાઈઝેશનને નોટિસ અપાઈ છે.

ડે. મેયર ડો. શાહે જણાવ્યું હતું કે, રાજકોટ મનપા સિક્યુરિટી પાછળ 92,52,335 રૂપિયાની માતબર રકમ ખર્ચે છે અને તે માટે બગીચાઓમાં રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા રાખવાની જવાબદારી એજન્સીઓની છે પણ રાત્રીના સમયે ગાર્ડ હોતા જ નથી તેથી અસામાજિક તત્ત્વોને છૂટો દોર મળતો હોવાથી ફરિયાદ મળતા રાત્રી ચેકિંગ કર્યું હતું. તમામ એજન્સીઓને સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે કે તેઓ પોતાના ગાર્ડને ચોક્કસ ડ્યૂટી પર રાખે અને ત્યાં કોઇ પણ દબાણ કે ગેરરીતિ થતી હોય તો તે એજન્સીએ વિજિલન્સ શાખાને જાણ કરવી ફરજિયાત છે અન્યથા તેમના વિરુદ્ધ પણ પગલાં લેવાશે.

અન્ય સમાચારો પણ છે...