હુસાતુસીતુ:રાજકોટ બોર્ડમાં શાસક અને વિપક્ષે શહેરના ગંભીર પ્રશ્નોની ચર્ચા કરવાના બદલે શેરીઓમાં બાળકો કબડ્ડી રમતા હોય તેવું વર્તન કર્યું

રાજકોટ2 વર્ષ પહેલા
  • મનપા જનરલ બોર્ડમાં સ્ટે. કમિટીના ચેરમેને કોંગ્રેસને રાવણના વંશજો ગણાવતા હોબાળો, કોંગ્રેસે રામધૂન બોલાવી વિરોધ કર્યો
  • ઉદય કાનગડઃ કોંગ્રેસમાં ફૂટપાથિયા નેતાઓ છે, કોરોનાના નામે રોટલા શેકે છે
  • ઘનશ્યામસિંહ જાડેજાઃ રેસકોર્સની પાળીએ તમારા નેતા શું કરે છે તે પૂછો, પછી બરાડા પાડો

રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક બોર્ડ શહેરના નક્કર પ્રશ્નોની ચર્ચા કર્યા વગર જ સમાપ્ત થયું હતું. બાળકો જે પ્રકારે શેરીઓમાં રમત રમતા હોય તે મનપાના જનરલ બોર્ડમાં હુ…તુ…તુ...ની રમત રમાઇ હતી અને હુંસાતુંસી થઇ હતી. કોંગ્રેસે વેરા વસૂલાતના પ્રશ્નના બદલે કોરોના અને ચોમાસાના કારણે રસ્તા પર ગાબડાં પડ્યા છે તેની ચર્ચાની માંગ કરી પણ ભાજપે જે પ્રથમ પ્રશ્ન છે તેની જ ચર્ચા કરવા કહ્યું. પરિણામે એક બીજા પર આક્ષેપ બાજી થઇ, ન બોલવાના શબ્દો બોલાયા અને અંતે કોંગ્રેસે બેનર દેખાડી વિરોધ કર્યો, રામધૂન ચાલુ કરતા મેયરે બોર્ડ જ સમાપ્ત કરવા સેક્રેટરીને સૂચના આપી બોર્ડ પૂરું કરી નાખ્યું. બુધવારે સવારે 11 કલાકે મનપાનું જનરલ બોર્ડ શરૂ થયું ભાજપના કોર્પોરેટર મનીષ રાડિયાના વાણિજ્ય મિલકત વેરાના પ્રશ્નથી. આ પ્રશ્નનો કમિશનરે એટલો વિસ્તૃતથી જવાબ આપવાની શરૂઆત કરી.

10 દી’માં 144 મોત કોરોનાથી થયા તેની ચર્ચા કરો
વિપક્ષી નેતા વશરામ સાગઠિયા ઊભા થયા અને કહ્યું, રાજકોટમાં છેલ્લા 10 દિવસમાં 144 મોત કોરોનાથી થયા છે તેની ચર્ચા કરો. કમિશનર લાંબા લાંબા જવાબ આપવાના બદલે કુલ આંકડો જાહેર કરી ટૂંકો જવાબ પણ આપી શકે છે. સાગઠિયા ઊભા થતાની સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કાનગડ ઊભા થયા અને કહ્યું, જેનો પ્રથમ પ્રશ્ન હોય તેની ચર્ચા થાય. તમારો પ્રશ્ન હોય ત્યારે અમે બોલતા નથી. કોરોનાના નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરવાનું કહેતા સાગઠિયાએ કહ્યું, લોકો મરી રહ્યા છે તેની ચર્ચા થવી જોઇએ ખોટી વાતો બંધ કરો.

કોંગ્રેસમાં ફૂટપાથિયા નેતાઓ
ઉદય કાનગડે બોર્ડમાં કોંગ્રેસ ફૂટપાથિયા નેતાઓ છે, તે કોર્પોરેશનની ફૂટપાથ પર કોરોનાના દર્દીઓના નામ જાહેર કરવાની માંગ કરી બેસી જાય છે. પ્રેસ મીડિયાને જોઇ તે ભૂરાયા થાય છે, તોફાને ચડે છે. આવું કહેતા કોંગ્રેસના ઘનશ્યામસિંહ જાડેજા ઊભા થયા અને બોલ્યા કે કોને ફૂટપાથિયા કહો છો, તમારા નેતાઓ તરફ નજર કરો, તે રેસકોર્સની પાળી પર બેઠા બેઠા શું કરે છે તે જોવો, ખોટા બરાડા પાડવાનું બંધ કરો.

અમે ફૂટપાથ નહીં જેલમાં પણ બેસવા તૈયાર છીએ
ફૂટપાથિયા કહેતા સાગઠિયાએ કહ્યું, અમે લોકોના પ્રશ્નો માટે ફૂટપાથ પર નહીં પણ જેલમાં પણ બેસવા તૈયારી છીએ.

વિપક્ષના તમામ માઇક બંધ કરો
કાનગડ, સાગઠિયા અને જાડેજા એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, બાદમાં કશ્યપ શુક્લ અને બોર્ડના અધ્યક્ષ મેયરે વિપક્ષના માઇક બંધ કરવા સૂચના આપી હતી. માઇક બંધ થયા બાદ પણ વિપક્ષે કોરોના અને તૂટેલા રસ્તા અંગે પોતાની વાત ચાલુ રાખી હતી.
આમા કોણ વિપક્ષી નેતા તે જ ખબર પડતી નથી, બધા પોત પોતાની રીતે લડે છે. કોંગ્રેસમાંથી એક સાથે પાંચ છ કોર્પોરેટર બોલવાનું ચાલુ રાખતા કાનગડે કહ્યું કે, કોંગ્રેસમાં કોણ વિપક્ષી નેતા છે તે ખબર પડતી નથી, બધા પોત પોતાની રીતે લડે છે. જેના જવાબમાં સાગઠિયાએ કહ્યું કે, અમારા પક્ષમાં લોકશાહી છે તમામ બોલી શકે છે તમારી જેમ એક જ વ્યક્તિને છૂટ હોય તેમ નથી.

ટેમ્પિલસ…મેયરે બોર્ડને સ્થગિત કર્યું
વિપક્ષના સભ્યો કોરોના અને માર્ગ તૂટી ગયા મુદ્દે ઉગ્ર રજૂઆત શરૂ કરતા મેયરે 11:30 કલાકે બોર્ડને સ્થગિત કર્યું અને માર્શલને કહ્યું, પહેલા વિપક્ષના સભ્યોને પોતાના સ્થાને બેસાડો. બે મિનિટ સ્થગિત બાદ ફરી બોર્ડ ચાલુ થયું.

કુછ દિન તો ગુજારીએ રાજકોટમે, યહા ગંદકી હૈ
વિપક્ષે બોર્ડમાં બેનર દેખાડી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. બેનરમાં ‘કુછ દિન તો ગુજરારીએ રાજકોટમે, યહા ગંદકી હૈ, યહા ગડે હૈ, પાની ગંદા હૈ’, ‘સ્માર્ટ રાજકોટ, સ્માર્ટ ખાડા’ સહિતના સૂત્રો લખ્યા હતા. બેનર જપ્ત થતા વિપક્ષના તમામ સભ્યો નીચે બેસી વિરોધ શરૂ કર્યો હતો.

તેને છોડો, અહીં તેને ગલગોઠિયા ખાવા દો
જમીન પર બેસી વિપક્ષે વિરોધ શરૂ કરતા ડેપ્યુટી મેયર અને મેયરે માર્શલને સૂચના આપી કે વિપક્ષના સભ્યોને બહાર કાઢવામાં આવે. માર્શલે સાગઠિયા, અતુલ રાજાણીની ટીંગાટોળી કરી તો કાનગડને તેમને અટકાવ્યા અને કહ્યું તેને છોડો અહીં ગલગોઠિયા ખાવા દો. તે મીડિયાના કેમેરા જોઇ તોફાનિયા બન્યા છે. વિપક્ષને લાંછન લગાડે તેવું કામ કરે છે.

હુંસાતુંસી વચ્ચે મેયરે 11:42 કલાકે બોર્ડના ઠરાવો વંચાણે લેવા સેક્રેટરીને આદેશ કર્યો. પાંચ દરખાસ્ત અને ત્રણ અરજન્ટ દરખાસ્ત ચીફ ફાયર ઓફિસરની નિમણૂક, ચુનારાવાડ બ્રિજને શ્રીરામનાથ મહાદેવ બ્રિજ નામકરણ અને ભારતનગર પાસે આવેલી આવાસ યોજનાને હિંગળાજનગર ટાઉનશિપ નામકરણની દરખાસ્ત મંજૂર કરી બોર્ડ સમાપ્ત કરી દેવાયું.

બોર્ડમાં નેતાઓએ જે શબ્દો વાપર્યા તેના અર્થ
1. ફટપાથિયા નેતાઃ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળતા નેતા
2. ઉલાળાઃ કોઈપણ જાતની ગંભીરતા વિના બિનજવાબદારી રીતે કૂદાકૂદી કરવી તે.
3. ભૂરાયાઃ સમૂહને જોઈને સીનસપાટા મારવા.
4. ગલગોઠિયાઃ જમીન પર ગુલાટિયા મારવા
5. તોફાનિયાઃ બેજવાબદાર રીતે વારંવાર તોફાન મચાવવું.
- પ્રો.ડો. જે.એમ. ચંદ્રવાડિયા (ગુજરાતી ભવન, સૌ. યુનિ.)