મૃત ગૌવંશને સોખડામાં મનપાના કર્મચારીઓ અને અધિકારીઓની નજર સામે જ કાપીને તેનો વ્યાપાર થાય છે તેવા દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશન બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પેટમાં તેલ રેડાયું હતું. સવારે નિર્ણય લેવાયો કે કબજો કરી ગાયો કાપી ગૌમાંસ, ચામડું અને હાડકાં વેચી નાખતા શખ્સો સામે પોલીસ ફરિયાદ કરાશે. સાંજે જ્યારે પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારને આ મામલે પૂછવામાં આવ્યું તો કહ્યું કે પોલીસ ફરિયાદ લઈ રહી નથી અને સમાધાન કરાવીને મોકલી દીધા છે.
આ રીતે પોલીસની કામગીરી સામે પ્રશ્ન ઊભા કર્યા હતા તેથી આ મામલે કુવાડવાના પી.આઈ. રાણાનો સંપર્ક કરતા તેઓએ પહેલા તો મૃત ગાયો કપાતી હોવાની ફરિયાદ આવી જ નથી તેવું સ્પષ્ટ કહ્યું હતું. તેમણે પીએસઓ પાસે વિગત મગાવતા બીજુ જ ચિત્ર સામે આવ્યું હતું. મનપાની ટીમ ગાયો કાપવા મુદ્દે નહિ પણ પોતાના કર્મચારી પર હુમલાની ફરિયાદ માટે આવી હતી.
મનપાના એસ.આઈ. દશરથ લખતરિયા કે જેની નજર સામે જ ગાયો કપાતી હતી તેઓ ભાસ્કરના અહેવાલ બાદ સોખડા ગયા હતા. ત્યાંથી તેમણે 100 નંબર પર ફોન કરીને કહ્યું હતું કે તેઓ મૃત પશુઓના નિકાલ માટે આવ્યા છે અને કેટલાક શખ્સો હુમલો કરવાની શક્યતા છે તેથી પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી. લખતરિયા કુવાડવા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને બાદમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું.
શખ્સોએ જણાવ્યું કે તેઓ હવે સોખડામાં મનપાની જગ્યામાં આવશે નહિ અને સામે પક્ષે મનપાના કર્મચારીએ તે બાહેંધરી સ્વીકારી ફરિયાદ નથી કરવી તેવું નિવેદન આપતા અહીંયા મામલો સમેટાઈ ગયો હતો. પર્યાવરણ ઈજનેર પરમાર અને સેનેટરી ઈન્સ્પેક્ટર લખતરિયાએ સોખડા સાઈટ પરથી ગૌમાંસ અને મૃત ગાયના અંગો બારોબાર વેચાય છે તે અંગે કોઈ પોલીસ ફરિયાદ કરી જ નહીં ઊલટાનું પોલીસ ફરિયાદ લેતી નથી તેવું ગાણું ગાયું.અને મહાનગરપાલિકા તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ ઊંધા ચશ્મા પહેરાવાયા.
ખાઉધરા ગીધડોને સસ્પેન્ડ કરો - જીવદયાપ્રેમી
મૃત ગાયોને કાપી ચામડું અને ગૌમાંસ વેચવાની ઘટનાના પર્દાફાશ બાદ આ અહેવાલના કટિંગ સાથે શહેરના જીવદયાપ્રેમીઓ કોર્પોરેશન પહોંચ્યા હતા અને ગૌમાંસ જેવી બાબતમાં પણ કટકી થતી હોવાથી રોષે ભભૂક્યા હતા. તેઓએ જઘન્ય કૃત્ય મામલે મનપાના અધિકારીઓ નિલેશ પરમાર, દશરથ લખતરિયાને સસ્પેન્ડ કરી ગૌમાંસ વેચાણની ફરિયાદ નોંધવા માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.