રાજકોટના સમાચાર:ગાંધી મ્યુઝિયમનો કોન્ફરન્સ હોલ જાહેર જનતા માટે ભાડે આપવાનો મનપાનો નિર્ણય, મિટિંગ, વર્કશોપ યોજી શકાશે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે આવેલ સુવિધાઓનો વધુમાં વધુ નાગરિકો લાભ લે તેમજ મ્યુઝિયમની આવકના નવા સ્ત્રોત ઉભા થાય તે હેતુથી મ્યુઝિયમ કેમ્પસમાં આવેલ કોન્ફરન્સ હોલ ખાનગી અને સરકારી સંસ્થા, વ્યક્તિઓને ભાડે આપવા બોર્ડ મીટીંગમાં નિર્ણય કરવામાં આવેલ છે.

90 કેલેન્ડર દિવસ અગાઉ સ્લોટવાઇઝ બુક કરી શકાશે
કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતું કે શહેર અને બહારથી આવતા પ્રતિનિધિ મંડળો ઘણી વખત આ માંગણી કરતા હોય છે. સરકારી કચેરીઓને પણ તે ઉપયોગી થાય છે. આથી ભાડાના દર સત્તાવાર રીતે નકકી કરાયા છે. જેનો લાભ વધુ લોકો લઇ શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. કોન્ફરન્સ હોલ વધુમાં વધુ 90 કેલેન્ડર દિવસ અગાઉ સ્લોટવાઇઝ બુક કરી શકાશે જે ફકત મીટીંગ, પ્રેઝન્ટેશન, તાલીમ, વર્કશોપ વિગેરે પ્રકારના કાર્યક્રમો માટે જ ભાડે આપવામાં આવશે. અન્ય કોઇ પણ હેતુ માટે ભાડે આપવામાં આવશે નહી.

સ્લોટભાડાના દરડીપોઝીટ
સવારે 9 થી બપોરે 2 કલાક5,0005,000
બપોરે 3 થી સાંજે 8 કલાક5,0005,000
સવારે 9 થી સાંજે 6 કલાક8,0005,000

વાહન ચાલકોની સેફટી માટે સેફટી બેલ્ટનું વિતરણ
ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બીજી તરફ શહેરમાં પતંગની દોરીથી લોકોના ગળા કપાવવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે શહેરમાં આ પ્રકારના બનાવો અને રોડ પર અકસ્માતોના બનાવ ન બને તે માટે રાજકોટ CP મનોજ અગ્રવાલ અને સામાજિક સંસ્થા દ્વારા વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા

સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું
સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું

ગૌ-રક્ષકોએ મનપાની સાઈટ પર થતા ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માંગ કરી
રાજકોટ શહેરમાં જીવદયા અને ખાસ કરી ગૌવંશ સંરક્ષણ અને બચાવવા માટે ઘણા કાર્યક્રમો થાય છે, પણ, હકીકતે ગૌવંશની સ્થિતિ સુધરી નથી પણ બગડતી જ જાય છે. જીવતે જીવ તો ગાયો પરેશાન છે જ પણ મર્યા બાદ પણ ગાયોના નસીબમાં શું છે તે જાણતાં જ કંપારી છૂટે છે. તેમની ચામડી ખેંચી લેવાય છે, એક એક નસ ખેંચી અલગ કાઢી લેવાય છે હાડકાં અને માંસ કપાય છે. ગૌમાંસની રિક્ષાઓ ભરાઈને પછાત વિસ્તારોમાં વેચી દેવાય છે, ચામડું અને હાડકાંઓ ફેક્ટરીઓમાં જાય છે અને આ રીતે લાખોની કમાણી ગેરકાયદે થાય છે. સોખડાની મનપાની સાઈટ પર અમુક અસામાજિક તત્ત્વોનો દાયકાઓથી કબજો છે. તેઓ મરેલા પશુ ખાસ કરીને ગાયનું ચામડું કાઢે, માંસ કાઢે, નસો કાઢે અને આ બધું વેચી નાખે. ત્યારે આ મામલે ગૌ-રક્ષકોએ મનપા ખાતે જવાબદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની વીણતી કરી હતી. જેને ધ્યાને લઈને મેયર અને તથા ડેપ્યુટી મેયરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતી આપી હતી.

કલેકટરના અધ્યક્ષસ્થાને રોડ સેફટી અંગેની બેઠક યોજાઈ
રાજકોટમાં ટ્રાફિક અંગે લોકોમાં જાગૃત્તા આવે અને ટ્રાફિક નિયમોના પાલન સાથે અકસ્માતોને નિવારી શકાય તે સંદર્ભે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને આજરોજ કલેકટર કચેરી ખાતે રોડ સેફટી અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરે જિલ્લામાં ચાલતી નેશનલ હાઈવે ઓફ ઓથોરિટીની ચાલુ માસની કામગીરી અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. તેમજ રાજકોટમાં પ્રગતિ હેઠળના બ્રીજોની કામગીરી, બોર્ડ સાઈનેજીસ સહિતની કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, આર.એન્ડ.બી પંચાયત, રોડ એજન્સીઓને તાકીદ કરી હતી. તેમજ સંતોષપૂર્વક કામગીરી ન કરનાર એજન્સીઓ સામે દંડાત્મક પગલા લેવાનો આદેશ આપ્યો હતો

ઓપન પ્લોટમાં ડીમોલીશન વેસ્ટ ખાલી કરતા બે લોકો દંડાયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને કન્સ્ટ્રકશન એન્ડ ડીમોલીશન વેસ્ટનો યોગ્ય જગ્યાએ નિકાલ થાય તે માટે તથા લોકોમાં કન્સ્ટ્રકશન એન્ડ ડીમોલીશન વેસ્ટ અંગેની જાગૃતિ આવે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ ખાતે ગાયત્રીધામ સોસાયટીની પાછળ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ઓપન પ્લોટમાં ટ્રેકટરના માલિક ધીરૂભાઇ ગડારીયા તથા ભુરાભાઇ વણઝારા દ્વારા કન્સ્ટ્રકશન એન્ડ ડીમોલીશન વેસ્ટ ખાલી કરતા પકડાયેલ હોય, આ બંને આસામીઓ પાસેથી કુલ રૂ.15 હજાર વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવેલ છે.

પડધરીના નાનાવડા ગામના 47 આસામીઓને જમીનની સનદ અપાઈ
રાજ્યના નાનામાં નાના ગામડાના લોકોની સુખાકારી માટે પણ ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર પ્રો-એક્ટિવ અભિગમ સાથે કાર્યરત છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાનાવડા ગામના લોકોને સરકાર દ્વારા રહેણાકના પ્લોટ આપવામાં આવ્યા હતા. હવે 47 આસામીઓને આ પ્લોટની સનદ આપવામાં આવી છે.ગામલોકોને જમીનના હક્ક મળતા હવે તેઓ સત્તાવાર રીતે ગામ નમૂના નંબર-૨ની નકલ કઢાવી શકશે, કાયદાકીય લાભો મેળવી શકશે, સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ પણ બનશે, તેઓ મકાન બનાવવા માટે બેન્કમાંથી લોન પણ મેળવી શકશે તેમજ કાયદેસર દસ્તાવેજ પણ થઈ શકશે.

જેતપુરમાં વ્યાજખોરી નાબૂદ કરવા લોકદરબાર યોજાયો
સમગ્ર રાજ્યભરમાં સરકાર દ્વારા વ્યાજખોરી નાબૂદ માટે ઝુંબેશ ચલાવાય રહી છે ત્યારે યાત્રાધામ વીરપુર પોલીસ દ્વારા વ્યાજખોરી નાબુદ માટે પોલીસ મથકે ગુરુવારે અને શુક્રવારે એમ બે દિવસ સુધી લોક દરબાર યોજવામાં આવ્યા હતા. જેમાં હાલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરોના ત્રાસ માંથી લોકોને મુકત કરાવવા અંગે ખાસ ઝુંબેશ અભિગમ અંતર્ગત રાજકોટ જિલ્લા ગ્રામ્ય એસ.પી. જયપાલસિંહ રાઠોડ દ્વારા લોકોને વાયજખોરો સામે કઈ રીતે કાયદાકીય પગલાં લેવામાં આવશે તે વિશે માહિતી આપી હતી. તથા વ્યાજખોરી ડામવા માટેના સરકાર અને પોલીસના પ્રયત્નો અંગે માર્ગદર્શન આપ્યું હતું,વ્યાજખોરોના ડર તથા ભય વગર વ્યાજખોરો સામે ફરીયાદ કરવા અપીલ કરવામા આવેલ હતી, આ ઉપરાંત કોઇ લોકોને ખાનગીમા ફરીયાદ કરવી હોય કે આ વ્યાજખોરો બાબતે માહીતી આપવા માંગતા હોય તો તેઓએ કોઇ પણ પ્રકારના ડર,ભય કે દબાણ વગર વિના સંકોચે વિરપુર પોલીસ સ્ટેશન ખાતે આવી ફરીયાદ તથા માહીતી આપવા પણ અપીલ કરવામા આવી હતી.

ફૂડ વિભાગની 9 પેઢીને લાઇસન્સ મેળવવા સૂચના
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સંત કબીર મેઇન રોડ -પેડક રોડ તથા જીવરાજ પાર્ક- નાના મવા વિસ્તારમાં ચીકી અને અડદિયા સહિત ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 39 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન સ્થળ પર 9 પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.

ચાઇનીઝ દોરાના પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરવા અપીલ
ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા, ચાઇનીઝ લેન્ટર્ન તથા અન્ય નૂકસાનકારક પદાર્થોથી બનેલી વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની નામદાર કોર્ટ દ્વારા દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. આ માટે ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગથી નાગરિકો, પશુ-પક્ષી અને પર્યાવરણને નૂકસાન થતુ હોવાથી આ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેનું ચૂસ્તપણે પાલન થાય તથા આ સંદર્ભે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર દ્રારા લોકોને અપીલ કરવામાં આવી છે. નાગરિકો ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે ફરિયાદ ફોન નંબર 100 ઉપર રજૂ કરી શકશે.