હુમલાનો વળતો ઘા:માત્ર 15 દિવસમાં મનપાએ પકડ્યા 459 રખડતા ઢોર

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરના મધ્યથી શરૂ કરીને નવા ભળેલા વિસ્તારો સુધી ચારેકોર કાર્યવાહી
  • ઢોર માલિકોએ હવે રાત્રે મનપાના વાહનોથી દૂર રહીને પણ ચાલુ રાખી રેકી

રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી પર અસામાજિક તત્ત્વોએ જલદ સ્પ્રેથી હુમલો કરીને કામગીરી અટકાવવાની ઘટના બાદ મનપાએ પહેલા કરતા પણ વધુ ગતિએ ઢોર પકડવાનું ચાલુ કરી દીધું છે અને 22 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન જ 459 ઢોર પકડી પાડ્યા છે જે સામાન્ય કરતા બમણી સંખ્યા છે. મનપાની એએનસીડી શાખાના જણાવ્યા અનુસાર કોઠારિયા ગામ, કોઠારિયા સોલવન્ટ તેમજ કોઠારિયાના નવા વિસ્તારો જેવા કે સ્વાતિ પાર્ક અને શ્યામ પાર્કમાંથી 48 પશુ પકડાયા છે.

જ્યારે જડેશ્વર પાર્ક, નંદાહોલ, સોમનાથ સોસાયટી, બાબરિયા કોલોની જેવા શહેરના મધ્યના વિસ્તારમાંથી 65 તેમજ જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશિપ, રેલનગર, સંતોષીનગર જેવા નવા વિસ્તારોમાંથી 75 પશુ પકડ્યા છે. જેવી શહેરમાં નવા ભળેલા વિસ્તારો જ નહિ મધ્ય રાજકોટના પોશ વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ જોવા મળ્યો છે. હુમલાની ઘટના બાદ હવે રેકીની પ્રક્રિયા બદલી છે. હવે નંબર વગરના વાહનો મનપાની ટીમથી થોડા થોડા અંતરે રેકી કરી રહ્યાં છે બધાના ફોન સતત ચાલુ રહે છે અને એકથી બે વ્યક્તિઓ ઢોર પકડ પાર્ટીની આગળ રહીને ટીમના રૂટની ખબર આપતા રહે છે

જ્યારે બાકીના લોકો જે તે વિસ્તાર મુજબ જો બાતમી મળે તો નજીકના રોડ પર જ્યાં ઢોર હોય ત્યાંથી દૂર તગેડી શેરી-ગલીઓમાં મૂકી આવે છે. દિવસ દરમિયાન ઢોર પકડની ઝુંબેશ ચાલુ રહેતી એ દરમિયાન ઢોરને બાંધી રાખીને સાંજના સમયે છોડી દેવામાં આવતા. આ કારણે ઢોર સીધા રોડના કાંઠે પહોંચી જ્યાં ઉકરડા કે ગંદકી હોય ત્યાં પહોંચી જતા અને એક જ વાર છોડવામાં આવતા હોવાથી ઢોરને કારણે રસ્તાઓ રાત્રી દરમિયાન જોખમી બની જતા હતા.

આ જ કારણે મવડી વિસ્તારમાં એક વૃદ્ધનું ઢોરની ઠોકરે મોત નીપજ્યું હતું. જોકે હવે રાત્રી દરમિયાન પણ ઢોર પકડવાની મંજૂરી આવી જતા વધુને વધુ સંખ્યામાં ઢોર પકડવામાં આવી રહ્યાં છે અને તેને કારણે જ કંટાળીને કામગીરી બંધ કરાવવા અને રાત્રે ઢોર પકડવા જોખમી છે તેવું સાબિત કરવા મનપા ટીમ પર હુમલા થયાની શંકા તંત્રે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...