ફરિયાદ:મનપાને બે વર્ષે જાણ થઇ કે આવાસમાં કબજો થઈ ગયો છે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વખતની નોટિસનો જવાબ ન મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ
  • બે વર્ષમાં અનેક વખત ચેકિંગ થયા પણ કોઈને ખબર જ ન પડી

મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આવાસ યોજનાના ક્વાર્ટર લાભાર્થીઓને આપ્યા બાદ અનેક યોજનામાં મનપાની માલિકીના ક્વાર્ટર ખાલી પડ્યા છે, પરંતુ તેવા અનેક મકાનોમાં કેટલાક શખ્સો દ્વારા બારોબાર તાળાં તોડીને મકાન પર કબજો જમાવી દેવામાં આવે છે, મનપા દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવે છે પરંતુ તે ચેકિંગ માત્ર કાગળ પર જ થતું હોવાનો પણ પર્દાફાશ થયો છે. મનપાની ટીમ દ્વારા ગત તા.30ના રૈયા રોડ પરના રોયલપાર્ક આવાસ ક્વાર્ટર્સમાં ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે એક મહિલા તેના પરિવાર સાથે બે વર્ષથી રહેતી હોવાનું ખુલ્યું હતું, અંતે સામાન દૂર કરી મનપાએ મકાનનો કબજો મેળવ્યો હતો.

મનપાની આવાસ યોજના વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં જયેશભાઇ જગદીશભાઇ સોલંકી અને તેની ટીમ ગત તા.30ના રૈયા રોડ પર આવેલી રોયલપાર્ક આવાસ યોજના ક્વાર્ટરમાં ચેકિંગમાં ગઇ હતી જેમાં ક્વાર્ટર નં.424માં ફરજાના મોહમદ રફિક હમીરાણીએ કબજો જમાવ્યાનું ખુલ્યું હતું, મનપાની ટીમે એ ક્વાર્ટરમાંથી મહિલાનો તમામ સામાન બહાર કાઢી મકાન પર તાળું મારી કબજો મેળવ્યો હતો.

સિનિયર ક્લાર્ક સોલંકીએ જણાવ્યું હતું કે, એક મહિના પૂર્વે ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ફરજાના દ્વારા દબાણ કરાયાનું ખૂલતાં તે સમયે તેને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમણે મકાન ખાલી નહીં કરતા અઠવાડિયા પહેલા ફરીથી નોટિસ આપવામાં આવી હતી.

છતાં મહિલાએ એ નોટિસની નોંધ નહીં લઇ રહેવાનું ચાલુ રાખતા અંતે તા.30ના સામાન બહાર કાઢી મકાનનો કબજો મેળવવામાં આવ્યો હતો, જોકે મહત્ત્વની બાબત એ છેકે ઉપરોક્ત ક્વાર્ટરમાં ફરજાના અને તેનો પરિવાર બે વર્ષથી રહેતો હતો, બે વર્ષ દરમિયાન મનપાની આવાસ ટીમે અનેક વખત ચેકિંગ કર્યું હતું ત્યારે તેમની નજરે ગેરકાયદે દબાણ કેમ ધ્યાન પર ન આવ્યું?.

અન્ય સમાચારો પણ છે...