રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને આજે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બે રેકોર્ડ ભવનને નામે નોંધાયા છે. પહેલો રેકોર્ડ રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળો કરવા બદલ અને બીજો રેકોર્ડ કોરોનાકાળમાં 81,000થી વઘુ લોકોનું ટેલિફોનિક તેમજ રૂબરૂ કાઉન્સેલિંગ કરી 126 જેટલા મનોવૈજ્ઞાનિક આર્ટિકલ તથા સર્વે કરવા બદલ મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકોને મેડલ અને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.
97 કોલેજના 1 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
આ સિદ્ધિ અંગે મનોવિજ્ઞાન ભવનમાં અધ્યક્ષ ડૉ.યોગેશ જોગસણે જણાવ્યું હતું કે, મનોવૈજ્ઞાનિક ભવનની ટીમ દ્વારા ફેબ્રુઆરી-2020માં બે દિવસીય રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની 97 કોલેજના 1 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ મેળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ, આપઘાત નિવારણ, ડિપ્રેશન, ચિંતા, અગ્રેશન સહિત વિવિધ 54 પ્રદર્શન યોજાયા હતા. દેશભરમાં મનોવિજ્ઞાનને લગતા આવા એક જ મેળાનું અત્યાર સુધીમાં આયોજન થયું હતું.તો ફેબ્રુઆરી-2020માં બે દિવસીય રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવા બદલ પણ મનોવિજ્ઞાન ભવનને સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે.
વિશેષ સિદ્ધિ બદલ સર્ટીફીકેટ એનાયત
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન લોકોને માનસિક સધિયારો આપવા માટે કાઉન્સેલિંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. જે કામગીરી બદલ પણ ભવનને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા સર્ટિફિકેટ મળ્યું છે. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને એકસાથે બે રેકોર્ડ સર્જ્યા છે. જે પ્રમાણપત્ર મનોવિજ્ઞાન ભવનને આજે આ વિશેષ સિદ્ધિ બદલ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું છે.
સર્વેના આધારે 126 જેટલા મનોવૈજ્ઞાનિક આર્ટિકલ લખાયા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,ફેબ્રુઆરી-2020માં યોજાયેલા માત્ર બે દિવસના મેળામાં 9 હજાર લોકો મુલાકાતે આવ્યા હતા. જેમાં લોકોનું સાયકોલોજીકલ, પર્સનાલિટી, એન્ગઝાઈટી, ડિપ્રેશન મેઝરમેન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરોનાકાળ શરુ થતા 22 માર્ચથી મનોવિજ્ઞાન ભવન દ્વારા કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 81,000થી વઘુ લોકોનું ટેલિફોનિક તેમજ રૂબરૂ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. અને આ સર્વેના આધારે 126 જેટલા મનોવૈજ્ઞાનિક આર્ટિકલ લખવામાં આવ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.