રાજકોટના રાજવી પરિવારમાં 1500 કરોડની સ્થાવર-જંગમ મિલકત વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મિલકત વહેંચણી મામલે છેલ્લા એકાદ વર્ષથી ખટરાગ ચાલી રહ્યો છે. ત્યારે પત્રકાર પરિષદમાં જાહેર થયેલી વિગતો તથ્યવિહોણી ગણાવતાં રાજકોટના ઠાકોર સાહેબે જણાવ્યું હતું કે રાજ પરિવાર વિશે ફેલાવવામાં આવી રહેલી વાતો પાયાવિહોણી છે. માંધાતાસિંહ જાડેજા સ્વ.પ્રહલાદસિંહજી જાડેજાને તેમનો હિસ્સો મર્હૂમ ઠાકોર સાહેબ પ્રદ્યુમ્નસિંહજીએ પોતાની હયાતીમાં જ આપી દીધો હતો, હવે કોઈનો હક રાજ પરિવારની મિલકત પર બનતો નથી.
મારા પિતાએ વિલ મારા નામે કર્યું હતું, રણશૂરવીરસિંહનો આક્ષેપ ખોટો: માંધાતાસિંહ
માંધાતાસિંહ જાડેજાએ મીડિયા સામે ખુલાસો કરતા જણાવ્યું કે, મારા પિતા મનોહરસિંહ જાડેજાની દીર્ઘદ્રષ્ટિ હતી અને તેમની આગવી ઓળખ હતી, પિતાએ વિલ મારા નામે કર્યું હતું. મારા ભત્રીજાનો તેમના પિતા પાસેથી હક્ક પ્રાપ્ત થાય છે. રણશૂરવીરસિંહને તેમનો હિસ્સો તેમના પિતા અને દાદા પાસેથી હક્ક હિસ્સો મળી ગયો છે. મારા બહેન રાજકોટ પધાર્યા હતા ત્યારે તેમને વિલ મારા માતાએ બતાવ્યો છે. રણશૂરવીરસિંહનો આક્ષેપ ખોટો છે. કૌટુંબિક ભત્રીજાના તમામ આક્ષેપો રાજવી માધાતાસિંહ જાડેજા પાયા વિહોણા ગણાવ્યા છે. સાથે જ ભત્રીજાએ વારસાઈ મિલકતમાં કરેલી માંગ ગેરવ્યાજબી અને પાયાવિહોણી છે. પ્રહલાદસિંહજીને તેની હયાતીમાં પ્રદ્યુમનસિંહને હિસ્સો આપ્યો છે. વારસાઈ મિલકતમાં રાજવી માધતાસિંહ જાડેજાએ હિસ્સો ન આપ્યો હોવાનો રણશૂરવીરસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો હતો.
રાજકોટના રાજ પરિવારની મિલકતને લઈને જે વાતો ચાલી રહી છે એ અંગે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પત્રકાર પરિષદમાં જે કંઈપણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એ બિનજરુરી અને તદ્દન પાયા વગરનું છે. આમ તો આ મામલો જ પરિવારનો છે, એને જાહેરમાં લઈ જવાની જરુર નથી અને એના કરતાં પણ અગત્યનું એ છે કે જે વિગતો રણશૂરવીરસિંહ જાડેજાએ જાહેર કરી છે એ સત્યથી તદ્દન વેગળી છે.
જાહેરમાં પાયા વગરની વાત કરવાનો કોઈને અધિકાર નથી: માંધાતાસિંહ
માંધાતાસિંહે આજે એક યાદીમાં જણાવ્યું હતું કે રાજકોટ રાજપરિવારની એક આગવી પ્રતિષ્ઠા છે, એના વતી કે એના વિશે આમ જાહેરમાં પાયા વગરની વાત કરવાનો કોઈને અધિકાર નથી. અમારા ધ્યાને આવ્યું છે કે અમારા જ કુટુંબી રણશૂરવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં અમારા પૂર્વજ, રાજકોટના પૂર્વ ઠાકોર સાહેબ મર્હૂમ પ્રદ્યુમ્નસિંહજી જાડેજાની મિલકતના તેઓ સીધી લીટીના વારસદાર હોવાની વાત કરી છે અને કેટલીક મિલકતો પર પોતાનો હક છે એવું જણાવ્યું છે, પરંતુ આ વાતમાં કોઈ વજુદ નથી.
આવો કોઈ વિવાદ કે કોઈ મુદ્દો જ અસ્તિત્વ ધરાવતો નથી: માંધાતાસિંહજી
મારા પિતા સ્વ. ઠાકોર સાહેબ મનોહરસિંહજીના નાના ભાઈ સ્વ.પ્રહલાદસિંહજી જાડેજા, એટલે કે રણશૂરવીરસિંહના દાદાબાપુને તેમના હિસ્સાની મિલકત સ્વ. ઠાકોર સાહેબ પ્રદ્યુમ્નસિંહજી જાડેજાએ પોતે જ આપી દીધી હતી. તેમના પુત્ર અનિરુદ્ધસિંહજીએ પણ અગાઉ કોર્ટમાં આ વાત કબૂલ કરી છે. માટે હવે સ્વ. પ્રહલાદસિંહજીના કોઇ પરિવારજનનો હિસ્સો રાજકોટ રાજ પરિવારની કોઇ મિલકત પર રહેતો નથી. આવી રીતે માધ્યમોમાં અલગ અલગ વાત ફેલાવીને તે લોકો રાજકોટની પ્રજામાં ગેરસમજ ફેલાવી રહ્યા છે એ દુઃખદ છે. વાસ્તવમાં આવો કોઈ વિવાદ કે કોઈ મુદ્દો જ અસ્તિત્વ ધરાવતો નથી.
10 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો
ગઈકાલે રણશૂરવીરસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2016માં મામલતદાર કચેરીના અધિકારી કે.કે.જાડેજાએ 10 કરોડ માગ્યા હતા તેમજ પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ ભ્રષ્ટાચાર કર્યો હતો. આ માટે તેમના દ્વારા 10 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જવાબદાર અધિકારીઓ સમક્ષ કાર્યવાહી કરવા માગ કરી હતી.
રણશૂરવીરસિંહે લગાવેલા આક્ષેપો ખોટાઃ પ્રાંત અધિકારી
પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે માંધાતાસિંહના કૌટુંબિક ભત્રીજા રણશૂરવીરસિંહે લગાવેલા આક્ષેપ ખોટા છે, પાયાવિહોણા આક્ષેપ મારા પર કરવામાં આવ્યા છે. ખોટા આક્ષેપ કરતાં તેની સામે લીગલ એડવાઈઝરની મદદ લઈ કાર્યવાહી કરવા સલાહ લેવામાં આવશે. બંને પક્ષના કોઈ પક્ષકાર ક્યારેય મને મળવા નથી આવ્યા અને આજે સીધા આક્ષેપ કરવામાં આવ્યા, સાચું કેવી રીતે માનવું? રૂપિયાનો આક્ષેપ વર્ષ 2016માં થયાની વાત છે, જ્યારે હું રાજકોટમાં વર્ષ 2019 ડિસેમ્બરમાં આવી ફરજ નિભાવી કાર્યરત થયો છું.
11 મિલકતને લઈને રાજવી પરિવારમાં વિવાદ
રાજકોટના રાજવી પરિવારની મિલકત વિવાદમાં માંધાતાસિંહ પર તેમનાં બહેને દાવો માંડ્યા બાદ હવે તેમના ભત્રીજા રણશૂરવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ દાવો માંડ્યો છે. તેમને મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમ્નસિંહજીના વસિયતનામાને ખોટો હોવાનો કહી રાજપરિવારની તમામ મિલકતોમાં પોતાનો હિસ્સો માગ્યો છે. ખાસ કરીને તેમણે 11 મિલકત, જેમાં 675 એકર ખેતીની જમીન, વીડી તેમજ રાંદરડા તળાવની જગ્યા અને જે મિલકત મામલે ભાઈ-બહેન વચ્ચે વિવાદ ચાલતો હતો એમાં માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો પણ સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.