રાજકોટમાં લોકમેળાની પૂરજોશમાં તૈયારી:રેસકોર્સમાં મંડપ બાંધવાનું શરૂ, પાણી ભરાયેલા ખાડામાં મોરમ નખાઇ, કોરોના-સ્વાઈન ફ્લૂ વચ્ચે લોકોએ સાવચેત રહેવું

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટના રેસકોર્સમાં લોકમેળાની તૈયારી શરૂ. - Divya Bhaskar
રાજકોટના રેસકોર્સમાં લોકમેળાની તૈયારી શરૂ.

કોરોનાને કારણે બે વર્ષથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો આ વર્ષે યોજાવા જઈ રહ્યો છે. રેસકોર્સમાં લોકમેળાની પૂરજોશમાં તૈયારી શરૂ કરવામાં આવી છે. રેસકોર્સના મેદાનમાં પાણી ભરાયા છે ત્યાં મોરમ નાખવામાં આવી રહી છે તો મંડપ બાંધવાનું પણ શરૂ થઈ ગયું છે. પરંતુ સ્વાઈન ફ્લૂ અને કોરોનાના વધતા કેસ વચ્ચે લોકમેળો પડકારરૂપ બની રહે તો નવાઇ નહીં. લોકમેળામાં લોકોએ જ સાવચેત રહેવું પડશે.

વહીવટી તંત્રને 81.10 લાખની આવક
હરાજી અને ડ્રો પદ્ધતિથી પ્લોટ અને સ્ટોલ ફાળવવાની કામગીરી પૂરી થયા બાદ રેસકોર્સના મેદાનમાં આજથી મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંડપ નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને દર વખતે ચોમાસામાં મેળામાં જે સ્થળે પાણી ભરાવાની ફરિયાદો ઊઠે છે ત્યાં અત્યારથી જ મોરમ નાખી દેવાઇ છે. હરાજીમાં કે ડ્રો પદ્ધતિમાં જેમને પ્લોટ કે સ્ટોલ મળ્યા નથી તેવા અરજદારોને ડિપોઝીટની રકમ પરત આપવાનું શરૂ કરી દેવાયું છે. રંગીલા રાજકોટમાં બે વર્ષ બાદ 17થી ઓગસ્ટથી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર મેળા સમિતિ દ્વારા લોકમેળામાં યાંત્રિક પ્લોટની હરાજી હાથ ધરવામાં આવી હતી. જેમાં 28 પ્લોટની હરાજી સાથે વહીવટી તંત્રને રૂપિયા 81 લાખ 10 હજારની આવક થઈ છે.

પાણી ભરાયા હોય ત્યાં મોરમ પાથરવામાં આવી રહી છે.
પાણી ભરાયા હોય ત્યાં મોરમ પાથરવામાં આવી રહી છે.

17થી 21 ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે
આ માહિતી પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી દ્વારા આપવામાં આવી છે. લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા 17થી 21 ઓગસ્ટ સુધી યોજાનારા લોકમેળામાં જાહેરાત માટે જાહેરાતનું કામ સંભાળતી સંસ્થાઓ, કંપનીઓ પાસેથી જાહેરાત આપી ટેન્ડરો મગાવવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય સ્ટેજ, પ્રવેશદ્વાર 4, મેળાની અંદર 20 લાઇટ અને સાઉન્ડ ટાવર તથા 10 વોચ ટાવર સહિત સ્ક્રોલ જાહેરાત, વિઝ્યુઅલ જાહેરાત LED સ્ક્રીનનો સમાવેશ થાય છે. ટેન્ડર ભરવાની મુદ્દતમાં 8 ઓગસ્ટ સુધી વધારો કરવામાં આવ્યો છે.

રેસકોર્સમાં મંડપ બાંધવાની શરૂઆત.
રેસકોર્સમાં મંડપ બાંધવાની શરૂઆત.