પરીક્ષા:મનપામાં ભરતી પ્રક્રિયા શરૂ, આરોગ્ય શાખામાં નિમણૂક માટે 20,000 અરજી, હવે પરીક્ષા લેવાશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાન્યુઆરી સુધીમાં પરીક્ષા યોજવા માટે એજન્સીને સૂચના અપાઈ, અમદાવાદમાં પણ હશે પરીક્ષા કેન્દ્ર

રાજકોટ મનપા જુનિયર ક્લાર્ક બાદની સૌથી મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવા જઈ રહી છે. જેમાં 20,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શક્યતા છે. રાજકોટ મનપાની આરોગ્ય શાખામાં મેડિકલ ઓફિસર, મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, લેબ ટેક્નિશિયન અને ફાર્માસિસ્ટની જગ્યાઓ મંજૂર થઈ છે તેમાં અરજીઓ મગાવવામાં આવી હતી.

આ પૈકી હેલ્થ વર્કર માટે સૌથી વધુ 15000 અરજી આવી છે જ્યારે બાકીના સંવર્ગમાં પણ અરજીઓ આવતા કુલ ઉમેદવારોની સંખ્યા 20,000ને આંબી ગઈ છે. આ કારણે જુનિયર ક્લાર્કની ભરતી બાદ સૌથી મોટી ભરતી પ્રક્રિયા બનવાની છે તેથી ડિસેમ્બરના અંત સુધીમાં અથવા તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં જ પરીક્ષા લેવાય તેવું આયોજન કરવા માટે એજન્સીને આદેશ આપી દેવાયા છે.

જો માત્ર રાજકોટમાં જ પરીક્ષા લેવામાં આવે તો ઉમેદવારો અને તંત્ર બંનેને ઘણી અગવડતાઓનો સામનો કરવો પડી શકે તેમ છે. આ કારણે અમદાવાદમાં પણ પરીક્ષા લેવામાં આવશે જેથી તે જિલ્લાની આસપાસના અરજદારો હોય તેઓ અમદાવાદમાં પરીક્ષા આપી શકે જ્યારે સૌરાષ્ટ્રના ઉમેદવારો રાજકોટમાં પરીક્ષા આપી શકે.

નવી હોસ્પિટલ મંજૂર થતા આરોગ્ય વિભાગમાં મહેકમ વધ્યું
રાજકોટ શહેરમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રો છે પણ તે માત્ર ઓપીડી અને સામાન્ય સારવાર કરવા પૂરતા સીમિત છે. જોકે રાજકોટ શહેરમાં પ્રથમ વખત મનપા સંચાલિત હોસ્પિટલ બની રહી છે જે 24 કલાક ચાલુ રહેશે જેથી વધારાના મહેકમની પણ સરકારે હોસ્પિટલની સાથે જ મંજૂરી આપી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...