રાજકોટમાં વિદ્યાનગર રોડ પર આવેલ એવરેસ્ટ સ્પામાં MD ડ્રગ્સનો વેપલો ચાલતો હોવાની ચોંકાવનારી અરજી રાજકોટ પોલીસ કમિશનરને કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અહીં સ્પામાં કામ કરતી પરિણીત યુવતીએ CPને અરજી કરીને જણાવ્યું હતું કે, 8 હજાર વસૂલવા સંચાલક દેહ વ્યાપાર કરાવતો હતો અને અઠવાડિયામાં ચારવાર MD ડ્રગ્સ પણ લેવડાવ્યું હતું.
સંચાલક અને તેની પત્ની નશાનો કારોબાર ચલાવતા
વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, સ્પા સંચાલક કિશન ઠાકોર અને તેની પત્ની મોના ઠાકોર સ્પામાં કામ કરતી યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવે છે.મારી પાસે દેહવ્યાપાર કરાવવા સંચાલક મોરબી મોકલતો હતો. મને પણ જબરદસ્તી કરી MD ડ્રગ્સ 4 થી 5 વખત લેવડાવ્યું હતું અને ડ્રગ્સના રૂપિયા પણ મારી પાસેથી લીધા છે. બળજબરીપૂર્વક ડ્રગ્સ લેવડાવતા મારી હાલત કફોડી બની હતી. આ મુદ્દે મેં 29 એપ્રિલે મહિલા પોલીસમાં પણ અરજી કરી હતી. ત્યારે પોલીસે અરજીના આધારે કિશન ઠાકોરને પોલીસ મથકે બોલાવી માત્ર કરી પૂછપરછ કરી છોડી દીધો હતો. અને સ્પામાંથી પોલીસને ડ્રગ્સ મળ્યું ન હોવાનો બચાવ પણ કર્યો હતો.
રાજકોટ નશાના કારોબારનું એપી સેન્ટર બનતું જાય છે
રાજકોટમાં થોડા સમય પહેલાં એક યુવા ક્રિકેટરની માતાએ ડ્રગ્સના કાળા કારોબારના કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો હતો. તેણે તો 8 પેડલરનાં નામ પણ જાહેર કર્યાં હતાં, જેને કારણે પોલીસ પણ સક્રિય થઈ અને ડ્રગ્સ-પેડલરને પકડી પાડવા દરોડા શરૂ કર્યા હતા. ડ્રગ્સનું દૂષણ ખાલી મુંબઈ કે મહાનગરો પૂરતું જ સીમિત હોય એવું નથી, હવે ગુજરાત પણ ડ્રગ્સનાં દૂષણની નાગચૂડમાં સપડાય રહ્યું છે. રાજકોટની જ વાત કરીએ તો આ શહેર આજે નશાના કાળા કારોબારમાં સમગ્ર સૌરાષ્ટ્રનું એપી સેન્ટર બની ગયું હોય એમ લાગી રહ્યું છે.
ડ્રગ્સ પેડલરો ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યા છે
રંગીલું રાજકોટ માદક દૃવ્યોના કાળા કારોબારનું એપી સેન્ટર બની ગયું છે, એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. શહેરમાં જેટલી સહેલાઈથી પાન-માવા વેચાય છે એટલી જ સહેલાઈથી પેડલરો ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યા છે. અગાઉ મહિલા ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયા શહેરમાં યુવાનોને રીતસર ટાર્ગેટ કરીને પહેલા નશાના બંધાણી અને પછી પેડલર બનવા તરફ ધકેલવાની મોડસ ઓપરેન્ડી ચલાવી રહ્યાનું બહાર આવ્યું હતું અને બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. રૈયાધાર અને જંગલેશ્વરને નશાના કારોબારનું એપી સેન્ટર બની ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.